CSK Vs LSG : સ્ટોઇનિસે લખનૌને અપાવી જીત, ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું
CSK Vs LSG : લખનઉ સુપર જાયન્ટ્સે સતત બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. પોતાના હોમ ગ્રાઉન્ડ એકાનામાં આઠ વિકેટે પરાજય આપ્યા બાદ હવે લખનઉએ ચેપોકમાં ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ ચાર વિકેટે 210 રન બનાવ્યા હતા. CSK માટે ઋતુરાજ ગાયકવાડે 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં લખનઉએ 19.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. માર્કસ સ્ટોયનિસ 63 બોલમાં 124 રન બનાવીને અણનમ રહ્યો હતો.
પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
આ જીત સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેણે ચેન્નાઈની જગ્યા લીધી જે પાંચમા સ્થાને સરકી ગઈ છે. ચેન્નાઈની આગામી મેચ 28મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે જ્યારે લખનઉની ટીમ 27મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે ઈકાનામાં રમશે.
આ પહેલા ગાયકવાડે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 56 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ગાયકવાડની આ સદી 18મી ઓવરમાં આવી હતી, કારણ કે તેણે યશ ઠાકુરના બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. આ પહેલા ગાયકવાડનો IPL 2024માં સર્વોચ્ચ સ્કોર 67 રન હતો. તેણે KKR સામેની મેચમાં અણનમ 67 રન બનાવીને ચેન્નાઈની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
ગાયકવાડની આઈપીએલ કારકિર્દીની આ સૌથી ઝડપી સદી પણ બની ગઈ છે. અગાઉ 2021માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે 60 બોલમાં સદી પૂરી કરી હતી. હવે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેણે 56 બોલ રમીને પોતાની સદી પૂરી કરી છે. CSK માટે અત્યાર સુધીની સૌથી ઝડપી સદી રમવાનો રેકોર્ડ મુરલી વિજયના નામે છે, જેણે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. CSK લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં બેટિંગ કરવા ઉતરી હતી. એક છેડેથી સતત વિકેટો પડી રહી હતી, પરંતુ ગાયકવાડે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સદી ફટકારીને CSKના ચાહકો માટે વેલ્યુ ફોર મની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગમાં શિવમ દુબેએ પણ તેને પૂરો સાથ આપ્યો હતો, જેની સાથે તેણે 104 રનની ભાગીદારી કરી હતી.
ગાયકવાડ સદી ફટકારી
ગાયકવાડ IPL 2024માં સદી ફટકારનાર 7મો બેટ્સમેન બન્યો હતો. તેની પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ટ્રેવિસ હેડ અને સુનીલ નારાયણે પણ સદી ફટકારી છે. ઋતુરાજ ગાયકવાડે હવે IPL 2024માં રમાયેલી 8 મેચમાં 3 અડધી સદી અને 1 સદી ફટકારી છે. તેણે વર્તમાન સિઝનમાં 58.16ની એવરેજથી 349 રન બનાવ્યા છે. આ સાથે તે ઓરેન્જ કેપ રેસમાં બીજા સ્થાને આવી ગયો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન
અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ(કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની(વિકેટકિપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મતિશા પથિરાના
લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન
ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકિપર/કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર
આ પણ વાંચો -Cricket : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCBના ચીફે કહી આ વાત
આ પણ વાંચો - CSKVsLSG: IPL માં ઇતિહાસ રચશે ધોની, અહીં સુધી પહોંચનારો પહેલો ખેલાડી બનશે