અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે
શક્તિપીઠ પાવાગઢ ખાતે નિજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંત સંમેલન યોજાયું. અયોધ્યા ખાતે જે સંતોને આમંત્રણ મળ્યું હતું તેવા ગુજરાતના વિવિધ સંપ્રદાયોના સંતોનું પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલ દાસ મહારાજ અને મહામંત્રી દંડી સ્વામીશ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી દ્વારા CAA ના કાયદાને આવકારવામાં આવ્યો હતો. તેમજ સંત સમિતિ અને તમામ સંતો ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની તેમજ આગામી ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કરાવવાની અપીલ કરી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભાની ચૂંટણીમાં સંતો અને સંત સમીતિ નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે રહેશે
પાવાગઢ ખાતે યોજાયેલ સંત સંમેલનમાં ઉપસ્થિત સંતો દ્વારા પાવાગઢ નિજ મંદિર પરિસરમાં અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં સંતો અને સંત સમીતિ નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે રહેશે તેવી જાહેરાત કરતા તમામ સંતો 400 પારના નારાને સિદ્ધ કરવા લાગી જવા હાકલ કરી હતી. સંતો એ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જ વિશ્વ ની એકમાત્ર એવી પાર્ટી છે, જેને પોતાનો ચૂંટણી ઢંઢેરો બદલવો પડશે કારણે તેને ચૂંટણી ઢંઢેરામાં અગાઉ જાહેર કરેલા તમામ કાર્યો તો કરી નાખ્યા છે. તો હવે આગામી લોકસભા ચૂંટણી માટે નવો ઢંઢેરો બનાવું પડશે.
સંતોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સહિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો પણ કર્યા
પાવાગઢ ખાતે સંત સંમેલનમાં સંત અવિચલદાસ મહારાજ અને દંડી સ્વામીશ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી સહિતના સંતોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સહિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો પણ કર્યા હતા. સંતોએ કહ્યું કે, રાહુલ ગાંધીએ માનસિક સંતુલન ગુમાવ્યું છે....તેને ઐશ્વર્યા રાય અને કંગના રણોત વચ્ચે ફર્ક જ નથી સમજાતો. અયોધ્યા ખાતે કંગના રનોત આવ્યા હતા અને તેઓએ મંદિર માટે દાન કર્યું હતું. સાથેજ સંત સમિતિએ નવા CAA કાયદા ને વધાવ્યો અને આગામી સમયમાં લોકોને આનો સીધો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. તેમજ વધી રહેલ વસ્તીને લઈ જણાવ્યું હતું કે બે બાળકો થી જેને વધુ બાળકો હોય તેમને કોઈ સરકારી નોકરીના અપાવી જોઈએ તેમજ આવા લોકોના મત આપવાનો અધિકાર કાઢી લેવા માંગ કરી. હવે ધર્મકારણ અને રાજકારણ સાથે ચાલીને રામ રાજ્ય ની સ્થાપના કરવાની છે.
સંમેલન બાદ સંતોએ મંદિરની ફરતે 51 શક્તિપીઠોની સ્થાપના સાથેના પરિક્રમા પથનું ખાતમુહૂર્ત પણ કર્યું
સંત સંમેલન બાદ ઉપસ્થિત સંતો એ પાવાગઢ મંદિરની ફરતે 51 શક્તિપીઠોની સ્થાપના સાથેના પરિક્રમા પથનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.પાવાગઢના દુધિયા તળાવથી શરૂ કરી ફરીથી દુધિયા તળાવ પૂર્ણ થાય તેવો 1.2 કિમિનો પરિક્રમા પથનું નિર્માણ થશે જેનું આજરોજ ઉપસ્થિત સંતોના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો : ગોંડલના વોરા કોટડાગમના યુવા ખેડૂતે કરી ઓર્ગેનિક ઘઉંની ખેતી, ખરીદવા ઉમટે છે લોકોની ભીડ