જૂનાગઢમાં પોસ્ટ સપ્તાહની ઉજવણી, જાણો પોસ્ટના ઇતિહાસ અને સંગ્રહની રસપ્રદ વાતો
અહેવાલ - સાગર ઠાકર , જુનાગઢ
9 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી સમગ્ર વિશ્વમાં પોસ્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત જૂનાગઢમાં પણ પોસ્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢના મજેવડી દરવાજા ખાતે આવેલ એન્ટીક કોઈન મ્યુઝિયમમાં એક સપ્તાહ સુધી પોસ્ટ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના સંગ્રાહક ડો. યુસુફખાન તુર્ક છેલ્લા 35 વર્ષથી વિવિધ પોસ્ટ કવર, ટીકીટ વગેરેનો સંગ્રહ કરે છે. દેશની આઝાદીથી લઈને અત્યાર સુધીની વિવિધ ટીકીટ અને પોસ્ટ કવરનો તેમની પાસે દુર્લભ સંગ્રહ છે. આજની યુવા પેઢી પોસ્ટના ગૌરવવંતા ઈતિહાસને જાણે તે હેતુ તેમના સંગ્રહની પ્રદર્શની યોજવામાં આવી રહી છે. ટપાલ ટીકીટોના શોખની સાથે સામાન્ય જ્ઞાન અને ઈતિહાસની યાદગીરી રૂપે પ્રદર્શની ખુબ જ રસપ્રદ છે અને ભારતીય પોસ્ટના ઈતિહાસને ઉજાગર કરે છે.
આધુનિક યુગમાં મોબાઈલનો જમાનો આવતા હવે પોસ્ટ કાર્ડ વિસરાઈ ગયા
નારદજીને દેવોના સંદેશાવાહક કહેવાય છે. પૌરાણિક સમયમાં લોકો સંદેશાની આપલે માટે પોતાના વિશ્વાસુ લોકોને દૂત તરીકે સંદેશો આપવા માટે મોકલતા, રજવાડાના સમયમાં કબૂતર અને અશ્વો જેવા પ્રાણીઓનો પણ સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો, સમયાંતરે સંદેશાવ્યવહારમાં ધીમે ધીમે અનેક ફેરફારો આવ્યા, પ્રગતિ થઈ અને જમાના પ્રમાણે સુધારા વધારા થતાં રહ્યા. સંદેશા વ્યવહારમાં ટપાલ મોકલવાની શરૂઆત થઈ અને તેમાં પણ સમયાંતરે ઘણો વિકાસ થયો, પરંતુ જેમ જેમ જમાનો બદલાયો અને આધુનિક યુગ આવતાં ટેલીફોન અને બાદમાં મોબાઈલનો જમાનો આવી જતાં હવે આધુનિક યુગમાં પોસ્ટ કાર્ડ વિસરાઈ ગયા છે ત્યારે પોસ્ટના ગૌરવવંતા ઈતિહાસને આજની યુવા પેઢી જાણે, એક ઈતિહાસ ઉજાગર થાય અને જ્ઞાનમાં પણ વધારો થાય તેવા હેતુથી પોસ્ટ પ્રદર્શની યોજાઈ રહી છે.
વિશ્વમાં પોસ્ટ ક્ષેત્રે ભારત સૌથી મોખરે
9 ઓક્ટોબર વિશ્વ ટપાસ દિવસ અને 10 ઓક્ટોબર રાષ્ટ્રીય ટપાલ દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં પોસ્ટનો ઈતિહાસ અઢીસો વર્ષથી પણ વધુ જૂનો છે. સમગ્ર વિશ્વમાં પોસ્ટ ક્ષેત્રે ભારત સૌથી મોખરે છે દેશમાં દોઢ લાખથી વધુ પોસ્ટ ઓફીસ છે, જેમાં વિશ્વની સૌથી ઉંચાઈ પર આવેલી પોસ્ટ ઓફીસ ભારતમાં છે અને પાણીમાં તરતી પોસ્ટઓફીસ પણ ભારતમાં છે. વળી એર પોસ્ટલ સેવાનો પ્રારંભ પણ ભારતમાંથી જ શરૂ થયો હતો, આમ આપણાં ભારત દેશનો પોસ્ટ ક્ષેત્રે ગૌરવવંતો અને રસપ્રદ ઈતિહાસ છે.
ઈ.સ. 1874 માં સ્વીટ્ઝર્લેન્ડમાં યુનિવર્સલ પોસ્ટ્સ યુનિયનની શરૂઆત થઈ. ઈ.સ. 1969 માં ટોકીયો જાપાનમાં 9 ઓક્ટોબરના રોજ યુનિવર્સલ પોસ્ટ્સ યુનિયન દ્વારા વિશ્વ ટપાલ દિવસ જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવાય છે. જેનો પ્રસ્તાવ પણ ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય આનંદ મોહન નરૂલાએ રજૂ કર્યો હતો, પોસ્ટ સેવાના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ઈ.સ. 1766 માં મર્યાદિત વિસ્તાર પુરતી ટપાલ સેવા શરૂ થઈ હતી બાદમાં ઈ.સ. 1774 માં કોલકાતામાં પ્રથમ પોસ્ટ ઓફીસની વિધિવત શરૂઆત થઈ હતી અને આજે દેશમાં દોઢ લાખથી વધુ પોસ્ટ ઓફીસનું નેટવર્ક ઉપલબ્ધ છે. જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું પોસ્ટ ઓફીસ નેટવર્ક છે.
એક સમય હતો કે જ્યારે લોકો પત્ર વ્યવહાર થકી સંદેશાનું વહન કરતાં, પોસ્ટકાર્ડ લખતાં, જાહેર ન કરવા જેવી કે કોઈ વાંચી ન શકે તે રીતે સંદેશો મોકલવા આંતરદેશીય પત્ર લખતાં, દિવાળી જેવા તહેવારો સમયે બુકપોસ્ટથી શુભેચ્છા પાઠવતા કાર્ડ મોકલવામાં આવતાં, બંધ કવરમાં પ્રેમપત્રો મોકલવામાં આવતાં. આમ અનેકવિધ રીતે પોસ્ટના માધ્યમથી લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં હતા. પોસ્ટમેનની રાહ જોવાતી કે કોઈ સ્વજનનો સંદેશ આવ્યો હશે અને ફરી તેને પ્રત્યુત્તર આપવાનો ઉત્સાહ રહેતો, આજે જમાનો બદલાઈ ગયો છે, સંદેશાની આપલે આધુનિક થઈ ગઈ છે, મોબાઈલ પર સોશ્યલ મિડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી દેવાય છે, જેમાં ઝડપની સાથે સંપર્ક તો વધી ગયા પરંતુ લાગણીઓ ઘટી ગઈ છે.
પ્રદર્શનીમાં આઝાદીના સમય થી લઈને હાલના સમય સુધીની ટપાલ ટીકીટ, પોસ્ટ કવર પ્રદર્શનમાં મુકાઇ
જૂનાગઢ એન્ટીક કોઈન મ્યુઝિયમ ખાતે યોજાયેલ પોસ્ટ પ્રદર્શનીમાં આઝાદીના સમયની એટલે કે ઈ.સ. 1947 થી લઈને હાલના સમય સુધીની ટપાલ ટીકીટ, પોસ્ટ કવર વગેરે પ્રદર્શનમાં મુકવામાં આવી છે, જેમાં દુર્લભ કહી શકાય તેવા પોસ્ટ કવર અને ટીકીટ જોવા મળે છે. અહીં પ્રદર્શિત પોસ્ટ કવર અને ટીકીટ ફર્સ્ટ ડે ઈશ્યુ એટલે કે જે દિવસે એ કવર અને ટીકીટ બહાર પાડવામાં આવ્યા તે એક જ દિવસ પુરતી તે હતી અને તે જ દિવસનો તેમાં સિક્કો લાગેલો હતો. અહીં પ્રદર્શિત ટીકીટ અને કવરમાં ભારતનો સ્વતંત્રતા સંગ્રામ, ગાંધીજી તથા અન્ય રાજનેતાઓ, મહાપુરૂષો, સંતો, યુગપુરૂષો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સમાજ સુધારકો, મહત્વની આંતરરાષ્ટ્રીય રાજકીય બેઠકો, ભારતનો ઐતિહાસિક વારસો, જંગલો, સંપત્તિ વગેરે વિષયો પર આધારીત પોસ્ટ કવર અને ટપાલ ટીકીટ પ્રદર્શિત કરવામાં આવ્યા, જૂનાગઢના ડો. યુસુફખાન તુર્ક કે જેઓ છેલ્લા 35 વર્ષથી આ ટપાલ ટીકીટ અને પોસ્ટ કવરનો સંગ્રહ કરી રહ્યા છે તેમના સૌજન્યથી એન્ટીક કોઈન મ્યુઝિયમ ખાતે આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે, આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર એવા આર્મિ પોસ્ટ એટલે કે સેના માટેના તે સમયે ખાસ અલગ થી પોસ્ટ કવર તૈયાર કરવામાં આવતાં જેને પણ અહીં પ્રદર્શનમાં મુકાય છે, સરહદ પર ફરજ બજાવતા સેનાનીઓને સાથે તેમના પરિવારજનો જ્યારે સંદેશા વ્યવહાર કરતાં ત્યારે ખાસ સેના માટે તૈયાર કરવામાં આવેલા કવરમાં આ ટપાલો જતી હતી.
આમ અનેકવિધ રીતે પોસ્ટ પ્રદર્શન લોકો માટે જોવા લાયક છે, આ પ્રકારના પોસ્ટ પ્રદર્શનનો હેતુ તો યુવા પેઢીને પોસ્ટની કામગીરી થઈ વાકેફ કરવાનો અને જ્ઞાન તથા ઈતિહાસ જાણવાનો છે, જેમના માટે આ શોખનો વિષય છે તેમના માટે તો આ પ્રદર્શન રસપ્રદ છે જ પરંતુ આ એક ઐતિહાસિક ધરોહર પણ છે કારણ કે સમગ્ર વિશ્વમાં ભારતમાં જ પોસ્ટ સર્વિસનો સૌથી વધુ વ્યાપ છે, ભલે આજે લોકો પોસ્ટકાર્ડનો ઉપયોગ કરતા ન હોય પરંતુ ટપાલ ટીકીટનો સંગ્રહ આજે લોકોનો શોખ બનતો જાય છે, એન્ટીક કોઈન મ્યુઝિયમનું સંચાલન કરતી સંસ્થા સવાણી હેરીટેજ કન્ઝર્વેશન કંપની દ્વારા આ પ્રદર્શની માટે કોઈ શુલ્ક લેવામાં આવતો નથી, 15 ઓક્ટોબર સુધી આ પ્રકારની વિવિધ પોસ્ટ સબંધિત જાણકારી લોકો સુધી વધુમાં વધુ પહોંચે તેવા હેતુ સાથે કંપની પણ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહી છે અને પોસ્ટ સેવાઓને બિરદાવવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
કેવી કેવી ટપાલ ટીકીટ અને પોસ્ટ કવરનો સંગ્રહ છે આ પ્રદર્શનીમાં
૧૯૪૭ ફર્સ્ટ ડે ઈશ્યુ આઝાદી સમયની ટીકીટ
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ
૧૯૪૮ આઝાદીના એક વર્ષ પૂર્ણ થતાં ગાંધીજીના ચિત્ર વાળી ટીકીટ
ગણતંત્ર ભારત
પંચાયતી રાજ
ઈન્ડીયન એર ફોર્સ સિલ્વર જ્યુબીલી
સ્ટીલ ઈન્ડસ્ટ્રી ના ૫૦ વર્ષ પૂર્ણ
પ્રથમ એશિયન ગેમ્સ
ગૌહાટી ઓઈલ રિફાઈનરી
૧૯ મી રેડ ક્રોસ કોન્ફરન્સ
ઓલિમ્પિક ગેમ્સ
ત્યાગરાજ આરાધના દિવસ
પ્રથમ એર મેલની શરૂઆત
બાળ દિવસ
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન
ઓલ ઇન્ડિયા રેડિયો
ફોરેસ્ટ સેન્ટેનરી
ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ ફેર
કાશી વિદ્યાપીઠ
માઉન્ટ એવરેસ્ટ
કલકત્તા હાઈકોર્ટ
રેલ્વે
યુનાઈટેડ નેશન
યુનેસ્કો
સેન્સસ સેન્ટેનરી
ફેલાટેલીક પ્રદર્શની
ટેલીકમ્યુનિકેશન યુનિયન
વાઈલ્ડ લાઈફ પ્રિઝર્વેશન
ચેમ્બર ઓફ કોમર્સ કોંગ્રેસ
ઘઉં ઉત્પાદન
ફેમિલી પ્લાનિંગ વીક
બેંગકોક ખાતે પાંચમી એશિયન ગેમ્સ માં હોકીમાં ભારતનો વિજય
અમૃતા બજાર પત્રીકા
તાજમહેલ
ઈન્ડો યુરોપિયન ટેલીગ્રાફ સર્વિસ
ભારતના પક્ષીઓ
જલિયાંવાલા બાગ
-----------------------
મેડમ ભીખાઈજી કામા
સ્વામી દયાનંદ સરસ્વતી
બીપીન ચંદ્ર પાલ
ધોંદો કેશવ કાર્વે
ડો. વિક્રમ સારાભાઈ
મહર્ષિ અરવિંદ
એસ. રામાનુજન
ડો. એમ. વિશ્વેશ્વર્ય
છત્રપતિ શિવાજી મહારાજ
રમાબાઈ રાનડે
ડો. રાજેન્દ્ર પ્રસાદ
કવિ કાલિદાસ
આચાર્ય પ્રફુલચંદ્ર રાય
સંત રવિદાસ
સ્વામી વિરજાનંદ
અવનીન્દ્રનાથ ટાગોર
રમણ મહર્ષિ
ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર
વી.એસ.શ્રીનિવાસ શાસ્ત્રી
જમનાલાલ બજાજ
નારાયણ ગુરૂ
મહારાણા પ્રતાપ
આશુતોષ મુખર્જી
સરોજીની નાયડુ
કસ્તુરબા ગાંધી
ગોવિંદ વલ્લભ પંત
સરદાર વલ્લભભાઈ પટેલ
ગોપાબંધુ દાસ
લાલા લજપતરાય
દાદાભાઈ નવરોજી
સેંટ થોમસ
એન્ની બેસન્ટ
ગગનેન્દ્રનાથ ટાગોર
સ્વામી રામતીર્થ
મૌલાના અબુલ કલામ આઝાદ
ગુરૂ ગોવિંદ સિંહ
બસવેશ્વર
નરસિંહ મહેતા
લાલ બહાદુર શાસ્ત્રી
મહર્ષિ કમ્બર
ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાવીર પ્રસાદ દ્વિવેદી
લક્ષ્મણરાવ કિર્લોસ્કર
ડો. ઝાકીર હુસૈન
કાંજીવરમ નટરાજન અણ્ણાદુરે
મુન્શી નવલ કિશોર
સાધુ વાસવાણી
શહીદ ભગતસિંહ
કાશીનાધુની નાગેશ્વર રાવ પંતુલુ
વ્લાદિમીર લેનિન
લૂડવિગ બિથોવન
આ પણ વાંચો -- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક