Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ
- ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત (Surat)
- ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
- શાળાનાં નિમ્ન વ્યવહારનાં કારણે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો : પરિવારજનો
- વિદ્યાર્થીનીને પરિવાર તરફથી જ ટોર્ચર કરવામાં આવતું હતું : શાળા સંચાલક
- કોઈ પણ રાજકીય ભલામણને એક બાજું મૂકીને તટસ્થ તપાસ થાય : વિપક્ષ નેતા
સુરતમાં (Surat) વિદ્યાર્થિનીનાં આપઘાતની હચમચાવતી ઘટના બની છે. ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં (Adarsh Public School) ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થિનીનાં આપઘાત બાદ પરિવારે શાળા પ્રશાસન સામે ચોંકાવનારા અને ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારજનોએ ફી ન ભરી એટલે વિદ્યાર્થિનીને કલાકો સુધી બેસાડી રાખી અને શાળાનાં નિમ્ન વ્યવહારનાં કારણે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનો આરોપ કર્યો છે. બીજી તરફ શાળા સંચાલકોએ વિદ્યાર્થિનીનાં પરિવારના આરોપોને ફગાવ્યા છે. જો કે, વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડાઈ હોવાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે હાલ ગોડદરા પોલીસ (Godadara Police) અને શિક્ષણ વિભાગ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનો શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ
સુરતનાં (Surat) ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પલ્બિક સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભાવનાએ પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. લાડકી દીકરીનાં અચાનક મૃત્યુથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. મૃતક વિદ્યાર્થિનીનાં પરિવારે શાળા પ્રશાસન સામે ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનો આરોપ છે કે, ફી ન ભરી એટલે શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થિનીને વાંરવાર ટોર્ચર કરવામાં આવતી હતી. શાળાનાં નિર્લજ્જ વ્યવહારથી કંટાળીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાનો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ફી મામલે શાળાનાં વ્યવહારથી વિદ્યાર્થીને લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક વિદ્યાર્થિની ભાવનાનાં ભાઈ વિજયએ આરોપ લગાવતા કહ્યું કે, ફી નહીં ભરવાને લઇને શાળા સંચાલકોએ તેણીને 2 દિવસ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. અનેક વખત આવો વ્યવહાર કરી દબાણ કરતા હોવાથી આખરે કંટાળીને વિધાર્થિનીએ આવું પગલું ભર્યું.
આ પણ વાંચો - Exclusive: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા, ધાનેરાના લોકો હવે આકરા પાણીએ?
પરિવારનાં આક્ષેપોને શાળા સંચાલકોએ ફગાવ્યા
બીજી તરફ આ મામલે પરિવારે કરેલા આક્ષેપોને શાળા સંચાલકોએ ફગાવ્યા છે. શાળા સંચાલકો, શિક્ષકો સહિત વિદ્યાર્થિનીની ક્લાસમેટ એ મોટો ખુલાસો કર્યો છે. શાળા સંચાલકોએ વળતો આક્ષેપ કરતા કહ્યું કે, પરિવારે જે આક્ષેપ કર્યા છે તે તદ્દન ખોટા છે. વિદ્યાર્થીનીને પરિવાર તરફથી જ ટોર્ચર કરવામાં આવતું હતું. વિદ્યાર્થીને દુકાને કામ બાબતે માતા-પિતા અવારનવાર ટોર્ચર કરતા હતા. શાળા સંચાલકોએ કહ્યું કે, શાળામાં અભ્યાસ કરતા કોઈપણ બાળકની ફી બાકી હોય તો વાલીઓ જોડે સીધી વાતચીત કરવામાં આવે છે. શાળા તરફથી કોઈપણ દબાણ ભાવનાને કરવામાં આવતું નહોતું. ક્લાસમેટે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, ભાવના અન્ય યુવક સાથે મોબાઈલ પર વાત કરતી હતી, જે રેકોર્ડિંગ પિતાના હાથે લાગ્યું હતું, જેથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. શાળા તરફથી ફી બાબતે ઠપકો આપવામાં આવ્યો નથી.
શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસનો ધમધમાટ
આ મામલો સામે આવતા શિક્ષણ વિભાગ (Surat Education Department) દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારી દ્વારા એક ટીમ તૈયાર કરીને શાળા ખાતે મોકલવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ દ્વારા શાળાએ પહોંચી CCTV ફૂટેજ, અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદન તેમ જ શાળાનાં શિક્ષકોની પ્રતિક્રિયા લેવામાં આવી રહ્યા છે. આ સાથે આપઘાત કરનાર વિદ્યાર્થિની કેટલા સમય સુધી શાળાએ આવી હતી, તેની હાજરી પણ તપાસવામાં આવી છે. શિક્ષણ નિરીક્ષક નરેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું કે, શાળાનાં 10 જેટલા વિદ્યાર્થીઓના નિવેદન લેવાયાં છે. આ સિવાય, શાળાનાં આચાર્ય, શિક્ષક સહિત ટ્રસ્ટીઓ અને મૃતક વિદ્યાર્થિનીનાં પરિવારજનોનાં પણ નિવેદન નોંધાવવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમમાં મહિલા અધિકારી પણ સામેલ હતા. મહિલા અધિકારી દ્વારા લેખિતમાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા. જો કે, શાળાનાં CCTV ફૂટેજ જાહેરમાં કરવામાં શાળા સંચાલકોએ બે કલાક સુધી ગોળગોળ જવાબ આપ્યા હોય તેવું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Surat: મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને સરકાર સામે શા માટે નારાજગી વ્યક્ત કરી
ગુજરાત ફર્સ્ટ પાસે વિદ્યાર્થીનીનાં એક્સક્લુઝીવ CCTV ફૂટેજ
દરમિયાન, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે આપઘાત પહેલાનાં વિદ્યાર્થીનીનાં એક્સક્લુઝિવ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે વિદ્યાર્થીને કોમ્પ્યુટર લેબમાં બેસાડાઈ છે. આરોપ છે કે જે દિવસે વિદ્યાર્થિનીની પરીક્ષા હતી ત્યારે પેપર આપતા પહેલા તેણીને ફી બાબતે કોમ્પ્યુટર લેબમાં 07:45 થી 9:06 મિનિટ બેસાડવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીનાં વાલીને ફોન કરવામાં આવ્યો હતો.
કોઈ પણ રાજકીય ભલામણને એક બાજું મૂકીને તટસ્થ તપાસ થાય : પાયલ સાકરિયા
આ મામલે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની (Payal Sakaria) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. પાલય સાકરિયાએ કહ્યું કે, આજે શાળામાં પણ બાળક અસુરક્ષિત હોય તેમ લાગી રહ્યું છે. જવાબદાર શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે. કોઈ પણ રાજકીય ભલામણને એક બાજું મૂકીને આ કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે.
આ પણ વાંચો - Chhotaudepur: રેતી તેમજ ડોલો માઇટ પાઉડરની આડમાં થતી હતી દારૂની હેરાફેરી, બાતમીના આધારે પોલીસે કર્યો પર્દાફાશ