NEET પેપર કાંડનું હવે મહારાષ્ટ્ર કનેક્શન આવ્યું સામે, વાંચો અહેવાલ
NEET પેપર કાંડના કારણે આખો દેશ હચમચી ગયો છે. NEET પેપર કાંડમાં સરકાર પણ હવે સફાળી જાગી છે અને એક્શન મોડમાં આવી છે. દરરોજ આ મામલે અલગ અલગ ખુલાસા સામે આવી રહ્યા છે. હવે આજે આ મામલે મોટી ખબર સામે આવી રહી છે. પેપર લીકની આ ગેંગ આખા દેશમાં ફેલાયેલી હોય તેવું લાગી રહ્યું છે. આ કેસમાં હવે મહારાષ્ટ્ર કનેક્શન સામે આવ્યું છે. મહારાષ્ટ્રની નાંદેડ એટીએસે લાતુરમાંથી બે શિક્ષકોની અટકાયત કરીને પૂછપરછ કર્યા બાદ છોડી મૂક્યા છે. બંનેની લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવે ત્યારે હાજર થવાની શરતે એટીએસે બંનેને મુક્ત કર્યા છે. મહારાષ્ટ્ર પહેલા NEET પેપર કાંડને બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન સાથે જોડવામાં આવ્યું હતું.
NEET પેપર કાંડનું મહારાષ્ટ્ર કનેક્શન
NEET પેપર કાંડના તાર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે. મહારાષ્ટ્રના લાતૂરમાંથી એક શિક્ષક અને સોલાપુરની જિલ્લા પરિષદ શાળાના એક શિક્ષકની અટકાયત કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે આ બે શિક્ષકો આ પેપર લીક કેસમાં સામેલ હોઈ શકે છે. તેમની અટકાયત કરાયા બાદ તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા બંને આરોપીઓ લાતુરમાં ખાનગી કોચિંગ સેન્ટર પણ ચલાવે છે. આ શિક્ષકોને પૂછપરછ બાદ બોલાવવામાં આવે ત્યારે હાજર થવાની શરતે એટીએસે બંનેને મુક્ત કર્યા છે.
NEET-UG હેરાફેરી કેસની તપાસ CBI ને સોંપાઈ
નોંધનીય છે કે, NEET પેપર કાંડમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે સુબોધ કુમાર સિંહને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિર્દેશકના પદ પરથી હટાવ્યા છે. તેમના સ્થાને પ્રદીપ સિંહ ખારોલાને નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કમાન સોંપવામાં આવી છે. વધુમાં સરકારે આજે યોજાનારી પરીક્ષાને સ્થગિત કરી દીધી છે. ત્રીજા મોટા નિર્ણયમાં સરકારે NEET-UG હેરાફેરી કેસની તપાસ CBI ને સોંપી છે. હવે આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ વેકર્યો છે, માટે હવે આગળ જોવાનું રહ્યું કે આ મામલે કેવા નવા ખુલાસા થાય છે.
આ પણ વાંચો : BIHAR માં વધુ એક વિકાસનો પૂલ થયો ધરાશાયી, 1.5 કરોડનો ખર્ચ થયો ધૂળ-ધાણી