ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyclone Biporjoy : વન્યજીવોની સુરક્ષા માટે સરકારનું કેવું છે આયોજન? વાંચો આ અહેવાલમાં

સંભવિત ‘બીપોરજોય’ વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. માનવજીવ સાથોસાથ પશુઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને પણ ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે આ સંભવિત વાવાઝોડાથી સુરક્ષિત રાખવાનું સુદ્રઢ આયોજન મુખ્યમંત્રીશ્રી...
05:28 PM Jun 15, 2023 IST | Viral Joshi

સંભવિત ‘બીપોરજોય’ વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. માનવજીવ સાથોસાથ પશુઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને પણ ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે આ સંભવિત વાવાઝોડાથી સુરક્ષિત રાખવાનું સુદ્રઢ આયોજન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વન વિભાગે હાથ ધર્યું છે. આ સંભવિત વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થવાની છે, તેવા જૂનાગઢના ગીર જંગલના એશિયાટિક લાયન ઉપરાંત કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય અને માતાના મઢ, બરડા તથા નારાયણ સરોવર ખાતે પણ રેસ્ક્યુ ટીમ વ્યૂહાત્મક રીતે પોઝિશન્ડ કરી દેવામાં આવી છે.

એશિયાટિક સિંહના ઝોનમાં 184 ટીમ એક્શનમાં, 58 કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરીંગ

જૂનાગઢના વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝન અંતર્ગત કુલ 184 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ વન્ય પ્રાણીઓના બચાવ, રેપિડ એક્શન, ઝાડ હટાવવા સહિતની વિવિધ કામગીરી કરશે. વન્ય પ્રાણીઓ માટેના ઇમરજન્સી SOS મેસેજ મેળવવા માટે 58 કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝનમાં જૂનાગઢ ફોરેસ્ટ સહિત ગીર પૂર્વ, ગીર પશ્વિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે.

હાઇટેક મોનિટરીંગ દ્વારા સિંહો પર નજર

કુદરતી આફતો દરમિયાન સિંહોની હિલચાલ પર દેખરેખ રાખવા માટે સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા સિંહોના ટ્રેકિંગ માટે હાઇટેક લાયન મુવમેન્ટ મોનિટરીંગ સિસ્ટમ વિકસિત કરી છે, જેમાં જૂથમાં રહેતા અમુક સિંહોમાં રેડિયો કોલર લગાવવામાં આવે છે. તેના દ્વારા તેમની હિલચાલ સેટેલાઇટ લિન્ક દ્વારા મોનિટરીંગ સેલમાં નોંધાય છે. અત્યારે મોનિટરીંગ ટીમ દ્વારા રાજ્યના ગીર વન વિસ્તાર અને તટીય ક્ષેત્રમાં રહેતા 40 સિંહો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

નદી વિસ્તારમાં સિંહોના બચાવ માટે ખાસ ટીમો સ્ટેન્ડ બાય

સિંહોના વિસ્તારમાં સાત નદીઓ અને જળાશયો છે. તેથી ભારે વરસાદની સ્થિતિમાં જ્યારે પાણીનો પ્રવાહ તોફાની બને છે ત્યારે સિંહ કે માનવ જીવનના બચાવની કામગીરી માટે સાતેય નદી વિસ્તારના વિશેષ સ્થાનો પર ટીમ મૂકવામાં આવી છે. ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં વિશેષ ટીમો ખડેપગે

સંભવિત વાવાઝોડું અત્યારે કચ્છ તરફ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે, કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. કચ્છમાં નારાયણ સરોવર અભયારણ્ય અને દયાપર રેન્જમાં દયાપર, માતાનો મઢ, બરડા અને નારાયણ સરોવર ખાતે ચાર રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી છે. તે સિવાય કચ્છના મોટા રણ વિસ્તારમાં પાંચ સભ્યો ધરાવતી કુલ 13 ટીમ કચ્છ સર્કલમાં બનાવવામાં આવી છે. વન્યપ્રાણીઓની મદદ માટે વધારાની 6 વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. જેસીબી, ટ્રેક્ટર અને અન્ય જરૂરી સાધનોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાનો પર ગોઠવવામાં આવ્યા છે. બચાવ કામગીરી કે અન્ય જરૂરિયાત માટે ઘોરાડ અભયારણ્યમાં ત્રણ ટીમ તહેનાત કરવામાં આવી છે.

'ચક્રવાતના પડકારો સામે સરકાર સજ્જ'

રાજ્ય સરકારની આ તૈયારીઓ અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “આ ચક્રવાતના પડકારોને પહોંચી વળવા માટે અમે સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ છીએ. સરકારે અમને અગાઉથી જાણ કરી હોવાથી, અમારી પાસે અમારી SOP તૈયાર છે. અમે પડકારોનો સામનો કરવા માટે વિવિધ ટીમો બનાવી છે. સરકારે અગાઉથી જરૂરી આયોજન અને તકેદારી અંગે પ્લાન બનાવ્યો છે, અને તે અંગેની તાકીદે બેઠકો યોજી હોવાથી, ફીલ્ડ પરની તૈયારી અને અમલીકરણ દરમિયાન આવતા પડકારોનો સામનો કરવા માટે પૂરતો સમય મળ્યો છે.”

આ પણ વાંચો : CYCLONE BIPORJOY : OKHA ના દરિયાકાંઠાની શું છે સ્થિતિ, જુઓ આ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Cyclone BiporjoyCyclone Updateforest departmentGovernment Of Gujaratwildlife security
Next Article