Surat : લોકલ ન્યૂઝ ચેનલની આડમાં બોગસ ચલણી નોટો છાપતાં 3 પકડાયા
Surat City : સુરત (Surat) શહેર (City ) માં નકલી ચલણી નોટની મિની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે લાખો રુપિયાની નકલી ચલણી નોટો સાથે ખાનગી લોકલ ન્યૂઝ ચેનલના તંત્રી સહિત 3 આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછમાં વધુ આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી સંભાવના છે.
ખાનગી ન્યૂઝ ચેનલના તંત્રી ફિરોજ શાહ સહિત 3 ઝડપાયા
સુરત શહેરમાં લાખોની બનાવટી નોટ ઝડપાઇ છે. સુરત SOG અને PCB ના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં ખાનગી ન્યૂઝ ચેનલની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડામાં 9.36 લાખ રુપિયાની બોગસ ચલણી નોટ કબજે કરી ખાનગી ન્યૂઝ ચેનલના તંત્રી ફિરોજ શાહ સહિત તેને મદદ કરનારા અન્ય 2 શખ્સ મળી 3 આરોપીની ધરપકડ કરી હતી.
અન્ય શખ્સોના નામ ખુલે તેવી શક્યતા
પોલીસે આરોપીઓની ઓફિસે દરોડા પાડીને 9 લાખથી વધુની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અન્ય શખ્સોના નામ ખુલે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. પોલીસે લોકલ ન્યૂઝ ચેનલની ઓફિસ અને કન્સલ્ટીંગની ઓફિસે દરોડો પાડીને લાખો રુપિયાની બોગસ ચલણી નોટ કબજે કરી હતી.
9.36 લાખની બોગસ ચલણી નોટો મળી
બોગસ ચલણી નોટો અંગે ડીસીપી રાજદિપસિંહ નકુમે જણાવ્યું કે લિંબાયત વિસ્તારમાં ખાનગી લોકલ ન્યૂઝ ચેનલની આડમાં બોગસ ચલણી નોટો બનાવાતી હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે વેશપલટો કરીને 2 મહિના સુધી વોચ રાખી હતી અને ત્યારબાદ ગઇ કાલે સાંજે દરોડો પાડ્યો હતો જેમાં 9.36 લાખની બોગસ ચલણી નોટો મળી આવી હતી. પોલીસે ચલણી નોટો સથા લોકલ ચેનલના માઇક અને આઇકાર્ડ પણ જપ્ત કર્યા હતા.
સુરત હેરાલ્ડ સાપ્તાહિક ન્યૂઝ પેપર અને SH 24 ન્યૂઝ ચેનલની આડમાં રેકેટ
તેમણે કહ્યું કે આરોપીઓની પૂછપરછ માં બનાવટી ચલણી નોટોના રેકેટમાં સંડોવાયેલ અન્ય શખ્સોને નામો સામે આવે તેવી શકયતા છે. પોલીસે લોકલ ન્યૂઝ ચેનલ અને કન્સલ્ટન્ટની ઓફિસે છાપો મારી લાખોની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી છે. આરોપી સુરત હેરાલ્ડ સાપ્તાહિક ન્યૂઝ પેપર અને SH 24 ન્યૂઝ ચેનલની આડમાં બનાવટી ચલણી નોટ છાપવાનું મીની કારખાનું ચલાવતા હતા.
2015માં પણ ઝારખંડમાં બોગસ ચલણી નોટો બનાવતા પકડાયો હતો
પોલીસે પ્રિન્ટર,નોટ બનાવવા માટેના કાગળો,કટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડીસીપીએ કહ્યું કે પકડાયેલો ફિરોજ નામનો શખ્સ 2015માં પણ ઝારખંડમાં બોગસ ચલણી નોટો બનાવતા પકડાયો હતો અને ત્યારબાદ આ કેસમાં જામીન મળ્યા બાદ તે સુરત આવી જમીન દલાલીનું કામ કરતો હતો અને ત્યારબાદ વ્યાજવટાવનું પણ કામ કરતો હતો. જો કે ધંધામાં ખોટ જતાં અને ત્યારબાદ પૈસાની તંગી સર્જાતા તેણે ફરીથી બોગસ ચલણી નોટો છાપવાનું શરુ કર્યું હતું,
બનાવટી ચલણી નોટો છાપવા મીડિયાના બેનરનો ઉપયોગ કરવામાં આવ્યો
પોલીસે કહ્યું કે આ શખ્સો બનાવટી ચલણી નોટોમાં વપરાતી સહી અને કાગળો મધ્યપ્રદેશથી લાવતા હતા. તેમણે અત્યાર સુધી 4 લાખ રૂપિયા સુધીની નોટો બજારમાં ફરતી કરી છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી પોતે પોતાની ઓફિસમાં બનાવટી ચલણી નોટો છાપતો હતો. પોલીસે 500 અને 200 રુપિયાના દરની બોગસ ચલણી નોટો જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે. તેમણે કહ્યું કે બનાવટી ચલણી નોટો છાપવા મીડિયાના બેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવશે. આ રાજ્યવ્યાપી નેટવર્ક હોવાની પણ શકયતા રહેલી છે, જેની પણ આરોપીઓની ઊંડાણપૂર્વકની પુછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચો----- VADODARA : “વાઇસ ચાન્સેલર ગુમ થયેલ છે”, MSU માં ફરી પોસ્ટર વોર
આ પણ વાંચો---- Farmer : 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ ઝડપાયું