નેત્રંગમાં કેજરીવાલે કરી આ મોટી જાહેરાત, વાંચો અહેવાલ
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઇને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું.
આગામી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજને ટકોર કરી હતી. ચૂંટણી પહેલા ચૈતર વસાવા જેલની બહાર ન આવે તો તેને જીતાડવાની જવાબદારી તમારી છે. આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે.
નેત્રંગમાં જંગી જનમેદનીને CM કેજરીવાલે સંબોધી
જંગી જનમેદનીને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હું દિલ્હીથી આવ્યો છું અને પંજાબના મુખ્યમંત્રી પણ મારી સાથે આવ્યા છે. આવતીકાલે અમે સરકારની પરવાનગી લઈને ચૈતર વસાવાને જેલમાં મળવા માટે જઈશું. અને પ્રજાનું સમર્થન હોય તો અમે પ્રજાનો સંદેશો ચૈતર વસાવાને પહોંચાડીશું કે ચૈતર વસાવાની સાથે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ ઊભો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે. ચૈતર વસાવાને મંત્રીપદની ઓફર હતી પણ ચૈતરે સમાજને છોડ્યો નથી.
'ચૈતર વસાવા મારો નાનો ભાઈ છે' - CM કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું કે, આ લોકોએ ચૈતર વસાવાની ધરપકડ કરી છે પરંતુ હું આજે જાહેરમાં કહું છું કે ચૈતર વસાવા મારો નાનો ભાઈ છે. દુઃખની વધુ વાત તો એ છે કે આ લોકોએ ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનની પણ ધરપકડ કરી છે. શકુંતલાબેન સમગ્ર આદિવાસી સમાજની વહુ છે, એટલે સમાજનું અપમાન થયું છે.
તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ઉચ્ચ વકીલને રોકવામાં આવ્યા છે જેઓ ચૈતર વસાવા તથા શકુંતલા વસાવાનો કેસ લડી રહ્યા છે અને આવનાર 20મી જાન્યુઆરી સુધીમાં તેઓને જેલમાંથી બહાર કાઢવાના પુરા પ્રયત્ન કરવામાં આવશે. અંતમાં 'જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેગે'ના નારા સાથે અરવિંદ કેજરીવાલે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું.
નેત્રંગમાં કેજરીવાલના આગમનને પગલે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વિરુદ્ધમાં ખોટી રીતે ફરિયાદો કરીને બદલાની ભાવનાથી જે રીતે એમને જેલમાં પુરવામાં આવ્યા છે, એના વિરોધમાં અને ચૈતરભાઇના સમર્થનમાં એક નહીં પણ બે મુખ્યમંત્રીઓ નત્રંગમાં આવ્યા છે. મનસુખ વસાવાની વાત કરતાં ગોપાલ ઇટાલિયાઓ જણાવ્યું હતું કે, મનસુખભાઇને એમની પાર્ટી પણ સિરિયસ લેતી નથી તો આપણે એને સિરિયસ લેવા જોઇએ નહીં.
નેત્રંગમાં કેજરીવાલના આગમનને પગલે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં એક એસપી, પાંચ ડીવાયએસપી, 20 પી.આઈ તેમજ 33 પી.એસ.આઈ, 568 પોલીસ જવાનો અને 214 ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 841 પોલીસ જવાનો ખડેપગે રહ્યા હતા.
અહેવાલ - દિનેશ મકવાણા
આ પણ વાંચો -- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં સિક્યુરિટી રિવ્યુ બેઠક યોજાઇ