HONEY TRAP : મોરબીના કોન્ટ્રાકટરને હની ટ્રેપમાં ફસાવી પાંચ શખ્સોએ 23.50 લાખ પડાવ્યા
HONEY TRAP : બુલાતી હે મગર જાને કા નહીં...આ જાણીતા શેર મુજબ ક્યારેય પણ અજાણી મહિલાનો ફોન આવે અને પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવે તો ચેતજો કેમ કે, મોરબીમાં સિરામિક કોન્ટ્રાકટરને એક મુલાકાત (HONEY TRAP) રૂ.23.50 લાખમાં પડી હતી. મોરબીના 50 વર્ષીય સિરામિક કોન્ટ્રાકટરને એક માસ પહેલાં અજાણી મહિલાનો ફોન આવ્યા બાદ પ્રૌઢ કોન્ટ્રાકટર તેને મળવા કાગવડ પહોંચ્યા હતા. પ્રૌઢ કોન્ટ્રાકટરને ગાડીમાં બેસાડી આ મહિલાએ શરીર સંબંધ બાંધવાની લાલચ આપી હતી પણ પ્રૌઢ કોન્ટ્રાકટરે ના પડતાં જ ચાર શખ્સો ધસી આવ્યા હતા અને કોન્ટ્રાકટરને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી નાસી છૂટ્યા હતાં. HONEY TRAP અંગે સુલતાનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે મોરબીમાં ભરતભાઇએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ક્રિષ્ના નામની યુવતી તેમજ ચાર અજાણ્યાં શખ્સોના નામ આપતાં સુલતાનપુર પોલીસે આઇપીસી 120(બી),388, 342,323 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહિલાએ કર્યો ફોન
તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે અને મોરબીમા આવેલ સીરામીક ટાઇલ્સ કંપનીમા લેબર કોન્ટ્રાકટ રાખે છે તથા સીરામીકની કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે કામ કરે છે. તેમને એકાદ મહીના પહેલાં બપોરના સમયે ફોન આવેલ અને શારદાબેન છે ? એવુ પુછેલ જેથી રોંગ નંબર છે તેમ કહી ફોન કાપી નાખેલ હતો. થોડી વાર બાદ ફરી વખત તે જ નંબરમાથી ફોન આવેલ જેથી ફોન ઉપાડી રોંગ નંબર છે તેમ કહી ફોન કાપી નાખેલ હતો.
પ્રેમ જાળમાં ફસાવ્યા
બીજા દિવસે બપોરના સમયે ફરીથી તે નંબરમાથી મને ફોન આવેલ અને કહેલ કે, ફોન કાપતા નહીં જેથી તેનું નામ પુછતા તેનુ નામ ક્રીષ્ના જણાવેલ અને પટેલ જ્ઞાતીની તેમજ સુલતાનપુર રહેતી હોવાનુ જણાવેલ હતું. આશરે દશેક મીનીટ જેટલી વાતચીત થયેલ બાદ પાંચ-છ દિવસ તે નંબર પરથી બપોરના સમયે તે ફોન કરતી હતી. ત્યારબાદ અન્ય નંબર ઉપરથી તે ફોન કરતી અને દરરોજ દસ-પંદર મીનીટ વાતો કરતી અને મારી સાથે પ્રેમ સબંધ રાખો અને મળવા આવો તેમ કહેતી અને પંદરેક દિવસ વાત થતાં ફરિયાદી તેની વાતમા ફસાઈ ગયેલ અને મને મળવા બોલાવતા તેઓએ હા પાડતાં કાગવડ ખોડલધામ મંદિરે મળવા બોલાવેલ હતાં
મહિલા કારની પાછળની સીટ પર બેસી ગઇ
ગઇ તા.04/03/2024 ના તેઓ મહિલાને મળવા કાર લઈ ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા.ત્યાં તેમને મહિલા મળી હતી અને કારમાં બેસી જઇ એક રસ્તા પર લઇ ગઇ હતી. ત્યારબાદ મહિલાએ કાર ઉભી રખાવી કારની પાછળની સીટ પર બેસી ગઇ હતી અને કપડા ઉતારવા લાગી હતી જેથી કોન્ટ્રાક્ટરે ના પાડી હતી.
ત્રણ શખ્સોએ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
તે જ સમયે બાઇક લઇને 4 શખ્સો ધસી આવ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિ પોતાની બાઇક પર આ મહિલાને બેસાડીને જતો રહ્યો હતો જ્યારે બીજા ત્રણ શખ્સ કોન્ટ્રાક્ટરની કારમાં બેસી ગયા હતા અને માર મારવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે ક્રીષ્ના અમારી ભાણેજ છે અને ત્રણેક દિવસથી ઘરેથી જતી રહી છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પાછળની સીટમા બેસાડી રાખ્યો હતો અને એક શખ્સે કાર ચલાવી મુકી હતી. ત્યારબાદ લીલાખા ગામ બાજુના રસ્તે લઇ જઇ 35 લાખ રૂપીયાની માગ કરી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
23.50 લાખ રુપિયા મંગાવી લઇ લીધા
જેથી કોન્ટ્રાક્ટર ડરી ગયા હતા અને પોતાના ભાઇઓને ફોન કરી દવાખાનાના કામમાં એક જગ્યાએ પૈસા આપવાના છે તેમ જણાવી પૈસા મંગાવ્યા હતા. ત્યારબાદ ત્રણ વાર 23.50 લાખ રુપિયા મંગાવી લઇ લીધા હતા. ત્યારબાદ જો આ વાત કોઇને કરીશ તો દુષ્કર્મના કેસમા ફસાવી બદનામ કરી નાખીશુ તેમ ધમકાવી ગોંડલ માર્કેટ યાર્ડના ગેઇટ બહાર લાવી ગાડીમાથી ઉતરી પૈસા લઇ નાસી છૂટ્યા હતાં.
પોલીસે શરુ કરી તપાસ
બાદમાં ફરિયાદી પોતે પણ ઘરે આવતા રહ્યા હતા અને તેમના ભાઈઓને બનાવની વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે સુલતાનપુર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ આર.જે.જાડેજા અને ટીમે મહિલા સહિત પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
લાખો રૂપિયા અંગે પરિવારે હિસાબ માંગતા કોન્ટ્રાકટર ભાંગી પડયા
હનીટ્રેપમાં મોરબીના સિરામિક કોન્ટ્રાકટરને ફસાવી ટોળકીએ રૂ.23.50 લાખ પડાવી લીધાં હતાં. બનાવ સમયે કોન્ટ્રાકટરે પરિચિતને બીમારી સબબ રૂપિયા જોઈ છે તેમ ભાઈઓને કહી રૂપિયા મંગાવી પોતાનો છુટકારો મેળવ્યો હતો. બાદમાં પરિવારજનોએ રૂપિયા બાબતે હિસાબ મંગતા કોન્ટ્રાકટર ભાંગી પડ્યા હતાં અને તેઓ હનીટ્રેપનો ભોગ બન્યાની વાત કરી હતી. ફરીયાદ નોંધાયા બાદ સુલતાનપુર પોલીસે અગાઉ હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા આરોપીના આધારે તપાસ હાથ ધરી હતી.
અહેવાલ----વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો----- Surat Fake Clinic: સુરતમાં બિલાડીના ટોપની જેમ નકલી તબીબ કાર્યરત, SOG ની ટીમ થઈ સક્રિય
આ પણ વાંચો------SMC Raid : ગુજરાતમાં દારૂબંધી ? બે દિવસમાં 1.78 કરોડનો દારૂ મળ્યો