વાહનચાલકો માટે ખરાબ સમાચાર! Toll Tax મુદ્દે વધારે એક ઝટકો મળશે
- NHAI દ્વારા ટોલ પ્લાઝા વેઇટિંગના નિયમને રદ્દ કરાયો
- ગમે તેટલો સમય ઉભા રહેવું પડે ટોલ ભર્યા બાદ જ ગાડી જવા દેવાશે
- જો કે આ નિયમ પ્રમાણમાં ઓછો પ્રચલિત, કર્મચારીઓ પણ તેનું પાલન નહોતા કરતા
નવી દિલ્હી : NHAI દ્વારા ટોલ પ્લાઝા પર વેટિંગ વાળો નિયમ બંધ કરી દેવામાં આવ્યો છે. કદાચ તમે આ નિયમ વિશે ન પણ જાણતા હો. પરંતુ NHAI નો નિયમ હતો કે તમે ટોલ પ્લાઝા પર ઉભા રહો અને 10 સેકન્ડ પ્રતિવાહન કરતા વધારે સમય તમારે વેઇટિંગમાં જતો રહે તો તે ટોલ પ્લાઝા પર તમારી પાસેથી ફી વસુલ્યા વગર જ તમને જવા દેવામાં આવતા હતા. આ નિયમને જો કે હવે હાઇવે ઓથોરિટી દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યો છે.
આ નિયમ અનુસાર જો ટોલ પ્લાઝા કોઇ ગાડીને ક્રોસ થવામાં 10 સેકન્ડ કરતા વધારે સમય લાગે તો તેની પાછળવાળી ગાડીને ટોલ નહીં ભરવો પડે. આ પ્રકારે જો ટોલ પ્લાઝા પર ગાડીઓની લાઇન 100 મીટર કરતા વધારે હોય તો તમામ ગાડીઓને ફ્રીમાં જવા દેવી પડે તેવો નિયમ હતો. 100 મીટર એટલે કે ટોલની પહેલાની પીળી લાઇન સુધી ગાડીઓ હોય તો તમને ટોલ વસુલ્યા વગર જ જવા દેવા તેવો નિયમ હતો.
હવે ગમે તેટલી રાહ જોવી પડે ટોલ ભર્યે જ છુટકો થશે!
નિયમ વર્ષ 2021 ના મે મહિનામાં બનાવાયો હતો. આ નિયમ Fast Tag ધરાવતી ગાડીઓને લાગુ પડતો હતો. જો કે આ નિયમ માત્ર કાગળ પર જ હતા ક્યારે પણ આ નિયમ લાગુ થઇ શક્યા નહોતા. જો કોઇએ આ નિયમનો હવાલો ટાંક્યો તો પણ ટોલ પ્લાઝા કર્મચારીઓએ અને પાછળની ગાડીઓએ હોર્ન વગાડી વગાડીને ગાડી ધારકને ટોલ કપાવા માટે મજબુર કર્યા હતા. તેમ છતા ન માનો તો ટોલ કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરીને ટોલ વસુલવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.
હવે કોઇ રાહત નહીં લાઇનમાં ઉભા રહેવું પડશે
જો કે હવે આ નિયમને જ NHAI દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબાર અનુસાર હવે વેઇટિંગ ટાઇમ પર અપાતી છુટને હટાવી લેવાઇ છે. હવે ગમે તેટલી લાઇન હોય કે ગમે તે પ્રકારની ટેક્નિકલ ખામી હોય લાઇનમાં ઉભા રહેવા સિવાય તમારી પાસે બીજોકોઇ જ વિકલ્પ નથી. હાલ તો આ નિર્ણય અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. સમગ્ર મામલે સોશિયલ મીડિયાનું બજાર ગરમ થઇ ચુક્યું છે.