Asia Cup Final : શ્રીલંકા વિરુદ્ધ સિરાજની શાનદાર બોલિંગ પર દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ
એશિયા કપ 2023ની ફાઈનલમાં જ્યારે ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને હતી, ત્યારે કોઈને અંદાજો ન હતો કે આગળ શું થવાનું છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે એવું લાગી રહ્યું હતું કે જાણે ભારતીય ટીમ પહેલી ગેમ હારી ગઈ હોય. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે પીચ બેટ્સમેનોને અનુકૂળ રહેશે. પરંતુ જ્યારે જસપ્રીત બુમરાહ પ્રથમ ઓવર લઈને આવ્યો ત્યારે તે વિકેટ લેવામાં સફળ રહ્યો. એટલે કે શ્રીલંકાને પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. આ પણ શરૂઆત હતી. તે પછી સિરાજની શાનદાર બોલિંગે શ્રીલંકાના એક પણ બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા ન દીધા. તેણે મેચમાં 6 વિકેટ લીધી હતી. તેના આ પ્રદર્શન બાદ દિલ્હી પોલીસનું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે.
દિલ્હી પોલીસે ટીમ ઈન્ડિયાની જીત બાદ કર્યું આ ટ્વીટ
શ્રીલંકા વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા બાદ મોહમ્મદ સિરાજના વાવાઝોડામાં તમામ બેટ્સમેનો આવ્યા અને પેવેલિયન પરત ફર્યા હતા. તેનો શરૂ થયેલો આ સિલસિલો ત્યાં સુધી અટક્યો ન હતો જ્યાં સુધી શ્રીલંકાની આખી ટીમ પડી ભાંગી ન ગઈ. મેચમાં તેણે પોતાની એક એવી છાપ છોડી કે સોશિયલ મીડિયામાં તેના વિશે જ ચર્ચાઓ શરૂ થઇ ગઇ. સિરાજની આ શાનદાર બોલિંગ વચ્ચે દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ થયું છે. દિલ્હી પોલીસે આ ટ્વીટમાં લખ્યું- સિરાજની ઝડપ પર આજે ચલણ જારી કરવામાં આવશે નહીં. દિલ્હી પોલીસના આ ટ્વિટ પર ફની કોમેન્ટ્સ સામે આવી છે. સિરાજે પોતે પણ આ ટ્વીટનો જવાબ આપ્યો છે.
સિરાજે આપી પ્રતિક્રિયા
દિલ્હી પોલીસના આ રમુજી ટ્વીટ બાદ મોહમ્દ સિરાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સિરાજે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વીટ કરતા લખ્યું- હાહા, આભાર. આ સાથે તેણે એક હસતું ઈમોજી પણ શેર કર્યું છે.
સિરાજે એક ઓવરમાં 4 વિકેટ લીધી
મોહમ્મદ સિરાજે માત્ર એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. તેઓએ પથુમ નિસાન્કા, સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા અને ધનંજય ડી સિલ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે. જો કે એક ઓવરમાં આવું કરનાર તે લસિથ મલિંગા બાદ બીજો બોલર બની ગયો છે. જ્યારે તે એક ઓવરમાં 4 વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર પણ બની ગયો છે. જો કે સિરાજે પોતાની 6 ઓવરમાં 13 રન આપીને 6 વિકેટ ઝડપી છે.
મેચનું સંક્ષિપ્ત વિવરણ
ઉલ્લેખનીય છે કે, એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બોલરોએ આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 7મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમ રેકોર્ડ 8મી વખત એશિયાની ચેમ્પિયન બની છે.
આ પણ વાંચો - Asia Cup ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની 10 વિકેટે આસાન જીત, શ્રીલંકાને તેના જ ઘરઆંગણે હરાવ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે