Sabarkantha: સાબરકાંઠામાં સર્વત્ર વૈશાખી માવઠું; હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં પડ્યા કરા
Sabarkantha: ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે, રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે સોમવાર બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ જિલ્લામાં સર્વત્ર માવઠું થયું હતું. માવઠાની શરૂઆત ખેડબ્રહ્મા તાલુકામાંથી થઇ હતી. ત્યારબાદ ધીમેધીમે આ માવઠું વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તરફ આગળ વધ્યું હતુ. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે બપોર બાદ પવનની આંધી સાથે જિલ્લાને માવઠાએ ઘમરોળ્યુ હતુ. તેમજ મોટાભાગના સ્થળે વાવાઝોડાને કારણે વિજ પુરવઠો લગભગ દોઢ કલાક ખોરવાઇ ગયો હતો.
હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી અને ઇડરમાં કરા પડ્યા
નોંધનીય છે કે, અચાનક થયેલા માવઠાને કારણે હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ સ્થળે ગ્રામ્ય વિસ્તારોમાં બાજરી, મકાઇ અને મગફળીના પાકનો સોથ વળી ગયો હતો. એટલુ જ નહીં પણ હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી અને ઇડરમાં કરા પડ્યા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સોમવારે બપોર બાદ હવામાન વિભાગે કરેલી આગાહીના ભાગરૂપે ગરમીનું પ્રમાણ ખુબજ વધી ગયુ હતુ. ત્યારબાદ એકાએક વાતાવરણમાં આવેલા પલટાને કારણે આકાશ ધુળની ડમરીઓથી છવાઇ ગયુ હતુ અને તરતજ ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા, વડાલી, ઇડર અને હિંમતનગર તાલુકાના કેટલાક સ્થળે કરા સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો.
વરસાદને કારણે મોટાભાગના સ્થળે ચોમાસા જેવો માહોલ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સતત સવા કલાક સુધી વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે મોટાભાગના સ્થળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. એટલુ જ નહીં પણ રોડ પર પાણી વહેવા માંડ્યુ હતું. હિંમતનગર તાલુકાના મેડીટીંબા ગામે વાવાઝોડાને કારણે કેટલાક કાચા-પાકા મકાનના પતરા ઉડી ગયા હતા. જોકે કોઇ આમાં કોઈ જાનહાની થયાના સમાચાર સામે આવ્યા નથી.
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં એક ઝાડ પડી ગયું
હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે રોડ પર અવરજવર કરતા વાહન ચાલકો પણ સલામતી ખાતર પોતાના વાહન થંભાવીને ઉભા થઇ ગયા હતા. વરસાદ અને વાવાઝોડુ બંધ થયા પછી પણ જિલ્લાના મોટાભાગના સ્થળે આકાશ વાદળછાયું બની ગયુ હતુ. જેથી આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની શકયતાને નકારી શકાતી નથી. આ લખાય છે ત્યારે સાંજે 05:30 કલાક સુધીમાં જાનહાની કે નુકશાન થયાની કોઇ વિગતો સાપડી નથી. ડિઝાસ્ટર વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વરસાદ અને વાવાઝોડાને કારણે હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં એક ઝાડ પડી ગયું છે.