Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

15,666 કન્યાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ.453 કરોડથી વધુની આર્થિક સહાય

રાજ્યના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂ.1800 કરોડથી વધુની સહાય 15,666 કન્યાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ.453 કરોડથી વધુની આર્થિક સહાય SHODH યોજના હેઠળ 2676 વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય સંશોધન માટે આર્થિક સહાય ગુજરાતમાં આજે...
15 666 કન્યાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ 453 કરોડથી વધુની આર્થિક સહાય
  • રાજ્યના 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂ.1800 કરોડથી વધુની સહાય
  • 15,666 કન્યાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ.453 કરોડથી વધુની આર્થિક સહાય
  • SHODH યોજના હેઠળ 2676 વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય સંશોધન માટે આર્થિક સહાય
ગુજરાતમાં આજે શિક્ષણ સાર્વત્રિક અને ગુણવત્તાયુક્ત બન્યું છે. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા વગેરે જેવી યોજનાઓને કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર તો સુધર્યું જ છે, પરંતુ ગુજરાત આજે ઉચ્ચ અને તકનીકી શિક્ષણનું કેન્દ્ર બનવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નેતૃત્વમાં રાજ્યમાં આજે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ઉપરાંત, સંશોધન અને સર્જનાત્મકતા તેમજ વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ પર પણ ભાર મૂકવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂરી આર્થિક સહાય મળે તે માટે રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY),  મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અને સ્કિમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વૉલિટી રિસર્ચ (SHODH) યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ યોજનાઓના નક્કર અમલીકરણને કારણે આજે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને પોતાના સપનાંઓ સાકાર કરી રહ્યા છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.1800 કરોડથી વધુની સહાય
ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ગુજરાતના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં છે, જે હેઠળ રૂ.6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ/ટેક્નોલોજી, ફાર્મસી, આયુર્વેદ, નર્સિંગ, પેરા મેડિકલ, ડિપ્લોમા, બીએસસી, બીકોમ, બીસીએ, બીબીએ, બીએ વગેરે જેવા શૈક્ષણિક અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ મર્યાદા, એ પૈકી જે ઓછું હોય તે આર્થિક સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23માં 70,000ના લક્ષ્યાંક સામે 70,085 વિદ્યાર્થીઓને રૂ.373 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આમ, 100.12% સાથે આ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 72,500 વિદ્યાર્થીઓને રૂ.375 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં 22, 813 વિદ્યાર્થીઓને રૂ.144.60 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ થયાથી અત્યારસુધીમાં કુલ 4,21,341 વિદ્યાર્થીઓને રૂ.1884.88 કરોડની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
ગુજરાતની 15,000થી વધુ વિદ્યાર્થિનીઓનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર
મેડિકલ ક્ષેત્રે (MBBS) અભ્યાસ કરતી કન્યાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, રૂ.6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ NEET ના આધારે MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત, MBBSમાં અભ્યાસ કરતી કન્યાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ 50% ટ્યુશન ફી સહાય ઉપરાંત, બાકી રહેલ 50% ટ્યુશન ફી માટે સહાય રૂ.6 લાખની મર્યાદામાં આપવામાં આવે છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત, નાણાકીય વર્ષ 2022-23ના 3750 વિદ્યાર્થિનીઓને રૂ.130 કરોડની સહાયના લક્ષ્યાંકની સામે, 3850 વિદ્યાર્થિનીઓને રૂ.135 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આમ, 102.66% સાથે આ યોજનાનો વર્ષ 2022-23નો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 4000 વિદ્યાર્થિનીઓને રૂ.140 કરોડની સહાયનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ 2393 વિદ્યાર્થિનીઓને રૂ.81.49 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના શરૂ થયેથી અત્યારસુધીમાં કુલ 15,666 કન્યાઓને રૂ.453.87 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે રાજ્ય સરકારની SHODH યોજના
ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે ગુજરાતમાં સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વૉલિટી રિસર્ચ સ્કીમ (SHODH) યોજના અમલી છે, જે હેઠળ ગુજરાતની માન્ય સરકારી, સેક્ટોરલ કે ખાનગી યુનિવર્સિટીમાં અથવા રિસર્ચ સંસ્થાઓના પીએચડી કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઇમ રિસર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2022-23 માં 1921 વિદ્યાર્થીઓને રિસર્ચ માટે રૂ.22 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે 2000 વિદ્યાર્થીઓને રૂ.40 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનાઓમાં જ 1921 વિદ્યાર્થીઓને રૂ.9.40 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આજ દિન સુધીમાં આ યોજના હેઠળ કુલ 2676 વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય રિસર્ચ માટે રૂ.66.78 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ સુલભ બને અને તેઓ પોતાના ઉચ્ચ ક્વૉલિફિકેશન સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો---SURAT : DUMAS BEACH ના ડેવલપમેન્ટને મંજૂરી, મરીનની થીમ પર બનનારૂ સ્કલ્ચર રહેશે આકર્ષણનું કેન્દ્ર
Advertisement
Tags :
Advertisement

.