સુરત પાલિકાના કર્મીની ઓળખ આપી 3 લૂંટારા ઘરમાં ઘૂસ્યા, જાણો પછી શું થયું
સુરત શહેરમાં હવે લૂંટારુઓ દ્વારા લૂંટ કરવા માટે નવા નવા નુસખા અજમાવાઇ રહ્યા છે. હવે લૂંટારુઓ સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓના કપડાં પહેરીને લૂંટ કરવા આવે છે. આ પ્રકારે આચરાયેલી લૂંટનો વિડીયો વાયરલ થતા સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. વિડીયોમાં મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ પણ કરાયો હોવાનું વિડીયોમાં જોવા મળે છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા સી.કે વિલા બંગ્લો
Advertisement
સુરત શહેરમાં હવે લૂંટારુઓ દ્વારા લૂંટ કરવા માટે નવા નવા નુસખા અજમાવાઇ રહ્યા છે. હવે લૂંટારુઓ સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓના કપડાં પહેરીને લૂંટ કરવા આવે છે. આ પ્રકારે આચરાયેલી લૂંટનો વિડીયો વાયરલ થતા સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. વિડીયોમાં મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ પણ કરાયો હોવાનું વિડીયોમાં જોવા મળે છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા સી.કે વિલા બંગ્લોઝમાં રહેતા ખેડૂત તેજસ પટેલના ઘરે બુધવારના રોજ સવારે મોપેડ ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા. આ ત્રણ શખ્સો દ્વારા પોતે મહાનગરપાલિકાના કર્મચારી હોય તે પ્રકારની ઓળખ આપી હતી અને આવેલા ત્રણ શખ્સોનો યુનિફોર્મ પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ પહેરે તે પ્રકારનો હોવાને કારણે દંપતીએ કર્મચારીઓને ઘરમાં આવવા દીધા હતા.
ખેડૂતની હાજરીમાં આ ત્રણેય શખ્સો ટેરેસ ઉપર પાણી ભરાયું છે કે નહિ તે જોઇ આવ્યા હતા અને કામ પૂરું થયાનું જણાવી જતાં રહ્યા હતા. થોડાક સમય પછી તેજસ પટેલ પણ કામ અર્થે ઘરેથી બહાર ગયા. તેની પાંચ સાત મિનિટમાં મનપાના સ્વાંગમાં આવેલા ત્રણેય કર્મચારીઓ પરત હતા અને જિજ્ઞાશાબેનને ગાર્ડન જોવાનું રહી ગયું તેમ કહી પરત અંદર આવ્યા હતા.
તે સમયે જિજ્ઞાશાબેન હોલના દરવાજા પાસે ઊભા હતા. એક શખ્સ ગાર્ડનમાં ગયો હતો. બીજો પાર્કિંગના ગેટ પાસે ઊભો રહ્યો હતો જ્યારે ત્રીજા શખ્સે પાછળથી આવી તેમનું મોઢું દબાવવાની કોશિશ કરી હતી.
તે વખતે ઝપાઝપી થતાં જિજ્ઞાશાબેન નીચે પડી ગયા હતા ત્યારે પકડાઇ જવાના ડરથી હુમલાખોરે તેમનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. જિજ્ઞાશાબેને બેભાન થવાનું નાટક કરતાં લૂંટારુએ પકડ ઢીલી કરી બીજા સાગરીત પાસે ગયો હતો અને ત્યારે જ આ મહિલા ઊભી થઇને બહાર દોડી ગઇ હતી અને બૂમાબૂમ કરી હતી, જેથી લોકો દોડી આવતાં ત્રણેય લૂંટારુ ભાગી છુટ્યા હતા.
પોલીસે તપાસ કરતાં મનપામાંથી કોઇ કર્મચારી નહિ મોકલાયું હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો છે.