Paris Olympic 2024 : બેડમિન્ટનમાં અશ્વિની પોનપ્પા અને તનિશા ક્રાસ્ટોએ કર્યા નિરાશ
Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારત માટે બેક ટૂ બેક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શૂટિંગમાં 10 મીટર એર રાઈફલમાં રમિતા જિંદાલના મેડલની રેસમાંથી બહાર થયા બાદ બેડમિન્ટનમાં અશ્વિની પોનપ્પા અને તનિશા ક્રાસ્ટો પાસેથી મેડલની આશા હતી પણ હવે સમાચાર મળી રહ્યા છે કે, તેઓ પોતાની બીજી ગ્રુપ મેચ હારી ગયા છે. અશ્વિની-તનિષાને નામી માત્સુયામા અને ચિહારુ શિડાના હાથે 11-21, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.
બેડમિન્ટનમાં ભારતને હાથે નિરાશા
પેરિસ ઓલિમ્પિક 2024માં, અશ્વિની પોનપ્પા અને તનિશા ક્રાસ્ટોની ભારતીય મહિલા ડબલ્સ જોડીને ગ્રૂપ Cની મેચમાં જાપાનની નામી માત્સુયામા અને ચિહારુ શિડા સામે સીધા સેટમાં 21-11, 21-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે ગ્રુપ સી પોઈન્ટ ટેબલમાં ભારતીય જોડી હાલમાં બે મેચમાં બે પરાજય બાદ ત્રીજા સ્થાને છે. જાપાનની જોડી બે મેચમાં બે જીત સાથે પ્રથમ સ્થાને છે. આ સિવાય કોરિયા બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે. પોનપ્પાએ મેચ બાદ કહ્યું, "થોડો નિરાશ છું કારણ કે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની અમારી એકમાત્ર તક હતી. અમે જે રીતે રમવા માંગતા હતા તે રીતે ન રમી શક્યા, પરંતુ તેઓ ખૂબ જ મજબૂત હતા. હું ઈચ્છું છું કે અમે તેમને વધુ સારો પડકાર આપ્યો હોત." "અમારી પાસે એક વધુ મેચ છે અને આશા છે કે અમે તેને જીતી શકીશું."
શરૂઆતથી જ ભારતીયો પર દબાણ
તેમણે આગળ કહ્યું કે, "તેઓ આક્રમક અને રક્ષણાત્મક રીતે ખૂબ જ મજબૂત હતા. સંરક્ષણાત્મક રીતે અમે આજે થોડા નબળા હતા, જેના કારણે અમને કેટલાક પોઈન્ટ ગુમાવવા પડ્યા. આક્રમક રીતે, જ્યારે અમે હુમલો કરતા, ત્યારે અમે થોડો વધુ ફાયદો ઉઠાવી શક્યા હોત." જણાવી દઇએ કે, ભારતીય ટીમ તેના હરીફો પર કોઈ દબાણ લાવી શકી ન હતી અને તેઓ ક્યારેય લીડ કે બરાબરી કરી શક્યા ન હતા. બીજી તરફ, જાપાની જોડીએ શરૂઆતથી જ મેચ પર અંકુશ રાખ્યો હતો અને ક્રેસ્ટો દ્વારા લાંબી રેલી બાદ 4-0ની લીડ મેળવી હતી. અનુભવી પોનપ્પાએ સ્મેશ સાથે ભારતને પ્રથમ પોઈન્ટ અપાવ્યો હતો અને ક્રાસ્ટોએ બોડી સ્મેશથી સ્કોર 2-7 કર્યો હતો. પરંતુ આ પછી રમત એકતરફી બની ગઈ અને જાપાનની ટીમે પોતાની લીડ વધારવાનું ચાલુ રાખ્યું અને રમત પર કબજો કર્યો. બીજી ગેમમાં શરૂઆતથી જ ભારતીયો પર દબાણ હતું અને જાપાનીઓએ 7-1ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતીયો માટે પરિસ્થિતિ વધુ ખરાબ બની હતી જ્યારે ક્રાસ્ટોને તેની આંગળીમાં ઈજા થઈ હતી અને તેને તબીબી સારવારની જરૂર પડી હતી.
આ પણ વાંચો: Paris Olympic 2024 : રમિતાને મળી નિરાશા, મેડલ રેસમાંથી થઈ બહાર