ના પાણી કે ના પ્રાઇવેસી, ગાઝામાં મહિલાઓ કેમ લઇ રહી છે પિરિયડ્સ લેટ કરવાની ગોળીઓ
આજે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 26મો દિવસ છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા પટ્ટી નિર્જન બની ગઈ છે. મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને યુએન રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં પણ તેમનું જીવન સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. લોકોને ખોરાક, પાણી અને દવા જેવી પ્રાથમિક સુવિધાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓને સૌથી વધુ ફટકો પડ્યો છે, જેમને પાણી અને ગોપનીયતાના અભાવે પીરિયડ્સ રોકવા માટે ગોળીઓ લેવાની ફરજ પડી છે. તેમાંથી ઘણા એવા છે જેમને તાજેતરમાં પીરિયડ્સ આવવાનું શરૂ થયું છે.
માસિક સ્રાવમાં વિલંબ કરવા માટે ગોળીઓનો આશરો
અલ જઝીરાના અહેવાલ મુજબ, ગાઝા પટ્ટીના શરણાર્થી શિબિરોમાં ઘણી પેલેસ્ટિનિયન મહિલાઓ ઇઝરાયેલના હુમલાના પરિણામે ભયાવહ અને અસ્વચ્છ પરિસ્થિતિઓને કારણે માસિક સ્રાવમાં વિલંબ કરવા માટે ગોળીઓનો આશરો લે છે. તેના કારણે તેમનામાં ડિપ્રેશન, શારીરિક સમસ્યાઓ અને અસહ્ય દર્દનું જોખમ વધી ગયું છે.
માસિક ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓની કમી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિલાઓ વિસ્થાપનને કારણે ભીડભાડની સ્થિતિમાં જીવી રહી છે, જેમાં ન તો કોઈ પ્રાઇવેસી છે, ના પાણી છે..કે ન માસિક ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓ જેમકે સેનેટરી નેપકીન અને ટેમ્પોન, તેમની કમીને કારણે સ્ત્રીઓ તેમના પીરિયડ્સ દરમિયાન નોરેથિસ્ટેરોન ગોળીઓ લે છે - જે સામાન્ય રીતે માસિક ધર્મ રક્તસ્રાવ, એન્ડોમેટ્રિઓસિસ અને પીડાદાયક સમયગાળા જેવી પરિસ્થિતિઓ માટે સૂચવવામાં આવે છે.
ગાઝાના લગભગ 14 લાખ લોકો વિસ્થાપિત
ઑક્ટોબર 7ના હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા બાદ ગાઝા પટ્ટીમાં લગભગ 1.4 મિલિયન લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. તેઓ યુએન દ્વારા સંચાલિત શાળાઓમાં સાંકડી અને અસ્વચ્છ જગ્યાઓમાં યજમાન પરિવારો કે પછી સંબંધીઓ સાથે રહે છે, જ્યાં મહિલાઓની પ્રાઇવેસી બિલકુલ સચવાતી નથી. મહિલાઓનું કહેવુ છે કે મિસાઇલ અને મોતથી તો સારુ છે કે માસિક ધર્મનું દર્દ સહન કરીએ અને તેને રોકવા માટે ગોળીઓનો સહારો લઇએ
અત્યાર સુધીમાં 8,500 થી વધુ પેલેસ્ટિનિયનના મોત
ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 8,500 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઉત્તરી ગાઝા અને ગાઝા શહેર છોડવા માટે ઈઝરાયેલી સૈન્ય દ્વારા રહેવાસીઓને વારંવારની ચેતવણીને કારણે રાહત શિબિરોમાં વિસ્થાપિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન, દક્ષિણ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે.