West Bengal : સવાર-સવારમાં ED નો સપાટો, મમતા સરકારના આ નેતાઓના ઘરે દરોડા
પશ્ચિમ બંગાળમાં (West Bengal) થોડા દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કેટલાક અધિકારીઓને ઇજાઓ થઈ હતી. આ ઘટના બાદ કેન્દ્ર સુધી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. બીજેપી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા આ હુમલાની નિંદા કરવામાં આવી હતી. ત્યારે આજે એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પશ્ચિમ બંગાળમાં કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળમાં (West Bengal) આજે ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી અને TMC નેતા સુજીત બોઝ (Sujit Bose) અને તેમના સાથી તાપસ રૉય (Tapas Roy) વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ED એ કોલકાતામાં બોસના સ્થળો પર દરોડા પાડ્યા છે. સુજીત બોઝ મમતા બેનર્જીની સરકારમાં ફાયર મિનિસ્ટર છે. મ્યુનિસિપલ સંસ્થાઓમાં ભરતી કૌભાંડ મામલે ED એ તેમની સામે આ કાર્યવાહી કરી છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ ED એ કોલકાતા અને કેટલાક બહારના વિસ્તારોમાં એક સાથે દરોડા પાડ્યા છે. માહિતી મુજબ, આ સિવાય ઈડીએ ઉત્તરી દમદમનગર પાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ટીએમસી નેતા (TMC) સુબોધ ચક્રવર્તી (Subodh Chakraborty) ના ઘરે પણ દરોડા પાડ્યા છે.
જણાવી દઈએ કે, અગાઉ ઇડીએ ટીએમસી નેતા શાહજહાં શેખના (Shah Jahan Sheikh) ઘરે દરોડા પાડ્યા હતા. જો કે, આ કાર્યવાહી દરમિયાન શાહજહાંના કેટલાક સમર્થકોએ ED ના અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કેટલાક અધિકારીઓને ઇજા થઈ હતી. ED ની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મમતા સરકાર પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો.
કોણ છે સુજીત બોઝ ?
સુજીત બોઝ મમતા બેનરજી (Mamata Banerjee) સરકારમાં મંત્રી છે. તેઓ પશ્ચિમ બંગાળની (West Bengal) બિધાનનગર સીટ પરથી ધારાસભ્ય છે. 61 વર્ષીય સુજીત બોઝ મમતા સરકારમાં ફાયર ડિપોર્ટમેન્ટની સાથે ઈમરજન્સી સેવાઓ (સ્વતંત્ર હવાલો) સંભાળે છે. બોઝ પહેલીવાર 2011માં બિધાનનગરથી (Bidhannagar) જીત્યા હતા. ત્યારથી તેઓ સતત ધારાસભ્ય છે. 2021માં તેમણે બીજેપીના ઉમ્મેદવાર સબ્યસાચી દત્તાને (Sabyasachi Dutta) હરાવ્યા હતા.
આ પણ વાંચો - PM Modi : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા PM મોદીનો દેશવાસીઓને ખાસ સંદેશ