Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Biperjoy ના સંભવિત સંકટ સામે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહે (Amit Shah) ચક્રવાત "બિપરજોય" (Cyclone Biperjoy) સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) , કેન્દ્રીય મંત્રીઓશ્રી...
cyclone biperjoy ના સંભવિત સંકટ સામે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહે (Amit Shah) ચક્રવાત "બિપરજોય" (Cyclone Biperjoy) સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) , કેન્દ્રીય મંત્રીઓશ્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) અને શ્રી પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) , ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સચિવો અને જિલ્લા મેજીસ્ટ્રેટ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિર્દેશક, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના સભ્ય સચિવ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.

Advertisement

ઝિરો કેઝ્યુઆલીટી સાથે કામ કરવા તંત્ર સજ્જ

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન "બિપરજોય" દ્વારા થતા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને ‘ઝિરો કેઝ્યુઆલીટી’ એટલે કે એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. 12 જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશો પર ઝડપથી કાર્ય કરવાની જરૂર છે. કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત, આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતને શક્ય તમામ મદદ કરાશે

તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. શ્રી શાહે ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રીશ્રીએ સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરવા, વીજળી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોઈ પણ નુકસાનના કિસ્સામાં આ સેવાઓ તરત જ પુનઃસ્થાપિત કરી શકાય તેવી તૈયારીઓ કરવી તેમજ તમામ હોસ્પિટલોમાં મોબાઈલ અને લેન્ડલાઈન કનેક્ટિવિટી અને વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી.

Advertisement

પુરની સ્થિતિ સામે પહોંચીવળવા તૈયાર રહેવ પર ભાર મુક્યો

ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. શ્રી શાહે સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાનની સૂચના મુજબ ગીરના જંગલમાં પ્રાણીઓ અને વૃક્ષોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. શ્રી અમિત શાહે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યોને આ ચક્રવાતના ખતરાથી વાકેફ કરીને પોતપોતાના વિસ્તારના લોકોને દરેક શક્ય રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તૈયારીઓનો સમગ્ર ચિતાર આપ્યો

8 જિલ્લાના 14.60 લાખ લોકો પ્રભાવીત

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) બેઠકમાં કહ્યું કે, ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા છે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ 25 તાલુકા છે જેમાં 0 થી 5 કી.મી માં 260 ગામોનો સમાવેશ થાય છે જેની કુલ જન સંખ્યા 14,60,300 છે. 5 થી 10 કિ.મી. વિસ્તારમાં 182 ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે 4 લાખ 50 હજાર છે.

શેલ્ટર હોમ અને હોસ્પિટલમાં જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરાઈ

તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત 434 નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ 25 તાલુકાઓમાં 1521 આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8 જિલ્લાઓમાં 450 હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે

તેમણે કહ્યું કે, આ જિલ્લાઓમાં મીઠું પકવતા 868 અગરિયાઓ તેમજ 6080 કામદારોની ઓળખ કરવામાં આવી છે. 284 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. 5330 અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી સમગ્રતયા 15,068 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 30,000 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે.

NDRF અને SDRF ની ટુકડીઓ તૈનાત

તેમણે વધુમાં કહ્યું કે, આ 8 જિલ્લાઓમાં NDRF ની 18 અને SDRF ની 12 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર તેમજ રોડ ઉપરથી 4050 હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. માછીમારોની કુલ 21,595 બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે 27 જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ 24 મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉર્જા વિભાગ અને વન વિભાગની ટીમો પણ સજ્જ

તેમણે જણાવ્યું કે, વીજળીના થાંભલાઓ પડી જવાની સ્થિતિમાં રીપેરીંગ કરી આપવા માટે ઉર્જા વિભાગ દ્વારા સંપૂર્ણ સાધન સામગ્રી સાથેની ટીમ તૈયાર કરવામાં આવી છે. વાવાઝોડા સમયે રસ્તાઓના રીપેરીંગ માટેના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોને હટાવવા માટે વન વિભાગની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડા અંગેની મહત્વની જાણકારી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

આ તારીખે લેન્ડફોલની શક્યતા

હવામાન વિભાગના મહાનિર્દેશકે ગૃહ પ્રધાનને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વાવાઝોડું 14મીની સવાર સુધી લગભગ ઉત્તર તરફ આગળ વધે, પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને વટાવીને 15મી જૂનની બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક માંડવી (ગુજરાત) પહોંચે અને કરાંચી (પાકિસ્તાન) તથા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ગંભીર ચક્રવાત વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :  સલામ છે ભારતીય સેનાને! તમામ સાધન સરંજામ સાથે જવાનો સ્ટેન્ડબાય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.