Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા Gujarat સરકારની ખાસ ડ્રાઈવ, વ્યાજખોરો પર લાગશે લગામ

Gujarat: રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. સ્પેશિયલ ડ્રાઇવમાં 226 વ્યાજખોરો સામે 134 એફ.આઇ.આર દાખલ કરવામાં આવ્યા છે. અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા...
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા gujarat સરકારની ખાસ ડ્રાઈવ  વ્યાજખોરો પર લાગશે લગામ

Gujarat: રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. સ્પેશિયલ ડ્રાઇવમાં 226 વ્યાજખોરો સામે 134 એફ.આઇ.આર દાખલ કરવામાં આવ્યા છે. અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચના છે. નોંધનીય છે કે, તારીખ 21મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોક દરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા હતા.

Advertisement

લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી

વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તારીખ 21/06/2024 થી રાજ્યભરમાં તમામ શહેર/જીલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ-2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તારીખ 31/07/2024 સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા

રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 134 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં 226 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.

Advertisement

ગુનેગારો સામે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.

568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા

તારીખ 21મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન

દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાતુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધાર કરનારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે. તેથી સામાન્ય પ્રજાને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.

આદર્શ સમાજના નિર્માણની દિશામાં મક્કમ પગલું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે. અત્યાર સુધી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલાં કેટલાંક પરિવારો પણ હવે સામે આવી રહ્યાં છે. પોલીસને મુક્તમને પોતાની વ્યથા જણાવી રહ્યાં છે. પોલીસ પણ તેમની પીડા સાંભળીને વ્યાજખોરોના વિષચક્રમાંથી તેમને મુક્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને તેવા અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લાગે તે અભિગમ સાથે ચાલી રહેલું આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે. રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદને પાત્ર છે. આદર્શ સમાજના નિર્માણની દિશામાં આ એક મહત્વનું પગલું છે.

આ પણ વાંચો: Bharuch માં આત્મહત્યાના બે બનાવ! એક પોલીસ કૉન્સ્ટેબલે અને 16 વર્ષિય કિશોરે સંકેલી પોતાની જીવનલીલા

આ પણ વાંચો: GPSC: વર્ગ – 1/2 ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશ ખબર, મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર

આ પણ વાંચો: Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો

Tags :
Advertisement

.