Gondal: દલિત સમાજની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો શું છે મામલો..
Gondal: જુનાગઢના દલીત યુવાનનું ધારાસભ્યના પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બની હતી. નોંધનીય છે કે, આ ઘટના બાદ યુવાનના પિતા દ્વારા ધારાસભ્ય પુત્રની દબંગીરી સામે આક્રોશ વ્યક્ત કરવા આવતીકાલે 12 બુધવારના જુનાગઢથી ગોંડલ (Gondal) સુધી રેલી કાઢી ગોંડલમાં મહાસંમેલનની કરાયેલ જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ બુધવારની પૂર્વ સંધ્યાએ ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ધારાસભ્યના પુત્ર ગણેશના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેવાનું હોય માર્કેટ યાર્ડમાં પણ બંદોબસ્ત ગોઠવાયો છે. રેલી પુર્વે શહેરભરમાં ઉત્તેજનાનો માહોલ છવાયો છે
બનાવ બાદ દલીત સમાજ રોષે ભરાઇ વિરોધ માં સામે આવ્યો હતો
જુનાગઢના એનએસયુઆઇના પ્રમુખ સંજયભાઈ સોલંકીનું જુનાગઢ કાળવા ચોકમાંથી અપહરણ કરી ધારાસભ્યના પુત્ર ગણેશે ગોંડલ (Gondal)માં માર માર્યાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બનાવ બાદ દલીત સમાજ રોષે ભરાઇ વિરોધમાં સામે આવ્યો હતો. સંજયભાઇના પિતા જુનાગઢ અનુ.જાતિના પ્રમુખ રાજુભાઇ સોલંકી દ્વારા તારીખે 12 બુધવારના જુનાગઢથી વિરોધ પ્રદર્શીત કરતી રેલી કાઢી ગોંડલ આંબેડકર ચોકમાં પંહોચી સભાનું આયોજન કરાયુ હોય ગોંડલનો માહોલ ગરમાયો છે. કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર એલર્ટ બન્યુ છે.
પાંચ જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
આવતી કાલે બુધવારે જુનાગઢથી નિકળી રેલી ગોંડલ બપોરે 11 વાગ્યે પહોચી જેતપુર રોડ, જેલચોક, ગુંદાળા દરવાજા થઈ ખટારા સ્ટેન્ડ ડો.આંબેડકરની પ્રતિમાએ પહોચી બાદમાં મહાસંમેલનમાં પરિવર્તિત થશે. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાના સર્જાય તે માટે ગોંડલમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે. પાંચ જિલ્લા જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા અને મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રેહશે. જેમા 4DYSP, 11 PI, 34 PSI, 4 ઘોડેસ્વાર પોલીસ, 400 પોલીસ, 12 ટીઆરપી,95 હોમગાર્ડ સહિત અદાજે 600 જેટલા પોલીસ કર્મચારીઓને ગોંડલમાં તહેનાત કરાયા છે. ગોંડલ ટાઉનહોલ ખાતે DYSP એસ.એસ. રઘુવંશી તેમજ DYSP કે.જી. ઝાલાના અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આવતીકાલે દલિત સમાજની રેલીમાં અનિચ્છનીય બનાવના બને તેને લઈને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
ધારાસભ્યના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોલેજ ચોકથી આશાપુરા ચોકડી તથા ધારાસભ્યના નિવાસસ્થાન પાસે બંદોબસ્ત ગોઠવાયો છે. ઉપરાંત શહેરના મુખ્ય સર્કલ પર પોલીસ તહેનાત કરાઇ છે. આશાપુરા ચોકડી, ઉમવાડા ચોકડી, ગુંદાળા ચોકડી તથા જામવાડી ચોકડી પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
આવતીકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ
જુનાગઢના દલીત યુવાનનું અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટનામાં તારીખ 12 બુધવારનાં જુનાગઢ થી ગોંડલ રેલી આવી રહી હોય તારીખ 12 બુધવારનાં ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડ બંધ રહેશે તેવી જાહેરાત કમીશન એજન્ટ એસોસિએશન, મજુર યુનિયન તથા વેપારી મંડળ દ્વારા કરાઇ છે. કમીશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ કયાડાએ યાદીમાં જણાવ્યું કે, તારીખ 12 બુધવારનાં જુનાગઢથી રેલી ગોંડલ આવી રહી છે.ત્યારે ગણેશભાઈ જાડેજાના સમર્થનમાં તારીખ 12ના માર્કેટ યાર્ડ સંપુર્ણ બંધ રહેશે. હરરાજીથી લઈને પાર્ડના તમામ કામ બંધ રહેશે તેવું જણાવાયું છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.