Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિન્ધાસ્ત બનીને ફુલની જેમ બોંબ ફેંકતો આ શખ્સ કોણ..?

ઉમેશ પાલ હત્યા કેસમાં જે શખ્સે ખુલ્લેઆમ બિન્ધાસ્ત બનીને બોંબ ફેંક્યો હતો તે ગેંગસ્ટર અતિક એહમદના નીકટનો સાથીદાર ગુડ્ડુ મુસ્લિમ આજકાલ ચર્ચામાં છે. ગુડ્ડુ મુસ્લિમને શોધવા ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમો વિવિધ સ્થળોએ છાપામારી કરી રહી છે પણ તેનો કોઇ પતો...
બિન્ધાસ્ત બનીને ફુલની જેમ બોંબ ફેંકતો આ શખ્સ કોણ
ઉમેશ પાલ હત્યા કેસમાં જે શખ્સે ખુલ્લેઆમ બિન્ધાસ્ત બનીને બોંબ ફેંક્યો હતો તે ગેંગસ્ટર અતિક એહમદના નીકટનો સાથીદાર ગુડ્ડુ મુસ્લિમ આજકાલ ચર્ચામાં છે. ગુડ્ડુ મુસ્લિમને શોધવા ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમો વિવિધ સ્થળોએ છાપામારી કરી રહી છે પણ તેનો કોઇ પતો મળ્યો નથી. અંધારી આલમની દુનિયામાં ગુડ્ડુ મુસ્લિમને ગુડ્ડુ બોંબર તરીકે ઓળખવામાં આવે છે. તે એટલો કૃર છે કે જ્યારે તે બોંબ ફેંકે છે ત્યારે માનવતા ભુલી જાય છે અને ફુલ ફેંકવાની જેમ તે બોંબ ફેંકે છે.યુપી પોલીસની એસટીએફ ગુડ્ડુ બોમ્બાઝને શોધી રહી છે. તે પોલીસ એન્કાઉન્ટરનો શિકાર બને કે પછી તેને હાથકડી પહેરાવવામાં આવે તે બધું તેના નસીબ પર છે. પરંતુ પૂર્વાંચલના આ બદમાશની બોંબર બનવાની વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી.
ગુડ્ડુ મુસ્લિમ અતીક અહેમદનો ખાસ શૂટર
શનિવારે, 15 એપ્રિલના રોજ, યુપીના પ્રયાગરાજમાં રાતના સમયે પોલીસ અને મીડિયાની હાજરીમાં  ત્રણ હુમલાખોરોએ અતીક અહેમદ અને તેના ભાઇ અશરફની ગોળી મારીને હત્યા કરી હતી. બંને ભાઈઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.  ગોળીબારની થોડીક સેકન્ડો પહેલા અતીક અને અશરફે મીડિયા સાથે વાત કરી હતી અને અશરફે કેમેરામાં ગુડ્ડુ મુસ્લિમ વિશે એવું કંઈક કહેવાનું શરૂ કર્યું હતું, ત્યારે જ બંનેને ગોળી વાગી હતી. એવું માનવામાં આવે છે કે ગુડ્ડુ મુસ્લિમ પાસે મોટા રહસ્યો છે, જેને પોલીસ શોધી રહી છે. બીજી તરફ રિમાન્ડ દરમિયાન એસટીએફને મળેલી માહિતી મુજબ ગુડ્ડુ મુસ્લિમ અતીક અહેમદનો ખાસ શૂટર હતો અને તે તેનું સમગ્ર નેટવર્ક સંભાળતો હતો.
ગુડ્ડુ મુસ્લિમને બોંબબાઝ તરીકે ઓળખવામાં આવે છે
ગુડ્ડુ મુસ્લિમ એ નામ છે જે અશરફ અહેમદ ગોળી વાગતા પહેલા જ લઈ રહ્યો હતો. ગુડ્ડુ મુસ્લિમ બોમ્બ મેકિંગ એક્સપર્ટ તરીકે પણ ઓળખાય છે. તેના વિશે એ પણ પ્રખ્યાત છે કે તેણે યુપીની ઘણી મોટી માફિયા ગેંગ માટે કામ કર્યું છે. ગુડ્ડુએ અતિક અહેમદ સાથે પણ કામ કર્યું છે. ગુડ્ડુ મુસ્લિમ વિશે એવું કહેવાય છે કે તેણે માત્ર 15 વર્ષની ઉંમરે જ ગુનાની દુનિયામાં પગ મૂક્યો હતો. શરૂઆતમાં તે નાની મોટી ચોરીઓ કરતો હતો પરંતુ થોડા સમય પછી તે બાહુબલીઓ સાથે જોડાઈ ગયો અને બોંબ બનાવવા લાગ્યો. ધીમે-ધીમે આ ટોળકીમાં ગુડ્ડુ એટલો ફેમસ થઈ ગયો કે રાજ્યના કોઈપણ મોટા ગુનાહિત કેસમાં ગુડ્ડુ મુસ્લિમનું નામ પણ ઉમેરાઈ જતું. એક અહેવાલ મુજબ ગુડ્ડુ મુસ્લિમે બે દાયકા સુધી ઘણા મોટા માફિયાઓ માટે કામ કર્યું છે. આ માફિયાઓમાં પ્રકાશ શુક્લા, મુખ્તાર અંસારી, ધનંજય સિંહ અને અભય સિંહના નામ પણ સામેલ છે.
પોતાના જ શિક્ષકની હત્યા કરી લાઇમ લાઇટમાં આવ્યો
અલ્હાબાદ (પ્રયાગરાજ)માં જન્મેલા ગુડ્ડુ મુસ્લિમના નામનો ઉપયોગ નાનપણથી જ નાના ગુનાઓમાં થતો હતો. બાદમાં તેણે ગુનાખોરીને પોતાનો વ્યવસાય બનાવી લીધો. તેણે શાળામાં લૂંટ અને છેડતી જેવા કામો કરવા માંડ્યા. ધીરે ધીરે, ગુડ્ડુ મુસ્લિમની વધતી દાદાગીરીથી પરેશાન પરિવારના સભ્યોએ તેને વધુ અભ્યાસ માટે લખનૌ મોકલી દીધો. જો કે, તે અહીં પણ અટક્યો ન હતો.  અહેવાલો અનુસાર, ગુડ્ડુ મુસ્લિમ પ્રથમ વખત લાઇણ લાઇટમાં ત્યારે આવ્યો  જ્યારે તેણે લખનૌની પ્રખ્યાત લેમાર્ટિનિયર સ્કૂલમાં તેના રમત શિક્ષક ફ્રેડરિક જે. ગોમ્સની હત્યા કરી. વર્ષ હતું 1997. હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ હત્યામાં ગુડ્ડુની સાથે રાજા ભાર્ગવ અને ધનંજય સિંહ પણ આરોપી હતા. સમાચારોનું માનીએ તો ગુડ્ડુએ આ હત્યાની કબૂલાત કરી હતી, પરંતુ કોર્ટમાં તે સાબિત થઈ શક્યું ન હતું અને કોર્ટે ત્રણેયને નિર્દોષ છોડી મૂક્યા હતા.
ગુડ્ડુનું નામ બોંબબાઝ કેવી રીતે પડ્યું?
24 ફેબ્રુઆરી 2023ના રોજ ગુડ્ડુ મુસ્લિમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. જેમાં તે જોરદાર મારપીટ કરી રહ્યો છે. વીડિયો ક્લિપમાં ગુડ્ડુ મુસ્લિમ અરમાન બિહારી સાથે બાઇક પર જોવા મળી રહ્યો છે. તે બાઇક પરથી નીચે ઉતરે છે અને તેની બેગમાંથી દેશી બોમ્બ કાઢે છે અને તેને ફેંકવાનું શરૂ કરે છે. ગુડ્ડુ મુસ્લિમ પર એવો આરોપ છે કે તે અસદ અહેમદની સાથે ઉમેશ પાલ હત્યા કેસમાં પણ સામેલ હતો. ઉમેશ પાલની હત્યા બાદથી તે ફરાર છે. આ જ ઉત્તર પ્રદેશ પોલીસે પણ ઉમેશ પાલની હત્યા બાદ ગુડ્ડુ મુસ્લિમ પર 5 લાખનું ઈનામ જાહેર કર્યું છે. ગુડ્ડુ મુસ્લિમ બોંબ બનાવામાં માહેર છે અને નિર્ભય તથા બિન્ધાસ્ત બનીને ચાહે ત્યાં બોંબ ફેંકે છે.
ગુડ્ડુ બિહારના માફિયાઓ માટે કામ કરી ચૂક્યો છે
54 વર્ષના ગુડ્ડુ મુસ્લિમે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પણ  બિહારના માફિયાઓ સાથે પણ કામ કર્યું છે. આ જ કારણ છે કે તેને ફરાર થવામાં મદદ મળતી રહી છે. ઉમેશ પાલ મર્ડર કેસના પ્લાનિંગ દરમિયાન અતીકના પુત્ર અસદે તેના તમામ સહયોગીઓના કોડ નેમ બનાવી દીધા હતા. જેમાં ગુડ્ડુ મુસ્લિમને મુર્ગીનું નામ આપવામાં આવ્યું હતું. આ કોડનેમ આપવાનું કારણ એ છે કે તેમના પરિવારનો ચકિયામાં ચિકનનો બિઝનેસ છે. તે જ સમયે, અસદ અને ગુલામના એન્કાઉન્ટર પછી, STFએ મરઘીને પકડવા માટે તેની તમામ તાકાત લગાવી દીધી છે. દરમિયાન, ઘણી વખત સમાચાર સામે આવ્યા હતા કે એસટીએફએ ગુડ્ડુને લગભગ પકડી લીધો છે પરંતુ આ સમાચારની પુષ્ટિ થઈ શકી નથી.
શ્રીપ્રકાશ શુક્લને ગુરુ માને છે
એક સમય હતો જ્યારે ગુડ્ડુ શ્રીપ્રકાશ શુક્લાને મળ્યો, જે ગુનાખોરીની દુનિયામાં સૌથી ખતરનાક અને યુપીનો સૌથી પ્રખ્યાત માફિયા હતો. ધીમે ધીમે ગુડ્ડુ તેની સૌથી નજીકનો સાથીદાર બની ગયો અને તેને ગુરુ માનવા લાગ્યો. જોકે, શ્રીપ્રકાશ શુક્લાના એન્કાઉન્ટર બાદ તે ગોરખપુરના માફિયા પરવેઝ ટાડાના સંપર્કમાં આવ્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે કામ કરનાર પરવેઝ ટાડા અહીં નકલી નોટોની દાણચોરી માટે જાણીતો હતો. ત્યાં ગુડ્ડુએ પરવેઝ માટે બોંબ બનાવવાનું શરૂ કર્યું અને પરવેઝે જ તેને બિહારના પ્રખ્યાત માફિયા ઉદયભાન સિંહને મળાવ્યો હતો અને ત્યારબાદ તે ઉદયભાન સિંહ સાથે કામ કરવા લાગ્યો.
ગુડ્ડુ અતિક અહેમદનો પણ ખાસ બની ગયો હતો
વર્ષ 2001 સુધીમાં ગુડ્ડુ ગુનાની દુનિયાનો જાણીતો ચહેરો બની ગયો હતો. તેની સામે ઘણા કેસ પણ નોંધાયેલા હતા અને પોલીસ તેને શોધી રહી હતી. આ ક્રમમાં ગોરખપુર પોલીસે તેની પટનાથી ધરપકડ કરી હતી. એવું કહેવાય છે કે તે સમયે અતીક અહેમદે જ તેને જેલમાંથી જામીન અપાવ્યા હતા. ત્યારથી ગુડ્ડુ અતીક અહેમદનો જમણો હાથ બની ગયો હતો. ગુડ્ડુ વર્ષો સુધી અતીક માટે કામ કરતો હતો. તેણે પૂર્વ સાંસદ અતીક અહેમદના કહેવા પર મોટા ગુનાઓ કરવા માંડ્યા અને એકલા હાથે ગેંગને હેન્ડલ કરવાનું પણ શરૂ કર્યું. વર્ષ 2005માં બહુજન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં અતીક અહેમદની સાથે ગુડ્ડુ મુસ્લિમનું નામ પણ સામે આવ્યું હતું.
અતીક અહેમદ પર 100 થી વધુ કેસ હતા
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની 15 એપ્રિલે હત્યા કરવામાં આવી હતી. અહેમદ અને અશરફની હત્યાએ ફરી એકવાર યુપી પોલીસ અને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. આ રાજ્યમાં પહેલા પણ પોલીસ કસ્ટડીમાં હત્યાને લઈને સવાલો ઉભા થયા છે અને ઘણી વખત વિપક્ષે યોગી સરકારને ઘેરી છે. અતીક અહેમદ વિરુદ્ધ 100 થી વધુ કેસ નોંધાયા હતા. પ્રયાગરાજના પ્રોસિક્યુશન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ સાંસદ અને માફિયા અતીક અહેમદ વિરુદ્ધ 1996થી 50 કેસ પેન્ડિંગ હતા. આ સિવાય બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલ હત્યાના મુખ્ય આરોપી હતા. સીબીઆઈ આ મામલે હજુ પણ તપાસ કરી રહી છે. બીજી તરફ, 28 માર્ચ, 2022ના રોજ, પ્રયાગરાજની MPMLA કોર્ટે તેને વર્ષ 2006માં ઉમેશ પાલના અપહરણ માટે દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા પણ ફટકારી હતી.
Advertisement
Tags :
Advertisement

.