'આ પ્રકારના સંબંધ મોટેભાગે ટાઇમપાસ હોય છે' જાણો કયા કેસમાં હાઇકોર્ટે કરી આ મોટી ટિપ્પણી
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે લિવ-ઈન રિલેશનશિપ મુખ્યત્વે ‘ટાઈમ પાસ’ કરવા માટે હોય છે. તાજેતરમાં, લિવ-ઇન પાર્ટનરશિપમાં રહેતા આંતર-ધાર્મિક યુગલની પોલીસ સુરક્ષા માટેની અરજી પર સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે કહ્યું હતું કે આવા સંબંધોમાં સ્થિરતા અને પ્રમાણિકતાનો અભાવ છે. આ જ ટિપ્પણી સાથે હાઈકોર્ટે લિવ-ઈન કપલની પોલીસ પ્રોટેક્શનની અરજીને ફગાવી દીધી હતી.
બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ, ન્યાયમૂર્તિ રાહુલ ચતુર્વેદી અને ન્યાયમૂર્તિ મોહમ્મદ અઝહર હુસૈન ઇદ્રીસીની બેન્ચે જણાવ્યું હતું કે, “માનનીય સુપ્રીમ કોર્ટે ઘણા કેસોમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર બનાવ્યા છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ 20-22 વર્ષની ઉંમરમાં માત્ર બે મહિનાના ટુંકાગાળામાં એવી અપેક્ષા રાખી શકાય નહીં કે આ યુગલ સાથે રહેવા માટે સક્ષમ હશે, જો કે આ યુગલ પોતાના અસ્થાયી સંબંધને લઇને ગંભીર છે.
ખંડપીઠે કહ્યું કે આ દંપતીનો પ્રેમ માત્ર આકર્ષણ છે. . જિંદગી ગુલાબની સેજ નથી પરંતુ તે દરેક યુગલની મુશ્કેલ પરિસ્થિતિઓ અને વાસ્તવિકતાઓની જમીન પર કસોટી કરે છે. ન્યાયાધીશોએ કહ્યું, "અમારો અનુભવ દર્શાવે છે કે આવા સંબંધો ઘણીવાર ટાઈમપાસ, અસ્થાયી અને નાજુક હોય છે અને તેથી, અમે તપાસના તબક્કા દરમિયાન અરજદારને કોઈપણ સુરક્ષા આપવાનું ટાળીએ છીએ."
તમને જણાવી દઈએ કે હાઈકોર્ટ એક હિન્દુ મહિલા અને એક મુસ્લિમ પુરુષની સંયુક્ત અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 366 હેઠળ અપહરણના ગુનાનો આરોપ લગાવતા તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આરોપી મુસ્લિમ યુવક વિરુદ્ધ યુવતીની માસીએ ફરિયાદ નોંધાવી હતી. આની સામે દંપતિએ હાઈકોર્ટમાં જઈને પોલીસ રક્ષણની માંગણી કરી હતી. આ સિવાય તેઓએ લિવ-ઈન રિલેશનશિપ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.