Valsad: હલકી ગુણવત્તાના મટીરીયલે ખોલી ભ્રષ્ટાચારની પોલ! પૈસા ક્યા ચાઉં થયા? લોકોએ માંગ્યો જવાબ
Valsad Corruption in Road Work:: ગુજરાતના અત્યારે પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યા રાજ્યને કલંકીત કરતા કામો થઈ રહ્યા છે. મતલબ કે, સરકારી કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે વલસાડ જિલ્લાના મોટા સુરવાડા ગામમાં ડામરનો રસ્તો બનાવવામાં મોટી ગેરરીતિ થયાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ અત્યારે રસ્તા પર આવીને આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યાં છે.
રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લોકોએ કર્યો આક્ષેપ
મળતી વિગતો પ્રમાણે વલસાડ (Valsad) જિલ્લાના મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે. નવા જ બની રહેલા રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કે અન્ય જરૂરી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવાની જગ્યાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. નોંધનીય છે કે, રોડ-રસ્તાઓ બનાવવા માટે સરકાર દ્વારા પુરતી ગ્રાન્ટ ફાળવવામાં આવવા છતાં પણ કેમ, હલકી ગુણવત્તાના કામો થઈ રહ્યા છે.
ગ્રાન્ટ પૈસાથી ભ્રષ્ટાચારીઓના પેટ ભરવામાં આવે છે?
નોંધનીય છે કે, આજે આ રસ્તાના ચાલતા કામના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો. ગામ લોકોના મતે અંદાજે 70 લાખથી વધુના ખર્ચે મોટા સુરવાળાથી સેગવી સુધીના રસ્તો બની રહ્યો છે. જેનું કામ અત્યારે ચાલી રહ્યું છે. પરંતુ સામા ચોમાસે ચાલી રહેલા આ કામમાં વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આખરે કેમ આવી રીત સરકારી પૈસાથી ભ્રષ્ટાચારીઓના પેટ ભરવામાં આવે છે?
ભ્રષ્ટાચાર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા લોકોની માંગ
ઉલ્લેખનીય છે કે, રસ્તામાં વપરાઈ રહેલા ગુણવત્તા વિનાનો મટીરીયલથી કામમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. આથી મોટી સંખ્યામાં લોકોએ આ રોડના ચાલી રહેલા કામ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કોન્ટ્રાક્ટર અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, લોકોના પૈસાથી લોકોનું કામ કરવાનું હોય છે, છતાં સરકારી પૈસા ચાઉં થઈ જાય છે. જેથી લોકોએ આ કામ પાછળ જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરી છે.