IND vs AUS : રાજકોટમાં ગ્લેન મેક્સવેલ સાથે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ, જુઓ Video
રાજકોટમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ODI મેચમાં ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના શાનદાર પ્રદર્શને મેચને ઓસ્ટ્રેલિયાના ફેવરમાં કરી દીધી હતી. મેક્સવેલે ટીમ ઈન્ડિયાની 4 મહત્વની વિકેટ લીધી હતી. જોકે તે બેટિંગમાં કોઇ ખાસ ભૂમિકા ભજવી ન શક્યો પણ તેની કમી તેણે બોલિંગમાં પૂરી કરી દીધી હતી. જોકે, આ દરમિયાન એક એવો સમય પણ આવ્યો જ્યારે તેની સાથે એક મોટી દુર્ઘટના થતા રહી ગઇ હતી.
શ્રેણીની અંતિમ ODI માં મેક્સવેલનું શાનદાર બોલિંગ પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારતીય ક્રિકેટ ટીમ સામેની છેલ્લી ODIમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરના ક્વોટામાં 4ની ઈકોનોમી સાથે 40 રન આપીને 4 વિકેટ લીધી હતી. વનડેમાં આ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અગાઉ 4/46 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. મેક્સવેલે ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરીને ટીમની કમર તોડી નાખી હતી અને સિરીઝની છેલ્લી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
ફોલો થ્રૂમાં શાનદાર કેચ
જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ધમાકેદાર વાપસી કરી હતી. રાજકોટ વનડેમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરેલા રોહિતે શાનદાર અડધી સદી ફટકારી હતી પરંતુ તે 100નો આંકડો પાર કરી શક્યો નહોતો. ગ્લેન મેક્સવેલના શાનદાર કેચને કારણે રોહિતની વિસ્ફોટક ઇનિંગ્સ 81 રન પર રોકાઈ ગઈ હતી. ગ્લેન મેક્સવેલે ફોલો થ્રૂમાં શાનદાર કેચ લઈને રોહિત શર્માની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. કેચ લીધા બાદ ખુદ મેક્સવેલ અને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Warra catch by maxwell 🔥😂
Rohit played brilliantly as always pic.twitter.com/cRTtisPKv9— Ahsaan Elahi (@Callme_ahsaan) September 27, 2023
જો બોલ સહેજ ડાબે કે જમણે હોત તો..
ભારતીય ઇનિંગ્સની 21મી ઓવરમાં રોહિત શર્મા કેચ એન્ડ બોલ્ડ થયો હતો. ગ્લેન મેક્સવેલે એક હાથે ખતરનાક કેચ લીધો હતો. બોલ કેચ કર્યા બાદ મેક્સવેલને ખુદને વિશ્વાસ ન થયો કે તેણે બોલ કેચ કર્યો છે. રિપ્લે દર્શાવે છે કે જો બોલ સહેજ ડાબે કે જમણે હોત, તો ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો કારણ કે તે બોલ જોઈ શક્યો જ ન હતો. બોલથી બચવા માટે તેણે પોતાનો એક હાથ આગળ લાવ્યો અને બોલ તેના હાથમાં જાણે ફસાઈ જ ગયો.
મેક્સવેલે દિગ્ગજ બેટ્સમેનોને કર્યા આઉટ
ગ્લેન મેક્સવેલે વોશિંગ્ટન સુંદરને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી તેણે રોહિત શર્માને આઉટ કર્યો અને પછી વિરાટ કોહલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. વિરાટ કોહલીએ 61 બોલમાં 56 રન બનાવ્યા હતા. મેક્સવેલે શ્રેયસ અય્યરને ક્લીન બોલ્ડ કર્યો હતો. અય્યર 43 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ બેટથી સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને માત્ર પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ તેણે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને 10 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ ઝડપી.
આ પણ વાંચો - IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને 66 રને હરાવ્યું
આ પણ વાંચો - ICC ODI World Cup 2023 : વર્લ્ડ કપની ટિકિટ જોઇએ છે પણ નથી મળતી? તો કરો માત્ર આટલું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે