દિલ્હીના પ્રદૂષણની અસર હવે વર્લ્ડકપ ઉપર, દિલ્હીમાં મેચ પહેલા શ્રીલંકા ટીમે લીધો આ મોટો નિર્ણય
વર્લ્ડ કપ 2023 ની યજમાની આ વર્ષે ભારત કરી રહ્યું છે. વધુમાં આ વખતની સ્પર્ધામાં ભારતીય ટીમનો દેખાવ પણ અત્યાર સુધીમાં ઉચ્ચ કક્ષાનો રહ્યો છે. આ વર્ષનો વર્લ્ડકપ અત્યાર સુધીમાં તેના રોમાંચક મુકાબલાઓને કારણે ઘણો ચર્ચામાં રહ્યો છે. પરંતુ હવે ક્રિકેટ નહીં પણ પ્રદૂષણના કારણે નવો વિવાદ સર્જાયો છે. દિલ્હી અને તેના આસપાસના વાતાવરણની ગુણવત્તા આ દિવસોમાં ચિંતાનો વિષય બની ગયો છે, આ કારણ છે કે બાંગલાદેશ પછી શ્રીલંકાની ટીમે પણ દિલ્હીમાં તેમના પ્રૅક્ટિસ સેસન રદ કર્યા છે .
વર્લ્ડ કપ 2023ની 38મી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે 6 નવેમ્બરના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા બંને દેશોની ટીમોએ પોતાના ટ્રેનિંગ સેશન રદ કરી દીધા છે જે દેશ માટે સારા સમાચાર નથી.
શ્રીલંકાએ પોતાના ટ્રેનિંગ સેશન રદ કર્યા
મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકાની ટીમ આગામી મેચ માટે શનિવારે બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં તાલીમ લેવાની હતી, પરંતુ તે હવે રદ કરવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશનું સત્ર સાંજે 6 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ હજુ સુધી તેમના નિર્ણયની પુષ્ટિ થઈ નથી. અરુણ જેટલી સ્ટેડિયમની બહાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) એ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ટ્રક પર પાણીના છંટકાવ સ્થાપિત કર્યા છે.
રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં
શ્રીલંકાના અધિકારીઓએ રાજધાની દિલ્હીમાં તેમના ખેલાડીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. દરમિયાન તેમણે પ્રદુષણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને રાજધાની દિલ્લીમાં રમવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ શનિવારે કહ્યું કે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં છે. AQI આનંદ વિહારમાં 448, જહાંગીરપુરીમાં 421, દ્વારકા સેક્ટર-8માં 435 અને IGI એરપોર્ટ (T3)માં 421 નોંધવામાં આવ્યો છે.
આ બધાની વચ્ચે અફવાઓ ઉભી થઈ રહી છે કે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચને કોઈ અન્ય જગ્યાએ ખસેડવામાં આવી શકે છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.
આ પણ વાંચો -- લો બોલો! ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડા સાથે 33 લાખ રૂપિયાની છેતરપિંડી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે