Ahmedabad : વધુ એક ગ્રાન્ટેડ શાળાને લાગશે 'અલીગઢી તાળું'! વાલીઓમાં રોષ, લગાવ્યો ગંભીર આરોપ
- અમદાવાદમાં (Ahmedabad) વધુ ગ્રાન્ટેડ શાળાને તાળા લાગશે
- બાપુનગરની રંજન હાઈસ્કૂલને બંધ કરવા તજવીજ
- 121 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયાં
- વાલીઓમાં રોષ, શાળા સંચાલકો પર લગાવ્યા ગંભીર આરોપ
અમદાવાદમાં (Ahmedabad) વિદ્યાર્થીઓની સંખ્યાનાં અભાવે વધુ એક ગ્રાન્ટેડ શાળાને તાળા વાગશે. શહેરનાં બાપુનગર (Bapunagar) વિસ્તારમાં આવેલી રંજન હાઈસ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નિયમ પ્રમાણે પ્રતિ વર્ગ 36 જેટલા વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ન જળવાતા બંધ કરવાનો વારો આવ્યો છે. આ શાળામાં ધોરણ 9 થી 12 માં 121 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને નજીકની અન્ય શાળામાં ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - VADODARA : ફેસબુક થકી પરિચયમાં આવેલા શખ્સે લગ્નની લાલચે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
પ્રશાસને અગાઉથી જાણ ન કરી હોવાનો વાલીઓનો આરોપ
જો કે, શાળામાં અભ્યાસ કરતા બાળકોનાં વાલીઓનો આરોપ છે કે શાળા પ્રશાસન દ્વારા શાળા બંધ કરવાનાં નિર્ણય બાબતે અગાઉથી કોઈ જાણ નથી કરવામાં આવી અને સંખ્યા ન હોવાનું કારણ આગળ ધરીને તાબડતોડ શાળા બંધ કરી રહ્યાં છે. પ્રશાસને અગાઉથી જાણ કરવી જરૂરી હતી. શૈક્ષણિક વર્ષમાં પૂરું થવા આવ્યું છે અને હવે જો બાળકો નવા સ્થળ પર અભ્યાસ માટે જશે તો નવી જગ્યા, નવું વાતાવરણની સાથે-સાથે અને શાળાનો યુનિફોર્મ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વાલીઓએ ભોગવવાનો વારો આવશે. રંજન હાઇસ્કૂલ (Ranjan High School) વર્ષ 1984 થી કાર્યરત છે, જ્યાં હાલ ધોરણ 9 માં 28, ધોરણ 10 માં 36, ધોરણ 11 માં 27 અને ધોરણ 12 માં 30 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ પણ વાંચો - Weather Report : આગામી 7 દિવસ ભારે વરસાદ પડશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે
એક વર્ગમાં સરેરાશ 36 વિદ્યાર્થીઓની હાજરી હોવી જરૂરી
નિયમ પ્રમાણે એક વર્ગમાં સરેરાશ 36 વિદ્યાર્થીઓની હાજરી હોવી જરૂરી હોય છે જે શાળામાં (Ahmedabad) નથી, જેના કારણે હવે શાળા સંચાલકો પણ શાળા બંધ થાય તેની ફિરાકમાં છે. આ બાબતે વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે, બાળકોની સંખ્યા લાવી તે શાળાનાં સંચાલકો અને શિક્ષકોની જવાબદારી છે, જે નથી નિભાવી. બીજી તરફ ખાનગી શાળાઓ પ્રત્યે વાલીઓનો ઝૂકાવ વધ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં (Granted School) પર્યાપ્ત ગ્રાન્ટ ના હોવાનાં કારણે શાળાનો નિભાવ એ પણ સૌથી મોટો પડકાર હોય છે, જેથી વાલીઓ ગ્રાન્ટેડ શાળા છોડીને ખાનગી શાળામાં પ્રવેશ લેવા માટે પ્રાધાન્ય આપી રહ્યા છે. પાછલા 5 વર્ષની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 30 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ અને રાજ્યભરમાં અંદાજે 120 થી વધારે ગ્રાન્ટેડ શાળાઓ વિદ્યાર્થીઓની સંખ્યા ન મળવાનાં કારણે અથવા તો અન્ય કારણોસર બંધ થઈ છે, તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો સંકટમાં મૂકવાનો વારો આવે છે.
અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ
આ પણ વાંચો - Rajkot : કરોડો રૂપિયાની ઠગાઈ મામલે ફરાર 4 સ્વામીઓ પર કસાયો સકંજો, ફટકારાઈ આ નોટિસ!