Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: સમરસ છાત્રાલય વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ, 8,000 વિદ્યાર્થીઓના સપના કર્યાં સાકાર

Ahmedabad: ગુજરાત રાજ્યના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે રહેવા અને જમવાની સગવડ સહિતની સુવિધા માટે આમથી તેમ ભટકવું ન પડે અને સુવિધાના અભાવે ગામડાનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે...
ahmedabad  સમરસ છાત્રાલય વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ  8 000 વિદ્યાર્થીઓના સપના કર્યાં સાકાર

Ahmedabad: ગુજરાત રાજ્યના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે રહેવા અને જમવાની સગવડ સહિતની સુવિધા માટે આમથી તેમ ભટકવું ન પડે અને સુવિધાના અભાવે ગામડાનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાતના અમદાવાદ જેવા મોટા શહેરમાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની નજીકમાં જ સુંદર સુવિધાવાળા બિલ્ડિંગમાં સમરસ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમરસ છાત્રાલય ગામડાના વિદ્યાર્થીઓ માટે શહેરમાં આશરાની સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવા વિનામૂલ્યે સગવડ પૂરી પાડે છે.

Advertisement

સમરસ છાત્રાલય ઉચ્ચ શિક્ષણ મેળવવા વિનામૂલ્યે સગવડ આપે છે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્ષ-2016માં શરૂ કરવામાં આવેલ આ સમરસ છાત્રાલય વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. આ સમરસ છાત્રાલયોમાં રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલમાં આર્થિક રીતે પછાત (EWS) વર્ગના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ સમરસ છાત્રાલયમાં કુલ 984 વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે.

Advertisement

8,000 જેટલાં વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસનાં સપનાં સાકાર કર્યાં

અમદાવાદ (Ahmedabad)ના સમરસ છાત્રાલયમાં હાલમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC)ના 450 વિદ્યાર્થીઓ, અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના 300 વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિ (SC) વર્ગના 150 વિદ્યાર્થીઓ તથા જનરલ કેટેગરીમાં આવતા આર્થિક રીતે પછાત (EWS) વર્ગના 100 વિદ્યાર્થીઓ રહે છે અને વિવિધ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. સમરસ છાત્રાલય (Ahmedabad)માં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2023-2024માં રાજ્ય સરકાર દ્વારા રૂ. 3.98 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવી છે. આ સમરસ છાત્રાલયમાં વર્ષ-2016 થી શરૂ કરીને વર્ષ- 2024 સુધીમાં કુલ 8,000 જેટલાં વિદ્યાર્થીઓએ પોતાના ઉચ્ચ અભ્યાસનાં સપનાં સાકાર કર્યાં છે. વિવિધ અભ્યાક્રમોની વાત કરીએ તો અલગ અલગ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાએ 1000 વિદ્યાર્થીઓ, મેડિકલ અને ઇજનેરી ફેકલ્ટીમાં 300 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. નવા શૈક્ષણિક વર્ષ માટે સમરસ છાત્રાલયમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

Advertisement

સમરસ છાત્રલાયની સુવિધા અને વિદ્યાર્થીઓને મળતી સવલતો

અમદાવાદ (Ahmedabad) સમરસ કુમાર છાત્રાલયમાં 10-10 માળના કુલ ચાર બ્લોકમાં બી-1થી બી-4 સુધીના બ્લોક આવેલા છે. દરકે બ્લોકમાં 250 વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુંદર સુવિધા સાથેના રૂમોનો સમાવેશ થાય છે. જેમાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે પ્રથમ માળે ખાસ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે PhD અને MBBS જેવા ઉચ્ચ અભ્યાસક્રમો માટે સીંગલ સીટ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમને સવારે- ચા સાથે નાસ્તો, બપોરનું ભોજન અને સાંજના ભોજનમાં દૂધ સહિતની વાનગીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમજ દરકે માળે પેન્ટ્રી રૂમની વ્યવસ્થા અને દરકે માળે RO પ્લાન્ટ અને ન્હાવા માટે ગરમ પાણી મળી રહે તે માટે સોલાર વોટર હીટર સિસ્ટમ પણ મૂકવામાં આવેલી છે. આ છાત્રાલયમાં પ્રવેશ લેનાર દરેક વિદ્યાર્થીને રૂમમાં વુડન પલંગ, ખુરશી અને ટેબલ આપવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓની સઘન સલામતિ અને સુરક્ષાના ભાગરૂપે મુખ્ય ગેટથી માંડીને તમામ બ્લોકમાં ૨૪ કલાકના સિક્યુરિટી ગાર્ડ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવેલી છે.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા

સમરસ છાત્રાલયમાં રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત (EWS) વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. અમદાવાદની સરકારી કે ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવેલો હોય અને જેમના વાલીના વાર્ષિક આવક રૂ. 6 લાખ સુધીની હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે અને મેરીટના ધોરણે પારદર્શક રીતે પ્રવેશ આપવામાં આવે છે.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ

પ્રવેશ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ અહીં જણાવેલા દસ્તાવેજો હાથવગા રાખવા જરૂરી છે. વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, છેલ્લે અભ્યાસ કર્યો હોય તેની માર્કશીટની નકલ, LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)ની નકલ, જાતિના દાખલાની નકલ, આધાર કાર્ડની નકલ, વિદ્યાર્થી દિવ્યાંગ અને અનાથ હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, ચારિત્ર્ય પ્રમાણપત્ર અને મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર આપવાનું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તારીખ 20/06/2024 સુધી આ (www.samras.gujarat.gov.in) લિંક ઉપર જઈને રજિસ્ટ્રેશન કરી શકાશે. સમરસ છાત્રાલયમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. વધુ વિગત માટે નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી, અમદાવાદનો સંપર્ક કરી શકાશે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat First Reality Check: સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં છેલ્લા માળે આખો શેડ ફાઈબરનો! મોટી દુર્ઘટનાના એંધાણ

આ પણ વાંચોModi Cabinet 3.0 માં કોને કોને કરવામાં આવ્યા રિપીટ, અહીં સંપૂર્ણ યાદી…

આ પણ વાંચો: Dahegam: ગાય બેકાબૂ બનતા રાહદારી પર કર્યો હુમલો, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Tags :
Advertisement

.