Gujarat DGP ના આદેશ બાદ પોલીસને નવો ધંધો મળ્યો, એકને ACBએ લાંચ લેતા પકડ્યો
Gujarat DGP : ગત માર્ચ મહિનાના મધ્યમાં બનેલી અમદાવાદના વસ્ત્રાલની ઘટનાએ Gujarat Police ને દોડતી કરી દીધી હતી. Gujarat DGP વિકાસ સહાયે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના ગેરકાયદેસર બાંધકામો તોડાવવા તેમજ કોઈ કેસમાં જામીન મેળવ્યા હોય તો તેને રદ્ કરાવવા આદેશ આપ્યા હતા. જો કે, કેટલાંક ગણ્યાં ગાંઠ્યાં અને ચોક્કસ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં પોલીસે ભૂમિકા ભજવી છે. કેટલાંક કિસ્સાઓમાં તો, સિનિયર પોલીસ અધિકારીઓએ વહીવટદારો મારફતે અનેક ગુનેગારોને ડરાવી લાખો રૂપિયા પણ ખંખેરી લીધા હોવાની વાતો સામે આવી હતી. આ વાતોનું પ્રમાણ Gujarat ACB એ કરેલી કાર્યવાહી પુરૂં પાડી રહી છે. શું છે મામલો અને એસીબીએ કેમ પોલીસવાળાને પકડ્યો ? વાંચો આ અહેવાલ...
Gujarat DGP ના આદેશ બાદ શું થઈ કાર્યવાહી ?
રાજ્ય પોલીસ વડા Vikas Sahay એ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા બાદ અસામાજિક તત્વોની યાદી કોણે-કોણે તૈયાર કરી અને શું કાર્યવાહી કરી આ વાત હજી સુધી જાહેર થઈ નથી. રાજ્યના ચાર શહેર અને જિલ્લા પોલીસે ગુંડા તત્વોની તૈયાર કરેલી યાદીમાં અનેક ગુંડા તત્વોને બચાવી લેવાયા છે. પોલીસ ચોપડે પંકાયેલા આ ગુનેગારો સામે કાર્યવાહી કરવાના બદલે કેટલા પોલીસ અધિકારીઓ તેમને રક્ષણ આપ્યું છે. ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) ખાતે રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી કાયદો અને વ્યવસ્થાના એડીશનલ ડીજીપી એસ. રાજકુમાર પાંડિઆ (Rajkumar Pandian) પાસે પહોંચી ગઈ છે. સ્થાનિક કક્ષાએ પોલીસે ધાડ મારી ચોક્કસ શખ્સોના બાંધકામ તોડવાની કામગીરી દર્શાવી મીડિયામાં વાહ-વાહી લૂંટી લીધી છે. દોઢ મહિના બાદ પણ રાજ્યમાં કેટલાં ગુંડા તત્વો છે અને કોની સામે કાર્યવાહી થઈ તેની કોઈ માહિતી રજૂ કરવામાં આવી નથી.
બુટલેગરો, ગુંડા તત્વો અને વ્યાજખોરોના ખિસ્સા કપાયા
Gujarat DGP વિકાસ સહાયે રાજ્યમાં અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા તેમજ કાયદાનું ભાન કરાવવા આદેશ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે Vikas Sahay એ સારી ભાવનાથી પોલીસને ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. રાજ્ય પોલીસમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કરતા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત રહે તેમાં વધુ રસ છે અને એટલે જે, આવા અધિકારીઓએ તકનો લાભ ઉઠાવ્યો છે. કેટલાંક પોલીસ અધિકારીઓએ ચોક્કસ પણે પોતાની ફરજ નિષ્ઠા સાબિત કરી છે, પરંતુ મોટાભાગના પોલીસ અધિકારીઓએ Gujarat DGP ના આદેશના નામે ડરાવીને વ્યાજખોરો, બુટલેગરો અને ગુંડા તત્વો પાસેથી મોટી રકમો પડાવી છે. આવી અનેક વાતો છેલ્લાં મહિનાથી ચર્ચાઓમાં આવે છે.
ACBએ કેસ કર્યો અને તોડનો નવો ધંધો પકડાયો
બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એન. એચ. મોર (PI N H Mor) તથા તેમની ટીમે એક સફળ ટ્રેપ કરી છે. Gujarat ACB ના હાથે પકડાયેલા પો.કૉ. અરવિંદ ભીખાભાઈ આલ વર્ષ 2016માં કૉન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. અગાઉ કચ્છ ગાંધીધામ ખાતે ફરજ બજાવતા અરવિંદ આલ/દેસાઈ બે વર્ષ અગાઉ જિલ્લા ટ્રાન્સફર કરાવીને બનાસકાંઠા જિલ્લા પોલીસમાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વ્યાજનો ધંધો કરતા એક શખ્સ સામે અગાઉ પોલીસ કેસ થયા હતા. આ કેસના કારણે નાણાં ધીરધારનું નામ અસામાજિક તત્વોની યાદીમાં નહીં આપવા તેમજ ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવાનો હકારાત્મક અભિપ્રાય આપવા પેટે અરવિંદ આલે લાંચ માગી હતી. અગાઉ 5 હજાર પડાવ્યા બાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન (Palanpur Taluka Police Station) ના અરવિંદ આલે 25 હજાર રૂપિયાની માગ કરી હતી. એસીબીના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલ (DySP K H Gohil) ના સુપરવિઝનમાં આજે પાલનપુર ડેરી રોડ પર 25 હજારની લાંચ સ્વીકારનાર પો.કૉ. અરવિંદ આલને Banaskantha ACB Team એ રંગે હાથ પકડી પાડ્યો છે.