Ahmedabad: ફૂલ બજારમાં વરસાદની સીધી અસર જોવા મળી, આવક સાથે વેચાણ પણ ઘટ્યું
Ahmedabad: શ્રાવણ માસને આરે હવે ગણતરીનો જ સમય ગાળો બાકી રહ્યો છે. નોંધનીય છે કે, સૌથી વધારે ફૂલોની માંગ શ્રાવણ માસમાં જોવા મળતી હોય છે. અત્યારે તહેવારોની વણઝાર પહેલા જ વરસાદની અસર ગુજરાતના સૌથી મોટા અમદાવાદ (Ahmedabad )ના જમાલપુર ફૂલ બજારમાં પણ જોવા મળી છે. બદલાતા વાતાવરણના કારણે ફુલ બજારમાં ફૂલોના જથ્થામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને સીધી અસર થઈ છે.
વરસાદના કારણે ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટી
ફૂલોની માંગ અને જથ્થાના આધારે ફૂલોનો ભાવ નક્કી થતો હોય છે, પરંતુ વરસાદના કારણે આજે ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટી છે. તેની સાથે સાથે જે ફૂલો આવી રહ્યા છે તે ભીના આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને પડતર કિંમત મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ફૂલોની દૈનિક આવક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે. પરંતુ વરસાદના કારણે ફૂલોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
ફૂલોનો ભાવ ઘટાડી વેપારીઓ કરી રહ્યા છે વેપાર
સામાન્ય રીતે મંદિરોમાં પૂજા વિધિમાં અને સુશોભનમાં વપરાતા ગુલાબ, ગલગોટો, કમળ, મોગરો, સેવંતી સહિત ફૂલોનો માલ પલડેલો આવતો હોવાથી વેપારીઓ કહી રહ્યા છે કે, આમ ગ્રાહકો પાસેથી ફૂલોના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે. ભીનો માલ હોવાથી જે દિવસે આવ્યો હોય તે જ દિવસે વેચવાની વેપારીઓને ફરજ પડતી હોય છે. જેના કારણે ફૂલોના ભાવમાં ઘટાડો કરી વેચાણ કરવાની ફરજ વેપારીઓને પડી રહી છે. આમ ફૂલ બજારમાં તહેવાર પહેલા વરસાદના કારણે મંદી જોવા મળી છે. આમ ફૂલોની ખેતી માટે જરૂરી ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, ખાતર,પાણી, આયાત નિકાસનો ખર્ચ અને બદલાતા હવામાનના કારણે ફુલ બજારમાં તેની અસર જોવા મળી છે. આમ વરસાદના કારણે ફૂલોની આવક પણ ઘટી છે.