Ahmedabad : નકલી પોલીસ બની પૈસા પડાવતા બે યુવકો ઝડપાયા
Ahmedabad : અમદાવાદ શહેરમાં નકલી પોલીસ (Fake Police) ની ફરી એક વાર ધરપકડ થઈ છે. આ વખતના બનાવમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા નકલી પોલીસને પકડી અસલી પોલીસને સોંપવામાં આવ્યા છે. મળેલી માહિતીના આધારે એસ.પી. રીંગ રોડ પર બે યુવકોને પૈસા પડાવતા રંગેહાથ પકડવામાં આવ્યા છે. આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન (Sola High Court Police Station) માં ગુનો દાખલ થયો છે અને સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કોણ છે આ આરોપીઓ?
અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર પૈસા પડાવતા આરોપીઓમાં એકનું નામ અનવારુલહક અંસારી અને બીજાનું નામ અમિત ઉર્ફે ભુરીયો નાગર છે. અનવારુલહક અંસારી બાપુનગરમાં અને અમિત હાથીજણ વિસ્તારમાં રહે છે. આ બંનેની નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરાઈ છે.
બનાવની વિગતવાર વાત
ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીને માહિતી મળી હતી કે એસ.પી. રીંગ રોડ પર ભાડજ સર્કલ નજીક સ્વિફ્ટ ગાડી રોકીને કેટલાક શખ્સો પોલીસ બનીને પૈસા પડાવી રહ્યા છે. આ માહિતીના આધારે એક ટીમ મોકલવામાં આવી અને બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. આ પહેલા આ બંનેએ ધોળકામાં કારચાલકને રોકી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચેકિંગ કરતી વખતે ઝપાઝપી અને મારપીટ કરી અને મોટા કેસમાં જેલમાં પૂરવાની ધમકી આપી 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ સાથે વટવાનો પીંટુ નામનો શખ્સ પણ હતો, જે બાઈક લઈને ભાગી ગયો હતો.
તપાસમાં શું મળી આવ્યું?
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસના કાગળ તરીકે કોઈ દસ્તાવેજ મળ્યો નથી. આમિત ઉર્ફે ભુરીયો નાગર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવી જ નકલી પોલીસ બનવાના ગુનામાં પકડાયો હતો. અનવારુલહક અંસારી રખિયાલમાં એક ગુનામાં ઝડપાયો હતો. આ બંનેએ વધુ કોઈને નકલી પોલીસ બનીને લૂંટ કરી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં આગળ શું જાણવા મળશે તે હવે જોવાનું રહ્યું.
અહેવાલ - પ્રદીપ કચિયા
આ પણ વાંચો - લો બોલ ! હવે અમદાવાદ શહેરમાંથી ઝડપાઈ નકલી પોલીસ
આ પણ વાંચો - Ahmedabad : પોલીસ એજન્સીઓને શરમાવે તેવી અમદાવાદ ટ્રાફિકની કામગીરી