RBI ના નિર્ણય બાદ જ્વાળામુખી મંદિરમાં એક ભક્તે ચઢાવી રૂ.2000 ની 400 નોટ
આજે મંગળવારથી રૂપિયા 2000 ની નોટ બેંકે પરત લેવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ઘણા લોકો એવા છે કે જેમની પાસે 2000 રૂપિયાની નોટો વધારે છે તો ઘણા લોકોએ કેટલાક સમયથી આ નોટનો ઉપયોગ (લેવાનું-આપવાનું) કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, RBI ના આ નિર્ણય બાદ ઘણા લોકોના મનમાં એક ગભરાટનો માહોલ છે. આ નિર્ણય બાદથી વ્યાપારીઓએ 2000 રૂપિયાની નોટ લેવાનું બંધ જ કરી દીધું છે. આ વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે કે, એક શખ્સે જ્વાળામુખી મંદિરમાં પહોંચી રૂ.2000 ની 400 નોટો માતાના દરબારમાં અર્પણ કરી છે.
જ્વાલામુખી મંદિરમાં ભક્તે 2 હજાર રૂપિયાની 400 નોટો ચઢાવી
દેશની તમામ બેંકોમાં આજથી એટલે કે મંગળવાર (23 મે)થી 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 3 દિવસ પહેલા 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં 2000ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે. RBIની સમયમર્યાદા પછી પણ 2000ની નોટ કાયદેસર રહેશે. એટલે કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. લોકોને આ નોટો જલ્દીથી બેંકોમાં પરત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જ અંતિમ તારીખ છે. લોકોએ આજથી બેંક તરફ જવાનું શરૂ કરી દીધું છે. ત્યારે એક શખ્સે દેશમાં 2 હજાર રૂપિયાની નોટો બંધ થવાની માહિતી બાદ હિમાચલ પ્રદેશના મા જ્વાલામુખી મંદિરમાં 2 હજાર રૂપિયાની 400 નોટો એટલે કે 8,00,000 ની નોટ ચઢાવી હતી. હવે આ રકમ ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ મંદિરમાં અકબરની છત્રી પાસે રાખવામાં આવેલી દાનપેટીમાં આ રકમ ચઢાવવામાં આવી હતી.
ઘણીવાર માતાના ચરણોમાં આવો પ્રસાદ ચઢાવવામાં આવે છે : મંદિરના જુનિયર એન્જિનિયર સુરેશ કુમાર
રૂ.2000ની નોટ પર પ્રતિબંધ મૂક્યા પછી તુરંત જ એક ભક્ત દ્વારા 2000ની 400 નોટો ઓફર કરવાથી ઘણા સવાલો ઉભા થયા છે. મંદિરના જુનિયર એન્જિનિયર સુરેશ કુમારે જણાવ્યું કે, માતાના દરબારમાં ઘણા મોટા ભક્તો આવે છે, જે ઘણીવાર માતાના ચરણોમાં આવો પ્રસાદ ચઢાવે છે. મા જ્વાલામુખીના દરબારમાં ચઢાવવામાં આવેલી આ રકમ મંદિરમાં ભક્તોની સુવિધા માટે ખર્ચવામાં આવશે. મ્યુનિસિપલ કાઉન્સિલ જ્વાલામુખીના અધ્યક્ષ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સપ્ટેમ્બર સુધી બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. આવી સ્થિતિમાં, જો જ્વાળામુખીના દરબારમાં 2,000 રૂપિયાની નોટ આવે છે, તો ચોક્કસપણે મંદિરને તેનો ફાયદો થશે. આ પૈસા મંદિરના વિકાસ કામો પાછળ ખર્ચવામાં આવશે.
2000 રૂપિયાની નોટબંધીનો નિર્ણય 2016ના નોટબંધીથી અલગ
ઉલ્લેખનીય છે કે, 2000 રૂપિયાની નોટ હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નાણા સચિવ ટી.વી. સોમનાથને કહ્યું કે આ નોટબંધી નથી, માત્ર રૂ. 2,000ની નોટો બદલવામાં આવી રહી છે. જો કે નોટો બદલવાના સમાચાર આવતાની સાથે જ લોકોમાં અનેક પ્રકારની મૂંઝવણ અને સમસ્યાઓ વધી ગઈ છે. આ વખતે 2000 રૂપિયાની નોટબંધીનો નિર્ણય 2016ના નોટબંધીથી અલગ છે કારણ કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર મની તરીકે ચાલુ રહેશે. એટલે કે જો કોઈની પાસે બે હજાર રૂપિયાની નોટ છે તો તેની માન્યતા યથાવત રહેશે. આવી સ્થિતિમાં, કોઈ તમારી આ નોટ લેવાનો ઇનકાર કરશે નહીં. જો કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જઈને બદલવી પડશે.
આ પણ વાંચો - રૂ.2000 ની નોટ પાછી ખેંચવાના નિર્ણય બાદ MEMES નો થયો વરસાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ