Gujarat High Court : આખી રાત ગરબા ચાલુ રાખવાની સૂચના મુદ્દે વિવાદ, 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે HC માં રજૂઆત
રાજ્યમાં નવરાત્રીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. આજે ત્રીજું નોરતું છે અને તમામ નાના મોટા શહેરો અને ગામડાઓમાં ખેલૈયા ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે નવરાત્રીમાં આખી રાત ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહ મંત્રીના નિવેદનનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. મોડે સુધી ગરબા ચાલશે તો પોલીસ દખલ નહીં કરે તેવી મૌખિક સૂચના અપાઈ હોવાનું ગઈકાલે ગૃહ મંત્રીએ નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલનારા ગરબા અંગે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. મહત્વનું છે કે, મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમો છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા અંગે ગૃહ મત્રી સુચના આપી શકે નહીં તેવું અરજીમાં લખવામાં આવ્યું હતું. મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાન થવાતું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા અંગે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. કોઈપણ નાગરીક ફરિયાદ કરશે તો પોલીસે પણ કાર્યવાહી કરવી પડશે. પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. સંઘવીએ કહ્યું કે પોલીસને ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોઇપણ ખેલૈયાઓને કે ગરબા રસિકોને કોઇ અગવડ ન પડે અન્યથા ખોટી કોઇ હેરાનગતિ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે.
જો કે ખાનગી ગરબા આયોજકોએ તે વાતનું ધ્યાન રાખવું પડશે કે ગરબામાં લાઉડ સ્પીકરના અવાજને કારણે આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને બિનજરૂરી કોઇ ખલેલ પહોંચવી જોઇએ નહીં. આ માટે ખાનગી ગરબા આયોજકો રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા ચાલું રાખવા ઇચ્છતા હોય તો તેમણે ઓછો અવાજ કરે તેવી મ્યુઝિક સિસ્ટમ પર ગરબા કરાવવા પડશે.
આ પણ વાંચો : Vadodara : રેલ્વે પોલીસની સરાહનીય કામગીરી, છેલ્લા બે માસમાં 90 થી વધુ બાળકોને શોધી પરિવારને સોંપ્યા…