Jamnagar : વકીલ હારુન પલેજાની હત્યા કેસમાં ફરાર આરોપી ઝડપાયો
Jamnagar જામનગર (Jamnagar) માં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરાઇ હતી. આ મામલે પોલીસે કુખ્યાત સાયચા બંધુઓ સહિત 15 આરોપી સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે સાયચા ગેંગના ફરાર અંતિમ આરોપીને દબોચી લીધો છે.
સાયચા બંધુઓ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી
જામનગરમાં બે માસ પૂર્વે વકીલ પલેજાની સરા જાહેર હત્યા કરાઈ હતી. પંચવટી વિસ્તારમાં એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં હારૂન પાલેજા વકીલ તરીકે રોકાયેલા હતા. જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે તેમની હત્યા નીપજાવી હોવાનું પોલીસ ચોપડે જાહેર થયું હતું. સાયચા બંધુઓ સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તમામ આરોપીઓને 2 માસમાં પકડી પાડ્યાં હતા.
આરોપી અસગર જુસબ સાયચા ઝડપાયો
જો કે અંતિમ આરોપી બાકી હતો તેને પણ જામનગર પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપી અસગર જુસબ સાયચાને દબોચી લઇને તેને અદાલતમાં રજૂ કરી તપાસ માટે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વકીલ પર જીવલેણ હુમલો
ઉલ્લેખનિય છે કે 2 માસ પહેલા જામનગરના જાણીતા વકીલ હારુન પાલેજાની સાંજે 6.30 વાગ્યાના અરસામાં બેડેશ્વર વિસ્તારમાં આવેલ વાછાણી ઓઇલ મીલના સામેના ભાગમાં જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. વકીલ રોજુ ખોલવા માટે પોતાની બુલેટ પર ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ કેટલાય શખ્સો તેમના પર તિક્ષણ હથિયારો જેવા કે છરી, ધોકા, પાઇપ સહિત અન્ય હથિયારો વડે તૂટી પડ્યા હતા. વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને જે જગ્યાએ તેમના પણ હુમલો થયો હતો, ત્યાંથી થોડે દૂર આવેલા એક મકાનમાં તે ગંભીર રીતે ઘાયલ હાલતમાં તે ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ વકીલ હારૂન પાલેજાએ દમ તોડ્યો હતો.
કેસના મનદુઃખને લઈને હત્યા
પંચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક પાલેજા એડવોકેટ તરીકે રોકાયા હતા. આ કેસના મનદુઃખને લઈને સાયચા ગેંગે વકીલની હત્યા કરી હતી.
આ પણ વાંચો----- VADODARA : બહેનના પ્રેમી પર શંકા જતા ઉઠાવીને કેનાલમાં ગબડાવી દીધો
આ પણ વાંચો----- Ahmedabad Police : હેડ કૉન્સ્ટેબલ પર હુમલાના કેસમાં DG ઑફિસે માગ્યો ખૂલાસો