Gujarat Police ને ગુમરાહ કરી Mafia અતિકે જેલમાં દબદબો જાળવ્યો
(અહેવાલ - બંકિમ પટેલ, અમદાવાદ)
ચાર-ચાર દસકની ક્રાઈમ સફર ખેડી ચૂકેલા ઉત્તર પ્રદેશના ડોન અતિક અહેમદ (Don Atiq Ahmed) ના અંત બાદ અનેક વાતો સામે આવી રહી છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ની એક એજન્સીને અતિ શાતિર માફિયા અતિક અહેમદે અનેક વખત આડા રસ્તે ચઢાવી ધાર્યા કામ કરાવી લીધા હતા. ગેંગસ્ટર અતિકની મદદથી ઉત્તર પ્રદેશની અંધારી આલમમાં ચાલતા ગોરખધંધાને નેસ્તનાબૂદ કરવા પોલીસ એજન્સી લગભગ ત્રણેક વર્ષ પ્રયત્નશીલ રહી. શરૂઆતમાં પોલીસને ઉત્તર પ્રદેશના ગુનેગારોના ગુજરાત કનેકશન (Gujarat Connection) અને રાજકીય કનેકશન (Political Connection) ની વિગતો પૂરી પાડી વિશ્વાસ હાંસલ કરી લીધો. પોલીસ એજન્સીનો વિશ્વાસ સંપાદીત થઈ જતાં અતિક ડબલ એજન્ટની ભૂમિકામાં આવી ગયો અને ખંડણી-સોપારીનો કારોબાર ફરી શરૂ કરી દીધો.
ખબરી બનવા છતાં જેલના હપ્તા યથાવત
પોલીસના ખબરી બની ગયેલા અતિક અહેમદને એકાદ વર્ષથી એક વાત ખૂબ ખૂંચતી હતી. ગુજરાત પોલીસના તાલે નાચતા અતિક પાસે ધાર્યા કામ કરાવવામાં આવતા હતા. ઉત્તર પ્રદેશની અંધારી આલમમાં જેના નામનો સિક્કો પડતો હતો તે અતિક ખૂદના લાભાર્થે પોલીસનો બાતમીદાર (Police Informer) બની ગયો. બીજી તરફ જેલમાં સુવિધા મેળવવા માટે અતિકને લાખો રૂપિયા ખર્ચવા પડતા હતા. જેલ સત્તાધીશો (Jail Authority) પાસે વિશેષ સત્તાઓ હોવાથી તેમણે અતિકના ખિસ્સા ખાલી કરવાનું શરૂ કરી દીધું. પ્રતિબંધિત ચીજવસ્તુઓના ઉપયોગ માટે શરૂઆતમાં લેવાતી રકમમાં છેલ્લાં એકાદ વર્ષથી ભારે વધારો થઈ ગયો હતો.
બિલ્ડરનું અપહરણ કરી જેલમાં મિલકત લખાવી લીધી
ઉત્તર પ્રદેશની દેવરિયા જેલ (Deoria Jail) માં અતિક અહેમદ કેદ હતો ત્યારે વર્ષ 2018ના અંતમાં જમીનના કારોબાર સાથે જોડાયેલા મોહિત જયસ્વાલનું કાર સાથે અપહરણ (Mohit Jaiswal Kidnapping) કરી લેવાયું હતું. અતિકના સાગરીતો મોહિત જયસ્વાલને દેવરિયા જેલમાં લઈ ગયા હતા. જેલની બેરેકમાં જયસ્વાલને માર મારી લમણે પિસ્તોલ ધરીને પાંચ કંપનીઓનો માલિકી હક્ક બે શખ્સોના નામે ટ્રાન્સફર કરાવી લીધો. આ કેસમાં ફરિયાદ થઈ અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં પહોંચતા CBI તપાસનો આદેશ થયો. સુપ્રીમ કોર્ટે અતિક અહેમદને ઉત્તર પ્રદેશની જેલમાંથી ગુજરાતની જેલમાં ધકેલવાનો હુકમ કર્યો.
મોબાઈલ ફોન પકડાય તો પાછા મળી જાય
જેલમાં બેઠાં બેઠાં લાખો-કરોડોનો ખંડણીનો કારોબાર ચલાવતા અતિકને સારી રીતે ખબર હતી કે, રૂપિયા અને સંબંધોથી ધાર્યું કામ પાર પડે છે. એજન્સી સાથેના સંપર્કો અને રૂપિયાના જોરે સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી કેટલાં મોબાઈલ ફોન (Mobile Phone) અને સીમ કાર્ડ (Sim Card) વાપર્યા હશે તેની અતિક તથા તેના ખાસમખાસ માણસ મખ્ખીને પણ યાદ નહીં હોય. અમદાવાદ સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) માં ડીજી જડતી સ્કવૉડે ચારેક વખત અતિક અહેમદ પાસેથી મોબાઈલ ફોન સર્ચ દરમિયાન કબજે કર્યા હોવાની વાત હવે સામે આવી રહી છે. જો કે, ચારેય વખત અતિક અહેમદને મોટા સાહેબની સૂચનાથી મોબાઈલ ફોન પરત મળી ગયા હતા.
ફોન પર જ અતિકે ઉમેશ પાલની હત્યા કરાવી
વર્ષ 2019થી અમદાવાદની સેન્ટ્રલ જેલની હવા ખાતા અતિક અહેમદનો દબદબો સજા પડી ત્યાં સુધી કાયમ રહ્યો. BSP ના ધારાસભ્ય રાજુ પાલના મર્ડર કેસ (MLA Raju Pal Murder) ના સાક્ષી ઉમેશ પાલ (Umesh Pal) ના વર્ષ 2006માં થયેલા અપહરણ કેસમાં અતિક અહેમદને સજા પડવાનો ભય પહેલેથી જ હતો. અતિકની ધમકીઓને ઉમેશ પાલ ગણકારતા ન હતા અને એટલે જ તેની હત્યાનો પ્લોટ માફિયાએ ઘડી નાંખ્યો. સાબરમતી જેલમાંથી જ અતિક અહેમદે બરેલી જેલમાં કેદ ભાઈ અશરફ અને ફરાર પુત્ર અસદ સાથે મોબાઈલ ફોનથી સંપર્ક કરી ઉમેશ પાલની ગત ફેબ્રુઆરી મહિનામાં હત્યા કરાવી દીધી. UP STF ની તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો, પરંતુ તે પહેલાં જ અતિકે વાપરેલા મોબાઈલ ફોન અને સીમ કાર્ડ જેલ સ્ટાફે ગુમ કરી દીધા.
આ પણ વાંચો : HARSH SANGHAVI ની જેલ મુલાકાત બાદ અતિકને UP લઈ જવાયો