Weather Update : હવામાનમાં ફેરફાર, તીવ્ર ઠંડી માટે તૈયાર થઇ જાઓ, જાણો તમારા રાજ્યમાં કેવું રહેશે Weather...
દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો છે. આ પછી ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે અને હવે લોકોએ કડકડતી શિયાળા માટે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. વરસાદ બાદ પ્રદૂષણમાંથી રાહત મળશે તેવી અપેક્ષા હતી પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં AQI હજુ પણ 350 આસપાસ છે.
મંગળવારે દિલ્હીમાં કેવું રહેશે હવામાન?
સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સોમવારે નોંધાયેલ મહત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સિઝનની સરેરાશ કરતા બે ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતા ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. હવામાનશાસ્ત્રીઓએ મંગળવારે આંશિક વાદળછાયું આકાશ અને સવારે હળવાથી મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 25 ડિગ્રી સેલ્સિયસ અને 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
#WATCH | Air quality improves slightly in Delhi with the rainfall the city received yesterday. Visuals from Lodhi Road area where the air quality is in the 'Poor' category as per SAFAR - India.
Visuals shot around 6:50 am) pic.twitter.com/HVTIw3WPEa
— ANI (@ANI) November 28, 2023
દિલ્હીવાસીઓને પ્રદૂષણથી રાહત મળી નથી
વરસાદ પછી પણ દિલ્હીમાં રહેતા લોકોને પ્રદૂષણમાંથી રાહત મળી નથી અને સરેરાશ AQI હજુ પણ 350 ની આસપાસ છે. આજે (28 નવેમ્બર) સવારે, દિલ્હીના આનંદ વિહારમાં AQI 375, વિવેક વિહારમાં 414, લોધી રોડમાં 339, ITOમાં 436, આરકેપુરમમાં 390, પુસામાં 368 અને મથુરા રોડમાં 325 નોંધાયો હતો. જ્યારે દિલ્હીને અડીને આવેલા નોઈડામાં AQI 309, ગાઝિયાબાદમાં 296, ફરીદાબાદમાં 275 અને ગુરુગ્રામમાં 265 છે. અગાઉ સોમવારે, દિલ્હીનો 24-કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સાંજે 4 વાગ્યે 395 અને રાત્રે 9 વાગ્યે 391 નોંધાયો હતો. રવિવારે સાંજે 4 વાગ્યે સરેરાશ AQI 395 નોંધાયો હતો.
ખરાબ હવામાનને કારણે દિલ્હીથી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે
ખરાબ હવામાનને કારણે સોમવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર ઉતરતી 16 ફ્લાઈટને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી હતી. માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આ ફ્લાઈટોને સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે 'ડાઈવર્ટ' કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે 10 ફ્લાઈટ જયપુર, ત્રણ લખનૌ, બે અમૃતસર અને એક અમદાવાદ મોકલવામાં આવી હતી. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયાની પાંચ ફ્લાઈટને અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમાંથી સિડનીથી આવતી ફ્લાઈટને જયપુર મોકલવામાં આવી છે.
ગુજરાતમાં વીજળી પડવાથી 27 લોકોના મોત થયા છે
ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી 27 લોકોના મોત થયા છે. વરસાદને કારણે ઘરો અને ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજળી સંબંધિત મૃત્યુ રવિવાર સવારથી શરૂ થતાં 24 કલાકના ગાળામાં થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. સૌથી વધુ મૃત્યુ દાહોદ, તાપી, ડાંગ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયા છે. વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદથી ઘરો અને ઉભા પાકને પણ નુકસાન થયું છે, જેની આકારણી કરવામાં આવશે.
મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ
મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં સોમવારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. સોમવારે સવારે 8.30 વાગ્યે પૂરા થતા 24 કલાકના સમયગાળા દરમિયાન વીજળી પડવાની પણ જાણ થઈ હતી. IMDના ભોપાલ કેન્દ્રના વરિષ્ઠ હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ મધ્ય પ્રદેશના ઈન્દોર અને ભોપાલ શહેરોમાં અનુક્રમે 51 mm અને 3.6 mm વરસાદ નોંધાયો છે. સોમવારે સવારે 8.30 કલાકે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં, ઝાબુઆ જિલ્લામાં સૌથી વધુ 110.3 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બરવાની જિલ્લામાં 109 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો થોડે અંશે ગગડ્યો છે, જેના કારણે દિવસનું વાતાવરણ થોડું ઠંડું થયું છે.
આ પણ વાંચો : દેવ દિવાળીની ધામધૂમથી ઉજવણી,12 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું કાશી,CM યોગી આદિત્યનાથ રહ્યા હાજર