ACB: રાજ્યમાં કુલ 1 કરોડ 15 લાખ 69 હજારની લાંચ લેવાઈ...વાંચો અહેવાલ
વર્ષ 2023 દરમિયાન ACBની કામગીરી આવી સામે
1 વર્ષ દરમિયાન લાંચ રૂશ્વત વિભાગે અધધ કેસ કર્યા
ચાલુ વર્ષે ACB દ્વારા 200 ફરિયાદ દાખલ કરવામાં આવી
વર્ષ 2023 દરમિયાન સૌથી વધુ કેસ ગૃહ વિભાગ સામે
ગૃહ વિભાગ સામે 66 ફરિયાદ દાખલ કરવામાં આવી
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં 35 ગુના નોંધાયા
મહેસુલ વિભાગમાં પણ 25 ગુનાઓ નોંધાયા
લાંચની રકમમાં સૌથી વધારે 38.7 લાખની લાંચ ગૃહ વિભાગ દ્વારા લેવાઈ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 ગુનામાં 17 લાખની લાંચની રકમ લેવાઈ
રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વર્ષ 2023માં કરેલી કામગિરીના જે આંકડા જાહેર કર્યા છે તેમાં રાજ્યના ગૃહ વિભાગ લાંચ લેવાના કિસ્સાઓમાં અગ્રેસર રહ્યું છે. આ વર્ષે ACB દ્વારા 200 ફરિયાદ દાખલ કરાઇ છે તેમાં સૌથી વધુ 66 ફરિયાદ ગૃહ વિભાગ સામે દાખલ કરાઇ છે.
તાજેતરમાં જ હર્ષ સંઘવીએ ચીમકી આપી હતી
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ગૃહ રાજ્ય મંત્રીએ એસીબીને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચીમકી આપી હતી કે ફરિયાદો મારી પાસે પણ આવે છે. મને જાહેરમાં ખરાબ ભાષામાં વાત કરવાની મારી ટેવ નથી. જેથી જવાબદાર લોકો આ બાબતનું ગંભીરતાપૂર્વક ધ્યાન રાખે. 200 રૂપિયાના લાંચ કેસને લઈને હર્ષ સંઘવીએ એસીબીને અભિનંદન આપવાની સાથે કહ્યું કે, એસીબી દરેકને ખુશ નથી રાખી શકવાની. સંઘવીએ કહ્યું કે, જે કામ નથી કરતા તેની ઉપર પણ ધ્યાન રાખનારી સિસ્ટમ હોય છે. સિસ્ટમની ઉપર સિસ્ટમ હોય છે તે તમે સૌ કોઈ જાણો છો અને મને વિશ્વાસ છે કે તમે આને ગંભીરતાથી લેશો.
ગૃહ વિભાગ સામે 66 ફરિયાદ દાખલ કરવામાં આવી છે
વર્ષ 2023માં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જે કામગિરી કરી છે તેના આંકડા જાહેર કર્યા છે. ચાલુ વર્ષે ACB દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં લાંચ લેવા સંદર્ભે 200 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં સૌથી વધુ કેસ ગૃહ વિભાગ સામે છે. ગૃહ વિભાગ સામે 66 ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં કુલ 35 ગુના નોંધવામાં આવ્યા છે.
મહેસુલ વિભાગમાં પણ 25 ગુના નોંધાયા
સામાન્ય રીતે મનાતું હોય છે કે લાંચ લેવામાં રેવન્યુ એટલે કે મહેસુલ વિભાગ પણ ગૃહ વિભાગની જેમ જ ખરડાયેલો છે. આ વર્ષે ACB દ્વારા મહેસુલ વિભાગમાં પણ 25 ગુના નોંધાયા છે.
સૌથી વધારે 38 લાખ 7 હજારની લાંચ ગૃહ વિભાગ દ્વારા લેવાઈ
લાંચની રકમમાં સૌથી વધારે 38 લાખ 7 હજારની લાંચ ગૃહ વિભાગ દ્વારા લેવાઈ હતી જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 ગુનામાં 17 લાખની લાંચની રકમ લેવાઈ હતી. ઉપરાંત મહેસુલ વિભાગમાં 25 ગુનાઓ નોંધાયા હતા જેમાં 15 લાખ 70 હજારની લાંચ લેવાઈ હતી.
રાજ્યમાં કુલ 1 કરોડ 15 લાખ 69 હજારની લાંચ લેવાઈ
વર્ષ દરમિયાન ACBની તપાસમાં કુલ 1 કરોડ 15 લાખ 69 હજારની લાંચ લેવાઈ હોવાનું બહાર આવ્યું છે. ચાલુ વર્ષે વર્ગ -1 ના 7 અધિકારીઓ, વર્ગ -2 ના 28 અધિકારીઓ વર્ગ -3 ના 130 અધિકારીઓ, વર્ગ -4 ના 7 અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ સિવાય વચેટિયા તરીકે લાંચ લેતા 104 વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે લાંચ લેવા બદલ 276 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
15 લાખની સૌથી વધુ લાંચ લેતાં વલસાડના નાયબ કાર્યપાલક ઈજનેર ઝડપાયા હતા
આ વર્ષે જે લાંચ લેવાના કેસ થયા તેમાં 15 લાખની સૌથી વધુ લાંચ લેતાં વલસાડના નાયબ કાર્યપાલક ઈજનેર ઝડપાયા હતા જ્યારે સૌથી ઓછી લાંચમાં 100 રૂપિયાની લાંચમાં 2 કર્મચારીઓ અમદાવાદથી ઝડપાયા છે. સૌથી ઓછી લાંચમાં અમદાવાદમાંથી 1 ટ્રાફિક બ્રિગેડ નો જવાન અને 1 લોક રક્ષક જવાન પકડાયો હતો
ACB દ્વારા 37 પોલીસ સ્ટેશન અંતર્ગત 200 ગુના નોંધાયા
ગૃહ વિભાગમાં લાંચ લેતા કેસમાં ACB પોલીસ સ્ટેશન અંતર્ગત અમદાવાદ શહેરના કુલ 24 કેસ, વલસાડ શહેરના 16, અમદાવાદ ગ્રામ્ય 12 ગુના નોંધાયા છે. રાજ્યમાં કુલ ACB દ્વારા 37 પોલીસ સ્ટેશન અંતર્ગત 200 ગુના નોંધાયા છે.
આ પણ વાંચો---GUJARAT ACB : ગૃહમંત્રી સંઘવીએ કેમ ચિંતન શિબિરમાં આવા વાક્યો કહેવા પડ્યા ?