ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણતાના આરે, ચાલુ વર્ષે 13.34 લાખથી વધુ ભાવિકો આવ્યા
અહેવાલ - સાગર ઠાકર
કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધીની ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણતાના આરે છે, ચાલુ વર્ષે 13.34 લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં આવ્યા છે. જેમાંથી 12.87 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને હજુ 40 હજારથી વધુ ભાવિકો પરિક્રમા રૂટ પર છે. ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ભાવિકોએ ગિરનારની પરિક્રમાનો લ્હાવો લીધો.
ભૌગોલિક રીતે જ્વાળામુખીથી બનેલો ગિરનાર પર્વત હિમાલયથી પણ પુરાણો હોવાનું મનાઈ છે. આધ્યાત્મિક રીતે ભગવાન ગુરૂ દત્તાત્રેય જ્યાં એક યુગ એટલે કે સાડા બાર હજાર વર્ષ યોગ નિંદ્રામાં રહ્યા, જ્યાં નવ નાથ, ચોરાસી સિધ્ધો અને ચોસઠ જોગણીયુંના જ્યાં બેસણાં છે, સંત સૂરા અને સતિની ભૂમિ છે, જેના સાનિધ્યમાં જગવિખ્યાત ગીરના સાવજ છે. જ્યાં આદ્ય કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ થઈ ગયા એવો ગરવો ગઢ ગિરનાર કે જ્યાં ગિરનારને માત્ર પર્વત તરીકે નહીં પરંતુ દેવતા તરીકે પૂજવામાં આવે છે એવા ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે કારતક સુદ અગિયારસ એટલે કે દેવદિવાળી થી પૂનમ સુધી લીલી પરિક્રમા થાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગિરનારની પરિક્રમા કરી હતી, યુગો યુગો થી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે.
36 કીમીની આ પગપાળા થતી પરિક્રમા એક સમયે માત્ર સાધુ સંતો જ કરતાં પરંતુ સમય જતાં હવે લાખોની સંખ્યામાં ભાવિકો ગિરનારની પરિક્રમા કરે છે. શહેરના સુખ સુવિધા, ભાગદોડ અને તણાવ થી દૂર પ્રકૃતિના સાનિધ્યમાં જંગલની હરીયાળીમાં પક્ષીઓના કલરવ અને લહેતા ઝરણાં વચ્ચે થતી ગિરનારની લીલી પરિક્મા કરીને લોકો પુણ્યનું ભાથું બાંધે છે. સમય જતાં ગિરનારની પરિક્રમામાં સુવિધાઓમાં વધારો થતો ગયો અને ભાવિકોનો પ્રવાહ વધતો ગયો, એક સમયે માંડ કરીને બસો પાંચસો લોકો પરિક્રમા કરતાં ત્યાં આજે 10 લાખથી વધુની સંખ્યામાં માનવ મહેરામણ પરિક્મા માટે ઉમટી પડે છે અને ચાલુ વર્ષે રેકર્ડ બ્રેક 13 લાખથી વધુ ભાવિકોએ ગિરનારની લીલી પરિક્રમા કરી છે.
ગિરનારની લીલી પરિક્રમામાં સ્થાનિક લોકો તો જોડાય છે, સાથે દેશભરના ભાવિકો પણ પ્રકૃતિનો આનંદ માણવા આવે છે. દેવદિવાળીથી શરૂ થતી આ પરિક્રમા પૂનમના દિવસે પૂરી થાય છે ઘણાં ભાવિકો દેવદિવાળી પહેલાં થી જ યાત્રા શરૂ કરી દે છે તો મહારાષ્ટ્રના ભક્તો ચૌદશના દિવસે પરિક્રમા શરૂ કરીને પૂનમના દિવસે વહેલી સવારે યાત્રા પૂર્ણ કરી ગિરનાર પર્વત પર ભગવાન ગૂરૂ દત્તાત્રેયના પૂનમના દર્શન કરીને યાત્રા પૂર્ણ કરે છે. મરાઠી લોકો ભગવાન ગૂરૂ દત્તાત્રેયમાં મોટી આસ્થા ધરાવે છે અને પૂનમ ભરવા આવે છે ત્યારે પરિક્રમા સાથે પૂનમના દર્શનનું બેવડું પુણ્ય તેઓ મેળવે છે.
ચાલુ વર્ષે માવઠાંને કારણે પરિક્રમા પર અસર પડી, પરિક્રમા પૂર્ણ થવાના આગલા દિવસે કમોસમી વરસાદને કારણે મોટા ભાગના ભાવિકોએ એક દિવસ અગાઉ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. ચાલુ વર્ષે પરિક્રમા દરમિયાન દિપડાના માનવ પરના હુમલાની ઘટના પણ બની જેને લઈને વન વિભાગ દ્વારા એકલ દોકલ યાત્રીઓને જંગલમાં નહીં જવાને બદલે એકીસાથે ટોળામાં જવા માટે અપીલ કરવામાં આવી જેથી જાનહાનિ ટાળી શકાય અને પ્રાણીઓથી રક્ષણ રહે. આમ દિપડાના હુમલાની ઘટના અને કમોસમી વરસાદ છતાં પણ ભાવિકોની શ્રધ્ધા અડગ રહી અને ભરપુર આનંદ સાથે લાખોની સંખ્યામાં ભાવિકોએ ગિરનારની પરિક્રમા પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો -- ગીર સોમનાથના લોઢવા ગામનો વિપ્ર યુવક 1 હજાર લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે