Naroda Jugardham: નરોડામાં ચાલતા જુગારધામ પર PCB ના દરોડા, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ
Naroda Jugardham: જુગારનું દુષણ સતત વધી રહ્યું છે, ગુજરાતમાં જુગાર રમતા અનેક લોકો પકડાય છે. ત્યારે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ખેતરમાં ચાલતા જુગારના અડ્ડા પર PCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અહીં મનપસંદ અને ઈસનપુર જિમખાના કરતાં વધારે લોકો જુગાર રમવા આવતા હતા. નોંધનીય છે કે, 25 જેટલા જુગારીઓ પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી ગયા હતા. જો કે, જુગારના અડ્ડા પર દરોડા દરમિયાન 15 લોકો પકડી લેવાયા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સલમાન મન્સૂરી નામનો વ્યક્તિ ચલાવતો હતો આ જુગારધામ
નોંધનીય છે કે, લગ્નમાં બાંધવામાં આવતા મંડપ જેવા મંડપ બાંધી જુગાર રમાડતો હતો. નરોડાના આ ખેતરમાં સલમાન મન્સૂરી નામનો વ્યક્તિ આ જુગારધામ ચલાવતો હતો. મળતી વિગતો પ્રમાણે ઝપાઝપી કરીને ભાગી ગયેલા જુગારીઓના મોબાઈલ અને વાહનોના આધારે ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે. આ સાથે PCBએ રેડ દરમિયાન રોકડ, મોબાઈલ અને વાહનો મળી 6.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે અન્ય ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસની જાણ બહાર આવડું મોટું જુગારધામ ન ચાલી શકેઃ સૂત્રો
મળતી વિગતો પ્રમાણે જુગારધામ (Naroda Jugardham) પર અત્યાર સુધી કાર્યવાહી ન થતાં તપાસ વધુ તેજ કરી છે. સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહીં છે કે, નરોડા પોલિસ સ્ટેશનના પીઆઈ અને ડી સ્ટાફ પીએસઆઈ સામે તપાસ કરવા આદેશ કરવામાં આવ્યા છે. સ્વાભાવિક છે કે, સ્થાનિક પોલીસની જાણ બહાર આવડું મોટું જુગારધામ ન ચાલી શકે. આ સાથે એવી પણ તપાસ કરવામાં આવી રહીં છે કે, છેલ્લા કેટલાક સમયથી જુગારધામ આ ચાલતું હતું. આખરે કેમ સ્થાનિક પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં નથી આવી તે અંગે પણ તપાસના આદેશ કરવામાં આવ્યાં છે.