Ahmedabad: શહેરમાં માત્ર 24 કલાકમાં હત્યાના બે બનાવ, ત્રણ લોકોના થયા મોત
Ahmedabad: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં 24 કલાકની અંદર હત્યાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવે છે તેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. પહેલી ઘટના વેજલપુરમાં જ્યારે બીજી ઘટના ગોમતીપુરમાં બની છે. ખાતે બનેલી ઘટનામાં ડબલ મર્ડરમાં જાહેર રસ્તા પર તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતા અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગત મોડી રાત્રે જાહેરમાં તલવારના ઘા ઝીંકીને બે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમાધાન માટે આમિર ઉર્ફે ભાંજો અને કબરેજ ઉર્ફે તંબુને તલવાર મારી હત્યા કરી દેવામાં આવી.
અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલો
સમગ્ર ઘટનામાં થોડા દિવસ પહેલા ઈદના દિવસે મોડી સાંજે આમિર અને તબરેજ ગોમતીપુર ખાતે હાથીખાઈ ગાર્ડન નજીક આરોપી સમીરના પાન પાર્લર નજીક આવી તેની પાસે રૂપિયાની માગણી કરી હતી. આસપાસના લોકો અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આમિર અને તબરેજ ડ્રગ અથવા દારૂના 1700 રૂપિયા લેવા આવ્યા હોવાની પણ વાત મળી રહી છે. બીજી તરફ રૂપિયા માંગતા સમયે મૃતક અને આરોપીઓ એકબીજા સાથે બોલાચાલી થઈ હતી. તે વાતના સમાધાન માટે ગત મોડી રાત્રે તમામ લોકો એકત્રિત થયા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ
ઉલ્લેખનીય છે કે, સમાધાન દરમિયાન મૃતક આમિર અને તબરેજ તલવાર સાથે અન્ય 6 થી 7 લોકો આરોપી સમીર, કામિલ અને સાહિલને મારવા માટે આવ્યા હતા. પરંતુ સાહિલે તેના બંને ભાઈઓ સાથે મળીને મૃતક આમિરના માથાના ભાગે ઈટ ફટકારી તેની જ તલવાર વડે આમિર અને તબરેજ બંનેને મોતને ઘાટ ઉતાર્યા. ગત મોડી રાત્રે થયેલા ડબલ મર્ડરની ઘટનામાં ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફરાર આરોપીની શોધખોળ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
એક આરોપી સમીરની ગોમતીપુર પોલીસે અટકાયત કરી
ઘટના સ્થળ પર તમામ પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલની પર મદદ લેવામાં આવી છે. જ્યારે જાહેરમાં તલવારના ઘા જીકીને હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગોમતીપુર પોલીસે હાલ તો હત્યા અને હત્યાના પ્રયાસો અંતર્ગત ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેમાં એક આરોપી સમીરની ગોમતીપુર પોલીસે અટકાયત કરી છે. ત્યારે મૃતક આમિર સામે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 21 જેટલા ગુનાઓ નોંધાય છે. તબરેજ ઉર્ફે તબુ સામે પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.