FOGA USA : અમેરિકામાં વસતા 17 લાખ ગુજરાતીઓને એક મંચ પર લાવવા પ્રયાસ
FOGA USA : આપણે ત્યાં કહેવાય છે કે સંઘે શક્તિ કલિયુગે..એટલે કે સંગઠનમાં જ તાકાત છે. અમેરિકામાં વસતા ડો.વાસુદેવ પટેલે અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કર્યો છે અને તેની ફળશ્રુતિરુપે FOGA USA નો જન્મ થયો છે. FOGA USA એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન ઓફ યુએસએના ફાઉન્ડર અને પ્રમુખ ડો.વાસુદેવ પટેલ અને યુથ કમિટીના ચેરમેન આત્મન રાવલ ગુજરાત ફર્સ્ટના મહેમાન બન્યા હતા. બંને મહાનુભાવોએ કહ્યું કે અમેરિકામાં વસતા 17 લાખથી વધુ ગુજરાતીઓને એક કરી ગુજરાતીઓને તમામ પ્રકારની મદદ કરવાના ઉદ્દેશ્યથી તથા અમેરિકામાં વસતા ગુજરાતીઓની નવી પેઢી ભારત અને ગુજરાત પ્રત્યે આકર્ષ અનુંભવે તે માટે આ સંસ્થા પ્રયાસ કરી રહી છે.
સંગઠનમાં મોટામાં મોટી શક્તિ છે
FOGA USA ના ફાઉન્ડ અને પ્રમુખ ડો.વાસુદેવ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે અમેરિકાની અંદર બધા રાજ્યોના સંગઠીત એસોસિએશન છે. ગુજરાતી એસોસિએશનો પણ વર્ષોથી કામ કરે છે. જો કે છેલ્લા 50 વર્ષથી મિસિંગ હતું કે તમામ ગુજરાતીઓનું એક મંચ ન હતું. અમેરિકામાં 51 લાખ ભારતીયો વસે છે તેમાં આપણે ગુજરાતીઓ 17 લાખથી વધુ છીએ અને 33 ટકા આપણો ફાળો છે. આ તમામ ગુજરાતીઓને એક મંચ પર એકત્ર કરવા છેલ્લા 2 વર્ષથી મે પ્રયાસ શરુ કર્યા છે. આ માટે હું 40 રાજ્યોમાં જાતે ગયો હતો અને તમામ રાજ્યોના ગુજરાતી સમાજના અગ્રણીઓને મળ્યો હતો. સમાજના અગ્રણીઓને FOGA USA ની રુપરેખા સમજાવી હતી અને સંગઠનમાં મોટામાં મોટી શક્તિ છે, તેવો વિચાર રજૂ કર્યો હતો.
અમેરિકાના ગુજરાતીઓ પણ એક મંચ પર એકત્ર થાય તેટલા માટે આ પ્રકારના સંગઠનની ખાસ જરુર
ડો.વાસુદેવ પટેલે કહ્યું કે અમેરિકામાં જેમ તેલંગાણાનું કે કર્ણાટક અને મહારાષ્ટ્રનું એસોસિએશન છે અને કોઇને કોઇ મુશ્કેલી થાય તો તેમનો સંપર્ક કરી શકાય છે. અથવા તેમને નડતા પ્રશ્નોની રજૂઆત કરી શકાય છે. અમેરિકાના ગુજરાતીઓ પણ એક મંચ પર એકત્ર થાય તેટલા માટે આ પ્રકારના સંગઠનની ખાસ જરુર છે. ગુજરાતીઓ અહીં કોઇ કામ માટે આવ્યા હોય તો તેમને મુશ્કેલીઓ નડી શકે છે અને જો તેઓ સંગઠીત હોયો પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરીને નિરાકરણ લાવી શકાય. તેમણે કહ્યું કે ગત 2020ની 13 ડીસેમ્બરે કોવિડ વખતે ઝુમ કોલથી પરશોત્તમ રુપાલા અમારા ચીફ ગેસ્ટ હતા. તેમણે પણ કહ્યું કે અમને ખબર પડશે કે તમે સંગઠીત થયા છો તો અમે તમારુ કામ કરી શકીએ. અહીં જે લોકો કામ માટે આવે છે તેમને તકલીફ પડે છે. તેમણે કહ્યું કે અમારા કન્વેશનનો થીમ યુનાઇટેડ ગુજરાતી છે. સગંઠન એ જ શક્તિ છે.
નવી પેઢીના બાળકોને કઇ રીતે ભારત તરફ લાવી શકાય
ડો.વાસુદેવ પટેલે કહ્યું કે અમારો પ્રયાસ હતો કે અમેરિકાના ગુજરાતીઓની નવી પેઢીના બાળકોને કઇ રીતે ભારત તરફ લાવી શકાય અને તેમને આકર્ષવા શું કરી શકાય. અમે સર્વે કર્યો તેમાં પર્વતારોહણ ખાસ હતું જેથી અમે 15 બાળકોને પર્વતારોહણ માટે ભારત લાવ્યા હતા. 15માંથી 13 બાળકો તો ક્યારેય ભારત આવ્યા ન હતા. અમારો ઉદ્દેશ્ય એ હતો કે તેમને ભારત તરફ કઇ રીત લાવી શકાય અને આકર્ષી શકાય. તેમને દિશા બતાવી શકાય. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને વિનંતી કરતાં તેમની મદદથી તમામ બાળકોનું દિલ્હીમાં ગરવી ગુજરાતમાં રોકાણ કરાયુ હતું. સુવિધાઓ જોઇને તમામ છોકરાઓ ખુશ થઇ ગયા હતા. એ લોકોએ 9 દિવસ પર્વતારોહણ કર્યું અને પછી ગુજરાત આવ્યા. ગુજરાતનું હેરીટેઝ બતાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ બાળકોને સીએમ હાઉસમાં બોલાવ્યા હતા. દરેક જોડે વાત કરી ફોટા પડાવ્યા. છોકરાઓને ગર્વ થયો હતો. તેમને આઇઆઇએમ પણ બતાવ્યું. ભારતમાં પણ વિશ્વની શ્રેષ્ઠ કોલેજો છે તે બતાવ્યું હતું. અમારા આ પ્રયાસ બાદ 250 પેરેન્ટસના ફોન પછી આવ્યા હતા. કે હવે ક્યારે ભારત જવાનું છે.
અમેરિકાથી ડાઇરેક્ટ ફ્લાઇટ શરુ કરવાનો પ્રયાસ
ડો. પટેલે વધુમાં કહ્યું કે અમારે પ્રયાસ છે કે જેમ કતાર કે અબુધાબીથી ડાઇરેક્ટ ફ્લાઇટ અમદાવાદ આવે છે તેમ અમેરિકાથી પણ ડાઇરેક્ટ ફ્લાઇટ આવે. અમારી આ માગણી છે. અમે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ.
57 ગુજરાતી સમાજ અને 27 અન્ય સમાજ મળી 84 સમાજને ભેગા કરીને આ સંગઠન બનાવ્યું
યુથ કમિટીના ચેરમેન આત્મન રાવલે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે FOGA USA એક ગુજરાતીઓનું સંગઠન અને ગુજરાતીઓનું શક્તિ સંગઠન છે. પહેલો ગુજરાતી 1960નીઆસપાસ અમેરિકા ગયો હતો પણ ગુજરાતીઓના પડતર પ્રશ્નોનો નિકાલ આવ્યો ન હતો. ગુજરાત સરકાર સાથે સંકલન ન હતું .સરદાર પટેલે રજવાડાને એક કર્યા હતા એ રીતે 57 ગુજરાતી સમાજ અને 27 અન્ય સમાજ મળી 84 સમાજને ભેગા કરીને આ સંગઠન બનાવાનું છે. અને તે માટે FOGA USA ચાલુ કર્યું છે. FOGA USA નું પહેલુ કન્વેન્શન ડેલાસ ટેક્સાસમાં ઓગષ્ટથી 2થી 4 યોજવામાં આવ્યું છે તેમાં દરેક ગુજરાતી આમંત્રીત છે. અમારી અપેક્ષા મુજબ 15 હજાર ગુજરાતી એક મંચ હેઠળ એકત્રીત થશે.
અમેરિકાના ગુજરાતીઓની નવી પેઢીને ભારત તરફ આકર્ષવું હોય તો તેમને કલ્ચરલ કનેક્ટ કરવા પડશે
આત્મન રાવલે કહ્યું કે અમારા નવી પેઢીના બાળકો ભારત આવ્યા ત્યારે અમે તેમને ઇસરો બતાવ્યું. ભારત પણ સ્પેસ ટેકનોલોજીમાં કેટલું આગળ છે તે બતાવ્યું. નવી પેઢીને ભારત જોડે કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગામડું બતાવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે અમેરિકાના ગુજરાતીઓની નવી પેઢીને ભારત તરફ આકર્ષવું હોય તો તેમને કલ્ચરલ કનેક્ટ કરવા પડશે અને તો જ તેમને આકર્ષણ થશે અને તો જ ભારતની સંસ્કૃતિની ખબર પડશે. હવે અમે સ્પોર્ટસ ટીમ ભેગી કરી રહ્યા છીએ. તેમને અહીં લાવીને અહીંના યુવકો જોડે રમાડીશુ તેવો પ્રયત્ન કરીશું. તેમને ગમતા વિષયો સાથે જોડીશું. તેમણે કહ્યું કે કન્વેન્શનમાં અમે અલગથી યુથ માટે સેશન કરવાના છીએ. અમારો પ્રશ્ન હતો કે 17 લાખ ગુજારાતી હોવા છતાં અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ નથી. 100માંથી 60 પેસેન્જર ગુજરાતી હોય છે. અમારો આ સૌથી મોટો પ્રશ્ન છે અને તે માટે રજૂઆત કરીને અમે અમદાવાદને ડાઇરેક્ટ ફ્લાઇટ આપીશું.
આ પણ વાંચો---- PM MODI : અમેરિકામાં પણ અબ કી બાર 400 પાર નો સિંહનાદ
આ પણ વાંચો----NRI Voting Rights : શું NRI લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે છે?, જાણો ભારતનું બંધારણ શું કહે છે…