Social Media નો ઉપયોગ કરવા માટે એક યોગ્ય ઉંમર હોવી જોઇએ - HC
આજે દુનિયા તમારા એક નાના સ્માર્ટફોનમાં આવી ગઇ છે. આંગળીના ટેરવે તમે આજે દુનિયાના કોઇપણ ખૂણામાં વાત કરી શકો છો, ચેટિંગ કરી શકો છો, વીડિયો કોલ દ્વારા મળી પણ શકો છો. આજના સમયે સોશિયલ મીડિયાએ દરેકના જીવનને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું છે. નાના હોય કે મોટા દરેક આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઇ ગયા છે. ત્યારે કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે કહ્યું કે, જો દારૂ પીવાની કાયદેસર ઉંમર હોઈ શકે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે વય મર્યાદા લાદવી જોઈએ.
શું છે સમગ્ર મામલો ?
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મૌખિક રીતે કેન્દ્ર સરકારને સૂચન કર્યું કે તેણે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવી જોઈએ., જે દારૂ પીવા માટેની કાયદેસર વયની સમાન છે. જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટીલની ડિવિઝન બેન્ચે 30 જૂનના સિંગલ બેન્ચના આદેશને પડકારતી એક્સ કોર્પ (અગાઉ ટ્વિટર)ની અપીલની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જી નરેન્દ્ર અને વિજયકુમાર એ પાટીલની ડિવિઝન બેન્ચ X કોર્પ (અગાઉ ટ્વિટર) દ્વારા કેન્દ્રના અવરોધિત આદેશોને પડકાર ફેંકવાના સિંગલ બેંચના નિર્ણય સામે ફાઈલ કરેલી અપીલની સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે બાળકોની ઉંમર 17 કે 18 વર્ષ હોઈ શકે છે, પરંતુ શું તેમનામાં એ નક્કી કરવાની પરિપક્વતા છે કે દેશના હિતમાં શું છે અને શું નથી? માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પણ ઈન્ટરનેટ પર પણ એવી વસ્તુઓ દૂર કરવી જોઈએ, જે મનને ભ્રષ્ટ કરી રહી છે. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વયમર્યાદા લાવવા વિશે વિચારવું જોઈએ.
X કોર્પે જાણો શું દલીલ આપી
X કોર્પના વકીલે દલીલ કરી હતી કે MeiTY એ યુઝર્સને તેમના ટ્વીટ્સ અને એકાઉન્ટ્સને બ્લોક કરતા પહેલા તેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કંપનીને તેમને જાણ કરવાની પણ મંજૂરી આપી ન હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે જો કંપનીને આદેશ જાહેર કરવાની પણ મંજૂરી ન હોય તો કોઈ પોતાનો બચાવ કેવી રીતે કરશે. હાઈકોર્ટે સરકારને નિયમોમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપતા કહ્યું કે, કંપનીને આ રીતે છોડી શકાય નહીં. જો કે, કોર્ટે એ પણ હાઇલાઇટ કર્યું હતું કે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે, ત્યારે દરેક એક જ પૃષ્ઠ પર હોવા જોઈએ.