પાટણ : જીગ્નેશ મેવાણીએ આપી ચીમકી, જો પોલીસ આટલું નહીં કરે તો...
પાટણના કાકોશી મુકામે દલિત સમાજના યુવાન કીર્તિ વણકર પર થયેલ હુમલાના મામલે દલિત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ક્રિકેટની રમત રમવાના મુદ્દે ઝગડો થતાં, તલવારથી અંગુઠો અને અડધો હાથ કાપી નાખ્યાની ઘટના બની હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડીયાએ આજે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તને મળવા પહોંચ્યા હતા.
હોસ્પિટલની મુલાકાતે આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 24 કલાક વિતવા છતા માત્ર ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી 40 થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. આગામી 48 કલાકમાં આરોપીઓની ધરપકડ ન થાય તો પાટણ બંધની જાહેરાત કરવાની જીગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે. જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે બપોરે 12:00 કલાકે ડીજીપીને આ મુદ્દે અમે રજૂઆત કરીશું. આઠ વર્ષના એક બાળકે દડો આપવાની ના પાડતા 40 લોકોના ટોળાએ ભેગા થઈને તેમના પર હુમલો કર્યો હતો જેમાં કીર્તિ વણકર નામના યુવાનનો અંગૂઠો કપાયો તેના પેટમાં છરીના ઘા મારીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં આ ઘટનામાં કલમ 120 બી કલમ 307 નો ઉલ્લેખ કરાયો નથી.
જીગ્નેશ મેવાણીએ પાટણ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, આરોપીઓને નાસ્તા ફરવાનો અને આગોતરા જામીન કરવા માટેનો સમય ફાળવાતો હોય તેવું પાટણ પોલીસનું વલણ દેખાઈ રહ્યું છે. વધુમાં મેવાણી એ કહ્યું કે, દારૂ જુગારના અડ્ડાનું લાયસન્સ કોને ક્યારે કઈ જગ્યાએ આપ્યું તેનું સંપૂર્ણ જ્ઞાન પાટણ પોલીસ ધરાવે છે પરંતુ હજુ સુધી પાઇપ તલવારોથી હુમલો કરવાવાળા 40 જેટલા આરોપીઓ પોલીસને મળતા નથી. આગામી 48 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે નહીંતર પાટણ બંધનું એલાન આપવું પડશે તેવી વોર્નિંગ પણ આપી હતી.
અહેવાલ : સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો : જેતપુરમાં બન્યો લવ જેહાદનો કિસ્સો, અમરેલીના 2 લઘુમતી યુવાનોની ધરપકડ