નવરાત્રી અને દિવાળીની સીઝનમાં સુરત ટેકસટાઇલ માર્કેટને 12000 કરોડનો વેપાર થવાની આશા
કોરોના કાળના બે વર્ષ પછી રમજાન અને લગ્નસરાની સિઝન પણ ફેલ ગયા બાદ સુરત ટેક્સટાઇલ માર્કેટના 70,000 વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આવનાર નવરાત્રિનું પર્વ અને દિવાળી એક સારા સમાચાર લઈને આવે તેવા એંધાણ લાગી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે. જેને કારણે વેપારીઓને નવરાત્રી અને દુર્ગા પૂજામાં સારો એવો વેપાર મળવાની આશા બંધાઈ છે. તેમ જ દિવાળીની સિઝન પણ આ વર્ષે ખૂબ સારી જાય
કોરોના કાળના બે વર્ષ પછી રમજાન અને લગ્નસરાની સિઝન પણ ફેલ ગયા બાદ સુરત ટેક્સટાઇલ માર્કેટના 70,000 વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આવનાર નવરાત્રિનું પર્વ અને દિવાળી એક સારા સમાચાર લઈને આવે તેવા એંધાણ લાગી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે. જેને કારણે વેપારીઓને નવરાત્રી અને દુર્ગા પૂજામાં સારો એવો વેપાર મળવાની આશા બંધાઈ છે. તેમ જ દિવાળીની સિઝન પણ આ વર્ષે ખૂબ સારી જાય તેવી આશા હાલ સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ રાખી રહ્યા છે.
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સામાન્ય રીતે દિવાળીની સીઝન ખૂબ જ સારી જતી હોય છે. ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડાના જણાવ્યા અનુસાર, છેલ્લા 35 વર્ષથી તેમણે દિવાળીની સિઝન ફેલ જતી નથી જોઈ અને આ વર્ષે પણ તેઓ આવનારી દિવાળીની સિઝનને ખૂબ સારી રીતે જોઈ રહ્યા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારની વાત કરીએ તો હાલ જ ગયેલ રમજાન અને લગ્નસરાની સિઝનમાં કોઈ ખાસ એવો વેપાર થયો ન હતો. પરંતુ હવે જ્યારે સામે નવરાત્રિનો પર્વ છે અને ત્યારબાદ દુર્ગાપૂજા નો અવસર છે ત્યારે ચોક્કસપણે આ વર્ષે નવરાત્રીમાં મોટા મોટા આયોજનોને પરમિશન મળતા નવરાત્રીની ખરીદી નીકળી છે. તેમજ કોલકાતામાં ઉજવાતા દુર્ગાપૂજાને લઈને પણ ઘણી ડિમાન્ડ આવી રહી છે. તેથી વેપારીઓ પાસે અત્યારે નવરાત્રી અને દુર્ગાપૂજાનો સારો એવો ઓર્ડર છે અને ત્યારબાદ દિવાળીને લઈને પણ સારી એવી ડિમાન્ડ નીકળશે તેવું હાલ વેપારીઓ આશા સેવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ વર્ષે દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ માર્કેટ અંદાજે 12,000 કરોડ સુધીનો વેપાર કરશે.
સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે કોરોના કાળ બાદના ઘણા મહિનાઓ ખૂબ કપરા રહ્યા હતા. ટેકસટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી દિનેશ કટારીયાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે રમજાન મહિનાની સિઝન સારી જવાની તેમને આશા હતી. પરંતુ રમજાન બાદ લગ્નસરાની સિઝનમાં પણ વેપાર ન થતા વેપારીઓએ રડવાનો વારો આવ્યો હતો. પરંતુ રક્ષાબંધન બાદ માર્કેટમાં એક ચમક જોવા મળી હતી જે હજુ સુધી યથાવત છે અને હવે જ્યારે સામે નવરાત્રી અને દિવાળીનો તહેવાર છે. તેની પણ ઇન્કવાયરી અન્ય રાજ્યોમાંથી આવી રહી છે. તેમજ અન્ય રાજ્યના વેપારીઓ ખરીદી માટે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. તો આ તબક્કે સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને પણ આશા છે કે બે વર્ષના કોરોના બાદ જે ગત સિઝન ફેલ ગઈ તે તમામ રિકવરી આ દિવાળી સુધીમાં થઈ જાય તેવી આશા હાલ તેઓ રાખી રહ્યા છે.
હાલ તો સુરતની ડાઈંગ મિલોમાં પણ ઉત્પાદન પૂર જોશમાં થઈ રહ્યું છે અને કપડાં વેપારીઓ પણ ઓર્ડર ના હિસાબે માલનો ભરાવો કરી રહ્યા છે. સાથે સાથે હવે ઓનલાઇન વેચાણ પણ કપડા માર્કેટમાં 25% જેટલો હિસ્સો ધરાવતો હોવાથી કપડા માર્કેટને બંને તરફથી ફાયદો થાય તેવું વેપારીઓ જોઈ રહ્યા છે.
Advertisement