GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ અરજીઓમાં સરેરાશ 25 ટકા સુધી ઘટાડો
GST News : GST નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશથી, ગુજરાતમાં 7 નવેમ્બર 2023ના રોજ 12 GST સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ GST નોંધણીની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઇ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે, નવેમ્બર 2023માં GST સેવા કેન્દ્રની શરૂઆત બાદ સાત મહિનાની અંદર જ, વર્ષ 2022ની સરખામણીએ અરજીઓની સંખ્યામાં સરેરાશ 25 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
પ્રાપ્ત થયેલી અરજીની સંખ્યા અને ઘટાડો
મહિનો | 2022-23 | 2023-24 |
નવેમ્બર | 26640 | 11914 |
ડિસેમ્બર | 23636 | 19629 |
જાન્યુઆરી | 31501 | 21664 |
ફેબ્રુઆરી | 25484 | 21202 |
માર્ચ | 25107 | 19825 |
એપ્રિલ | 23881 | 20032 |
મે | 23989 | 19777 |
અત્યાર સુધી સરેરાશ ઘટાડો 24.99%
ગુજરાત સ્ટેટ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર અગાઉ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના તેમજ બોગસ દસ્તાવેજોના આધારે GST નોંધણી કરાવીને ટેક્સચોરી કરવાની પ્રવૃત્તિ થતી હતી. પરંતુ સેવા કેન્દ્ર પર હવે બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું હોવાથી અસલ અરજદારને ખરાઇ માટે બોલાવવામાં આવે છે. એક જ કેન્દ્ર પર 40થી વધારે માપદંડોના આધારે અરજીની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને GST નોંધણી નંબર આપવામાં આવે છે. રાજ્યના તથા કેન્દ્રના GST નોંધણી નંબરની બાયોમેટ્રિકને લગતી તમામ કામગીરી આ 12 GST સેવા કેન્દ્ર ખાતે જતી હોવાથી કામગીરી ખૂબ સરળ, પારદર્શક અને ઝડપી બની ગઇ છે.
ગુજરાતમાં 12 કેન્દ્ર
7 નવેમ્બર 2023ના રોજ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણના હસ્તે વાપીથી 12 GST સેવા કેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. અત્યારે રાજ્યમાં વાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને ગાંધીધામમાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
GST સેવા કેન્દ્ર શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય
ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં GST સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતાને ધ્યાને લઈ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે. GST સેવા કેન્દ્રના અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો 25 ટકા જેટલો ઘડાટો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે. GST કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના અધિકારીશ્રીઓએ ગુજરાતમાં શરૂ થયેલા કેન્દ્રોની મુલાકાત લીધી છે.
આ પણ વાંચો----- PGVCL Scam : વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં PGVCL એક્શન મોડમાં, કરી આ મોટી કાર્યવાહી