Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નેશનલ ડિફેન્સ એકડેમીમાં પસંદ થઇ ગુજરાતની પ્રથમ યુવતી..! વાંચો અહેવાલ 

અમદાવાદની પ્રસિદ્ધ નિરમા યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી આસ્થા લહેરૂ નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ લેનારી પ્રથમ ગુજરાતી યુવતી બની છે. દેશની અહર્નિશ સેવા કરતા સૈન્યની વિવિધ પાંખમાં અધિકારી પદ માટે સીધી ભરતી કરતી સંસ્થા યુપીએસસીની પરીક્ષા પાસ કરી આસ્થા આર્મીની જટીલ...
નેશનલ ડિફેન્સ એકડેમીમાં પસંદ થઇ ગુજરાતની પ્રથમ યુવતી    વાંચો અહેવાલ 
અમદાવાદની પ્રસિદ્ધ નિરમા યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી આસ્થા લહેરૂ નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ લેનારી પ્રથમ ગુજરાતી યુવતી બની છે. દેશની અહર્નિશ સેવા કરતા સૈન્યની વિવિધ પાંખમાં અધિકારી પદ માટે સીધી ભરતી કરતી સંસ્થા યુપીએસસીની પરીક્ષા પાસ કરી આસ્થા આર્મીની જટીલ પસંદગી પ્રક્રીયામાંથી પસાર થઇ આસ્થા એનડીએમાં પસંદ પામી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ આસ્થાને મળી તેમની સૈન્ય અને દેશ પ્રત્યેની ભાવનાને બિરદાવી છે.
બાલ્યકાળથી જ ભારતીય સેનામાં પોતાની કારકીર્દિ બનાવવાની ઇચ્છા
અમદાવાદ શહેરમાં મણીનગર વિસ્તારમાં રહેતી આસ્થા બાલ્યકાળથી જ ભારતીય સેનામાં પોતાની કારકીર્દિ બનાવવા ઇચ્છતી હતી. ધોરણ નવમાં અભ્યાસ દરમિયાન તેમણે નૌસેના વિશે એક ટેલીવિઝન કાર્યક્રમ જોઇને તેમણે આવું મન બનાવી લીધું હતું. આ માટે તેમણે એનડીએ અને શોર્ટ સર્વિસ કમિશનની તૈયારીઓ પણ સાથે કરવા લાગી હતી. એ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનાની ત્રણેય પાંખમાં મહિલાઓની ભરતી માટેના દરવાજા ખોલવામાં આવતા આસ્થા માટે પોતાના લક્ષ્યને સિદ્ધ કરવાનો માર્ગ સરળ થયો હતો.
નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રારંભિક પરીક્ષા પાસ કર્યા બાદ જટીલ ગણાતી પાંચ દિવસીયની પરીક્ષા પણ પાસ કરી
તેમણે યુપીએસી દ્વારા આયોજિત નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રારંભિક પરીક્ષા પાસ કર્યા બાદ જટીલ ગણાતી પાંચ દિવસીયની પરીક્ષા પણ પાસ કરી છે. એનડીએ માટે વર્ષમાં બે વખત ચારસો – ચારસો અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. આ વખતે સાતેક લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી નવ હજાર ઉમેદવારોને સર્વિસ સિલેક્શન બોર્ડ માટે બોલાવવામાં આવ્યા હતા.
એનસીસી કેડેટ્સ તરીકેનો અનુભવ પણ તેમને આ કસોટી માટે મદદરૂપ બન્યો
સર્વિસ સિલેક્શન બોર્ડની પાંચ દિવસીય કસોટીમાં મેડિકલ ઉપરાંત સાયકોમેટ્રિક પદ્ધતિની પ્રક્રીયામાંથી ઉમેદવારોને પસાર થવું પડે છે. તેમાં ઉમેદવારોમાં નેતૃત્વના ગુણો, નિર્ણય લેવાની કલા, સામુહિકજીવનની ભાવના સહિતના માપદંડો હોય છે. ભોપાલ ખાતે યોજાયેલી આ કસોટીમાં આસ્થા સાંગોપાંગ ઉત્તીર્ણ થઇ છે. એનસીસી કેડેટ્સ તરીકેનો અનુભવ પણ તેમને આ કસોટી માટે મદદરૂપ બન્યો છે.
ચારસોમાંથી આસ્થાનો ક્રમ ૫૯મો છે
૪૦૦ બેઠકોમાં આર્મીમાં ૧૦, વાયુસેનામાં ૬ અને નૌકાદળમાં ૩ બેઠકો મહિલાઓ માટે છે. ચારસોમાંથી આસ્થાનો ક્રમ ૫૯મો છે. આસ્થા તેમની માંગણી મુજબ આર્મીની બેઠક ઉપર પસંદ થઇ છે. હવે તે પૂણાના ખડકવાસલા સ્થિત દેશની પ્રતિષ્ઠિત આર્મી કોલેજે નેશનલ ડિફેન્સ એકેડમીમાં આગામી તા. ૨૨ના રોજ હાજર થશે.  ત્યાં ત્રણ વર્ષની તાલીમ લઇ દહેરાદુન ખાતે પ્રિ-કમિશન તાલીમ મેળવશે. આ બાદ તેમને આર્મી તરફથી જેએનયુની બી.એસસી.ની ડિગ્રી અપાશે. આર્મીની આવી ડિગ્રી અને સેવા તો નસીબવંતા યુવાનોને જ મળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને શુભેચ્છા પાઠવી
આસ્થાના પિતા દેવેનભાઇ લહેરૂ સોફ્ટવેર એન્જીનિયર અને માતા કુંતલબેન ગૃહિણી છે.  વિશેષ વાત તો એ છે કે, એનડીએમાં પસંદ થનારી પ્રથમ ગુજરાતી યુવતીનું ગૌરવ મળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. આસ્થાની આ કારકીર્દિ ગુજરાતના યુવાનો માટે પ્રેરણાદાયક છે.
Advertisement
Tags :
Advertisement

.