કોરોના બાદ પાટા પર ચઢેલી ટેકસટાઇલ માર્કેટની ગાડી ફરી એકવાર મંદીના માહોલમાં ફસાઈ
સુરત શહેરની આગવી ઓળખ સમાન સુરતનો કાપડ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના કાળની થપાટ બાદ માંડમાંડ આ ઉદ્યોગની ગાડી પાટે ચઢી હતી. પરંતુ એક તરફ મોંઘવારીનો માર અને રમઝાન તથા લગ્નસરાની સિઝન પણ ફેલ જવાને કારણે અત્યારે સુરતની ટેકસટાઇલ માર્કેટના વેપારીઓને બેસી રહેવાનો વારો આવ્યો છે. જોકે કોરોના કાળ બાદ ફરી જ્યારે માર્કેટ ખુલ્યા હતાં ત્યારે આ જ ઉદ્યોગ દ્વારા રેકોર્
01:13 PM Jun 03, 2022 IST
|
Vipul Pandya
સુરત શહેરની આગવી ઓળખ સમાન સુરતનો કાપડ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના કાળની થપાટ બાદ માંડમાંડ આ ઉદ્યોગની ગાડી પાટે ચઢી હતી. પરંતુ એક તરફ મોંઘવારીનો માર અને રમઝાન તથા લગ્નસરાની સિઝન પણ ફેલ જવાને કારણે અત્યારે સુરતની ટેકસટાઇલ માર્કેટના વેપારીઓને બેસી રહેવાનો વારો આવ્યો છે. જોકે કોરોના કાળ બાદ ફરી જ્યારે માર્કેટ ખુલ્યા હતાં ત્યારે આ જ ઉદ્યોગ દ્વારા રેકોર્ડબ્રેક બિઝનેસ કર્યો હતો. જેને કારણે વેપારીઓને એક આશા જાગી હતી કે, 2 વર્ષ જે કોરોનામાં બગડ્યા તે હવે આવનાર દિવસોમાં વસુલ થઈ જશે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં માર્કેટમાં તેજી આવ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટરોએ ભાવ વધારો કર્યો હતો. તો બીજી તરફ મોંઘવારીને કારણે મજૂરોએ પણ લેબર ચાર્જમાં વધારો કરતાં કાપડ ઉદ્યોગને અસર થઈ છે.
સુરતના કપડા માર્કેટમાંથી દેશના લગભગ તમામ રાજ્યોમાં કાપડની નિકાસ કરવામાં આવે છે. દરેક રાજ્યના અલગ અલગ તહેવારોની સિઝન પ્રમાણે સુરતમાંથી કપડાની નિકાસ થતી હોય છે. સુરત ટેકસટાઇલ માર્કેટમાં દુકાન ધરાવનાર વેપારી દિનેશ કટારીયાના જણાવ્યા મુજબ, ત્યારે કોરોના બાદ ગત વર્ષે નવરાત્રિ અને દિવાળીની સિઝનમાં કપડા માર્કેટમાં જબરજસ્ત ઉછાળો મેળવ્યો હતો અને કોરોના પહેલાના વર્ષ કરતા કોરોના બાદના વર્ષમાં વધુ વેપાર કર્યો હતો. જેને કારણે વેપારીઓને એક આશા બંધાઈ હતી કે હવેનું આવનારું વર્ષ પણ સારું જશે અને ખૂબ સારો વેપાર થવાની આશા તેઓ સેવી રહ્યા હતા. પરંતુ ક્રિસમસ અને પોંગલની સિઝન ગયા બાદ રમજાનની સિઝનમાં વેપારીઓને જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો ન હતો. અને એપ્રિલ-મે મહિનામાં દક્ષિણ ભારતમાં જે કાપડ ની માંગ હોય છે તે પણ આ વખતે ઓછી હતી. જેને કારણે હાલના સમયમાં જે વેપાર ચાલુ રહેવો જોઈએ તે એક મહિના પહેલાં બંધ થઈ ગયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
તો બીજી તરફ સુરતના ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના રંગનાથ શારડાએ જણાવ્યું કે, કોરોના બાદના મહિનાઓમાં સુરતથી અંદાજે 400થી 450 ટ્રકો કાપડની નિકાસ થતી હતી એટલે કે સુરતના ટેક્સટાઈલ માર્કેટમાંથી રોજનો 400 ટ્રક જેટલો માલ ભરીને દેશના અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવતો હતો. જે હાલના સમયમાં માત્ર રોજની 100 ટ્રકો જ મોકલવામાં આવી રહી છે. જેનું ખાસ કારણ એક તરફ વધી રહેલી મોંઘવારી છે કે, જેને કારણે જે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવાર છે. તેમની આવક પર અસર થવાના કારણે તેમણે કપડાની ખરીદી ઓછી કરી દીધી હોવાનું વેપારીઓ ગણી રહ્યા છે. કોરોના બાદ જે ગાડી પાટા પર ચડી હતી તે દરમિયાન સુરતનું કપડા માર્કેટ રોજનો 300 થી 400 કરોડનો બિઝનેસ કરતું હતું.
પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે, આ બિઝનેસ ઘટીને સીધો સો કરોડ સુધી આવી ગયો છે. એટલે અત્યારની વાત કરીએ તો સુરતનું કપડા માર્કેટ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કરોના બાદની નવરાત્રી અને દિવાળીની સિઝનમાં સુરત કપડા માર્કેટ 86 હજાર કરોડનો વેપાર કર્યો હતો. જે કોરોના પહેલાના વેપાર કરતાં પણ ઘણો વધારો થયો હતો. આ વેપારનો લાભ વેપારીઓને આ સિઝનમાં મળવો જોઈતો હતો પરંતુ અત્યારે પરિસ્થિતિ તેનાથી વિપરીત છે.
હાલ તો વેપારીઓની રમજાન અને લગ્નસરાની સીઝન મંદીમાં ગઈ હોવાના કારણે હવે પછી આવનારા સમયમાં રક્ષાબંધન અને ત્યારબાદ ખાસ કરીને નવરાત્રિ અને દિવાળી ની સિઝનમાં વેપાર થવાની આશા હાલ તો વેપારીઓને છે. કારણ કે આ બંને સિઝન દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કાપડની ખૂબ મોટી ડિમાન્ડ ઊભી થાય છે. નવરાત્રી બાદ દુર્ગા પૂજામાં પણ પશ્ચિમ બંગાળથી ખૂબ મોટો વેપાર મળવાની આશા હાલ સુરત ના કપડા વેપારીઓ સેવી રહ્યા છે.
Next Article