250 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સને ફરી આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે
અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ 250 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સને ફરી આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે ચાર દિવસના રિમાન્ડ દરમિયાન તપાસનીશ એજન્સીઓની ચુપકીદી, આવનારા દિવસોમાં વધુ આરોપીઓ ઝડપાવાની શકયતા અબડાસા તાલુકાના જખૌ નજીક પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલાં 250 કરોડના ડ્રગ્સ કેસમાં પંજાબના...
અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ
- 250 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સને ફરી આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે
- ચાર દિવસના રિમાન્ડ દરમિયાન તપાસનીશ એજન્સીઓની ચુપકીદી,
- આવનારા દિવસોમાં વધુ આરોપીઓ ઝડપાવાની શકયતા
અબડાસા તાલુકાના જખૌ નજીક પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલાં 250 કરોડના ડ્રગ્સ કેસમાં પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગુજરાત ATSએ ફરી ધરપકડ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.આજે સોમવારે તેને નલિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
250 કરોડના મૂલ્યનું ૩૮.૯૯૪ કિલોગ્રામ હેરોઈન ઝડપ્યું હતું
ગત ૧૪-૦૯-૨૦૨૨ના રોજ ATSએ જખૌ નજીક સમુદ્રમાં ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટમાં સવાર ૬ શખ્સો સાથે 250 કરોડના મૂલ્યનું ૩૮.૯૯૪ કિલોગ્રામ હેરોઈન ઝડપ્યું હતું. આ હેરોઈનની ડિલિવરી જખૌ નજીક મીઠા પોર્ટ પાસે થવાની હતી. ક્રાઈમ બ્રાન્ચે સમુદ્રમાં હાથ ધરેલાં ઓપરેશનની સમાંતર અમદાવાદની એક હોટેલમાં ઓપરેશન હાથ ધરી પંજાબના બે શખ્સો સરતાજ સલીમ મલિક અને મોહમ્મદ શફી ઊર્ફે જગ્ગીસિંઘની ધરપકડ થઈ હતી. બંનેની પૂછપરછમાં કપૂરથલા જેલમાં બંધ સરતાજના સાળા મેહરાજ રેહમાની, અમૃસર જેલમાં બંધ નાઈજીરીયન નાગરિક ચીફ ઓબન્ના અને અન્ય એક નાઈજીરીયન મહિલા અનિતા ઊર્ફે ઓન્ગની થેન્ડીલની સંડોવણી સામે આવી હતી
સૂત્રધાર તરીકે લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું
આરોપીઓની પૂછતાછમાં સૂત્રધાર તરીકે લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું. લોરેન્સ અને ચીફ ઓબન્ના વતી નાઈજીરીયન મહિલા ડ્રગ્સ ટ્રાફિકીંગનું સંકલન કરતી હતી. આ ગુનામાં ATSએ ગત ૨૫ એપ્રિલના રોજ લોરેન્સની ધરપકડ કરી તેના ૧૪ દિવસના રીમાન્ડ મેળવ્યાં હતાં.
લોરેન્સને નલિયાની કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર
આજ કેસમાં ફરી લોરેન્સને નલિયાની કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમિયાન, આજે સોમવારે તેના રિમાન્ડ બપોરે 3 વાગે પૂર્ણ થતાં હોવાથી અમદાવાદથી લોરેન્સને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નલિયા લઈ અવાશે અને કોર્ટમાં રજૂ કરાશે. ચાર દિવસના રિમાન્ડ દરમિયાન લોરેન્સની પૂછપરછમાં શું નીકળ્યું તે અંગે તપાસનીશ એજન્સીઓ ચુપકીદી સેવી રહી છે.ત્યારે એક વાત તો નક્કી છે કે આવનારા દિવસોમાં આ કેસમાં વધુ આરોપીઓની સંડોવણી ખુલી શકે તેમ છે.
સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સુરક્ષા વ્યવસ્થા વધુ સધન બનાવી દેવામાં આવી છે.અમદાવાદથી નલિયા સુધીના વિસ્તારમાં તમામ પોલીસ મથકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત ગેગસ્ટરની સુરક્ષા માટે ખાસ ચેતક કમાન્ડો ગોઠવાયા છે.ચાર દિવસ પૂર્વે લોરેન્સની અભેદ સુરક્ષા માટે 15 પોલીસ વાહનો આગળ પાછળ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત નલિયા કોર્ટ અને પોલીસ સ્ટેશન પર લઈ આવે ત્યારે રોડ પર ટ્રાફિક થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે. કોઈ બનાવ ન બને તે માટે તમામ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી છે. એટલું જ નહીં લોરેન્સને વધુ હાઇ સિક્યુરિટી આપવામાં આવે તેવી માંગ પણ અગાઉ અદાલત સમક્ષ થઈ ચૂકી છે.
Advertisement