Surat: મિત્ર પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! નફાની લાલચે રૂપિયા 5 કરોડની છેતરપિંડી
Surat: સુરતના એક ડોકટરે એમ્બ્યુલન્સ સર્વિસના નામે અમદાવાદના મિત્રને રોકાણ કરાવી સારા વળતરની લાલચ આપીને રોકાણ કરાવીને રૂપિયા લઇને રોકાણ કરેલા રૂપિયા અને વળતર ન આપી છેતરપિંડી કરનારા 2 આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. મિત્રતાના સંબંધોને શરમાવે તેવી એક ઘટના સુરતથી સામે આવી છે. અહીં એક મિત્ર મિત્રતાના નામે કરોડોની છેતરપિંડી કરી ગયો છે. તો ચાલો જાણીએ કે, કોણ છે આરોપીઓ અને શું હતી આરોપીની મોડેસ ઓપરેન્ડી...
નફાની લાલચ આપીને રૂપિયા 5 કરોડ 75 લાખની છેતરપિંડી
ડોક્ટરનો અભ્યાસ સાથે કરતા મિત્રએ મિત્રને સાથે સારા નફાની લાલચ આપીને રૂપિયા 5 કરોડ 75 લાખની છેતરપિંડી કરી. વર્ષ 2019 પહેલા સુરત કોર્પોરેશનની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.હાર્દિક પટવા અને અમદાવાદ ખાતે રહેતા ફરિયાદી જીગર શહેરવાળા બંને ડોક્ટરનો અભ્યાસ સાથે કરતા હતા. હાર્દિક પટવા 2019માં અમદાવાદના બાપુનગર ખાતે આવેલી શારદાબેન હોસ્પિટલ બહાર ફરિયાદી સાથે મુલાકાત કરીને એમ્બ્યુલન્સ સર્વિસમાં શરૂ કરી વધુ રૂપિયાની લાલચ આપી હતી.
નફાના બહાને કરોડોની છેતરપિંડી
લાલચ આપતા કહ્યું હતું કે, હું કોર્પોરેશનની હોસ્પિટલમાં ડોકટર છું એટલે મારા નામે નહીં પણ મારા બે મિત્ર હેમંત પરમારના નામે સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસ અને મયુર ગોસ્વામીના નામે યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસના નામે સર્વિસ ચાલુ કરી છે. જેમાં એક એમ્બ્યુલન્સની કિંમત 30 લાખ રૂપિયા અને તેમાં મહિને 60 હજારનો નફો મળે છે. આ બંને એમ્બ્યુલન્સ સર્વિસ મારી પોતાની જ છે તેમ જણાવીને રોકાણ કરાવ્યું હતું.
રૂપિયા ન અપાતા EOW ખાતે ફરિયાદ દાખલ કરાવી
અમદાવાદના જીગર શહેરવાળાને રોકાણ માટે કહ્યા બાદ તેને 1 કરોડ 62 લાખ 99 હજાર પોતાના અને મિત્ર તથા સંબંધીઓ પાસેથી 4 કરોડ 12 લાખ 50 હજાર રૂપિયા નવેમ્બર 2019થી 23-8-2023 સુધી અલગ અલગ રીતે રોકાણ કરાવ્યું અને સામે અમુક રૂપિયા વળતર પેટે પાછા આપ્યા બાદ રૂપિયા આપવાનું બંધ કર્યું હતું. જેને લઇને ફરિયાદી સુરત ખાતે જતા ત્યાં લેખિતમાં બાહેધરી આપી ભરોષો જીત્યા અને તેમ છતાં રૂપિયા ન અપાતા EOW ખાતે ફરિયાદ દાખલ કરાવી હતી. જે તપાસના આધારે EOW ક્રાઈમ બ્રાન્ચે હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી અને ફરાર આરોપી હાર્દિક પટવાની શોધખોળ હાથ ધરી છે. જોકે હાર્દિક પટવા સામે સુરત EOW ક્રાઈમ બ્રાન્ચ ખાતે પણ એક ગુનો નોંધાયેલો છે.
આરોપી હાર્દિક પટવા છેલ્લા 1 વર્ષથી ફરાર
EOW ક્રાઈમ બ્રાન્ચે દ્વારા લોકોને પણ અપીલ કરી છે કે, આ પ્રકારે તમારી સાથે કોઈ ફ્રોડ કર્યું હોય તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવો સાથે બંને આરોપીની ધરપકડ બાદ અન્ય કોઈ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપી હાર્દિક પટવા છેલ્લા 1 વર્ષથી ફરાર છે. તો તે ક્યાં છે તેની પણ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અત્યારે ફરિયાદો પોતાની સાથે કરોડોની છેતરપિંડીને લઈને ભારે પરેશાન થઈ રહ્યો છે.