વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન
- 25 રનના સ્કોર પર અડધી ટીમ પવેલિયન થઇ
- વૈષ્ણવી શર્મા હેટ્રિક લઈને ધમાલ મચાવી
Vaishnavi Sharma : હાલમાં રમાઈ રહેલા અંડર-19 T20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને માત્ર 44 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતીય ટીમે યજમાન મલેશિયાની ટીમને પણ મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ટુર્નામેન્ટની બીજી મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કર્યા બાદ ભારતીય ટીમે મલેશિયાની બેટિંગની કમર તોડી નાખી હતી. 25 રનના સ્કોર પહેલાં જ અડધી ટીમ પવેલિયન ભેગી થઇ ગઈ હતી. પોતાની પહેલી મેચ રમી રહેલી વૈષ્ણવી શર્મા(Vaishnavi Sharma)એ હેટ્રિક ( Hattrick)લઈને ધમાલ મચાવી દીધી હતી. આખી ટીમ 14.3 ઓવરમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
કોણ છે વૈષ્ણવી શર્મા?
મલેશિયા સામે 3 બોલમાં 3 વિકેટ લઈને પોતાની બોલિંગથી સૌનું ધ્યાન ખેંચનારી વૈષ્ણવી ગ્વાલિયરની રહેવાસી છે. વૈષ્ણવી ગ્વાલિયરના ચંબલ વિસ્તારની રહેવાસી છે અને આ સ્થાનની એકમાત્ર મહિલા ક્રિકેટર છે જેણે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.વૈષ્ણવીને નાનપણથી જ ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. પિતાએ પોતાની પુત્રીને ક્રિકેટની દુનિયામાં સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી. વૈષ્ણવીના પિતા વ્યવસાયે જ્યોતિષી હતા,તેમણે ચંબલમાં સારી તાલીમ સુવિધાઓના અભાવે તેમની પુત્રીને ગ્વાલિયરની તાનસેન ક્રિકેટ એકેડેમીમાં પ્રવેશ અપાવ્યો. આ એકેડેમીમાં પગ મૂકતાની સાથે જ વૈષ્ણવીનું જીવન બદલાવા લાગ્યું.
આ પણ વાંચો-Champions Trophy 2025 : ટુર્નામેન્ટ પહેલા PCB અને BCCI વચ્ચે શરૂ થયો જર્સી વિવાદ
ડેબ્યૂ મેચમાં જ વૈષ્ણવી શર્માની હેટ્રિક
ભારતીય ટીમની કેપ્ટન નીકી પ્રસાદે સતત બીજી મેચમાં બોલિંગ પહેલા કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનના આ નિર્ણય પર ભારતીય બોલરોએ મલેશિયન બેટરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. માત્ર 30 રનના સ્કોર પર ટીમના 8 ખેલાડીઓ આઉટ થઇ ગયા હતા. શર્માએ પોતાની ડેબ્યૂ મેચમાં વિસ્ફોટક બોલિંગ કરીને હેટ્રિક વિકેટ લીધી હતી. 14મી ઓવર ફેંકવા આવેલી શર્માએ બીજા, ત્રીજા અને ચોથા બોલ પર વિકેટ ઝડપીને હેટ્રિક કરી દીધી હતી. મેચ દરમિયાન શર્માએ 4 ઓવર ફેંકીને માત્ર 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો-હવે વિરાટ કોહલી પણ રણજી ટ્રોફી રમશે, 13 વર્ષ પછી આ મેચથી પરત ફરશે!
અંડર-16 કેપ્ટનશીપ મળી
વૈષ્ણવીએ 9 વર્ષની ઉંમરે 22-યાર્ડ પિચ પર પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કર્યું. ઇન્ટર સ્કૂલમાં વૈષ્ણવીની રમત માટે ઘણી પ્રશંસા થઈ. બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવાની તેની ક્ષમતાએ વૈષ્ણવીને પ્રગતિ કરવાનું ચાલુ રાખવામાં મદદ કરી છે.વર્ષ 2017 માં વૈષ્ણવીને મધ્યપ્રદેશ અંડર-16 ટીમની કમાન પણ સોંપવામાં આવી હતી.આ પછી વૈષ્ણવીએ પાછળ વળીને જોયું નહીં. વર્ષ 2022 માં, વૈષ્ણવીએ તેની બોલિંગથી ઘણી ખ્યાતિ મેળવી અને ઘરેલુ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લીધી.2022-23 સીઝન માટે જુનિયર મહિલા ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બદલ વૈષ્ણવીને બીસીસીઆઈ દ્વારા દાલમિયા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. વૈષ્ણવી સામે મલેશિયન બેટ્સમેન સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. વૈષ્ણવીએ તેના 4 ઓવરના સ્પેલમાં ફક્ત 5 રન આપ્યા અને પાંચ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. વૈષ્ણવીએ પણ એક ઓવર મેઇડન નાખી.