Istanbul Nightclub Fire: નાઈટ ક્લબમાં આગ લાગતા 29 લોકો ભડથું, 7 લોકોની હાલત અતિગંભીર
Istanbul Nightclub Fire: તુક્રીના ઇસ્તાંબુલમાં આવેલા નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે નાઇટક્લબમાં આગ લાગતા 29 લોકોના મોત થયા છે, આ સાથે ભીષણ આગની ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. વિગતો એવી પણ સામે આવી રહીં છે કે, 8 પૈકી 7 લોકોની હાલત અતિગંભીર છે. તેઓ અત્યારે જીવન-મરણનો વચ્ચે જઝૂમી રહ્યા છે.
8 પૈકી 7 લોકોની હાલત અત્યારે અતિગંભીર
સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહીં છે કે, કોઈ અજાણ્યા લોકો દ્વારા જાણી જોઈને આ ક્લબમાં આગ લગાવી છે. જેમાંથી કેટલાક લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે તુર્કીના ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં દિવસ દરમિયાન રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અહીં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. ઈસ્તાંબુલના ગવર્નર ઓફિસે જણાવ્યું કે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. જેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આગમાં જીવ ગુમાવના તમામ લોકો મજૂર હતા
નોંધનીય છે કે, આ ઘટનાને લઈને કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે. આ આગ શહેરના યુરોપીયન ભાગના બેસિક્તાસ જિલ્લામાં ફાટી નીકળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં જીવ ગુમાવનારા તમામ પીડિત કામદારો (મજૂરો) હતા. આ નાઇટ ક્લબ (Istanbul Nightclub Fire) ભોંયરામાં સ્થિત હતી. તુર્કીના ન્યાય પ્રધાન યિલમાઝ તુનાકે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે પાંચ લોકો માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જેમાં નાઇટ ક્લબ મેનેજમેન્ટના ત્રણ લોકો અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ ઘટના પગલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સરકારી વકીલોની પણ નિમણૂક કરવામાં આવી છે. વધુમાં અધિકારીએ જણાવ્યું કે, ગુનાના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્રણ નિષ્ણાતોની ટીમ આગના કારણ પર કામ કરી રહી છે. આ ઘટનાના સંબંધમાં કુલ 5 શકમંદોની અટકાયતના આદેશ જારી કરવામાં આવ્યા છે. તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચાલી રહી છે..